Abtak Media Google News

બેંક નિફટીનો કચ્ચરઘાણ, 1500થી વધુ પોઈન્ટનો તોતીંગ કડાકો: રૂપિયામાં સામાન્ય મજબુતાઇ

ભારતીય શેર બજારમાં આજે  સપ્તાહના  અંતિમ ટ્રેડીંગ  સેશનમાં  તોતીંગ કડાકા  બોલી ગયા હતા.  ઉઘડતી બજારે60 હજારની સપાટી તોડી હતી. બેંક નિફટીમાં 1500થી વધુ પોઈન્ટનું ગાબડુ પડયું હતુ.  અમેરિકી ડોલર સામે ભારતીય રૂપીયામાં સામાન્ય મજબુતાઇ જોવા મળી હતી.

આજે મુંબઈ શેર બજારના બંને   આગેવાન ઈન્ડેકસ  સેન્સેકસ  અને નિફટી   તોતીંગ  કડાકા સાથે ખૂલ્યા હતા ઉઘડતી બજારે સેન્સેકસે 59 હજારની  સપાટી તોડતા રોકાણકારોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. ઈન્ટ્રા ડેમાં સેન્સેકસ 58974.70 પોઈન્ટ સુધી ગરકાવ થઈ ગયો હતો.

જોકે સામાન્ય  રિકવરી રહેતા  60166.90ની સપાટીએ  પહોચ્યો હતો.  નિફટીએ આજે ઈન્ટ્રા ડેમાં  17493.55ની નીચલી સપાટી હાંસલ કરી હતી જેમાં  ઉપલી સપાટી 17884.75 પહોચી હતી. બેંક નિફટીમાં   1500થી વધુ પોઈન્ટનો  તોતીંગ કડાકો   બોલી ગયો  હતો. બુલીયન બજારમાં મિશ્ર માહોલ રહેવા પામ્યો હતો. ચાંદીના ભાવમાં ઉછાળો  નોંધાયો હતો. જયારે સોનાના   ભાવમાં ઘટાડો નોંધાયો હતો.

આ લખાય રહ્યું છે. ત્યારે સેન્સેકસ   1175 પોઈન્ટના ઘટાડા સાથે   59039 અને નિફટી 372 પોઈન્ટના ઘટાડાસાથે  17519 પોઈન્ટ પર કામકાજ કરી રહ્યા છે. જયારે અમેરિકી ડોલર સામે  ભારતીય  રૂપીયો 3 પૈસાની મજબુતાઇ સાથે  81.56. પર  ટ્રેડ કરી રહ્યા છે.

આજે બીએસઇનું કુલ માર્કેટ કેપ ઘટીને રૂ. 2,68,344 કરોડ થયું છે.આનો અર્થ એ થયો કે રોકાણકારોને લગભગ 8.1 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.  અદાણી ગ્રૂપના શેર ઉપરાંત બેન્કિંગ શેરોમાં આજે સૌથી વધુ વેચવાલી જોવા મળી રહી છે. બેન્ક નિફ્ટી લગભગ 1,500 પોઈન્ટનો ઘટાડો થયો છે. છેલ્લા કેટલાક મહિનામાં બેન્કિંગ શેરોમાં સારી તેજી જોવા મળી હતી.

બીજી તરફ મજબૂત ડોલર અને મજબૂત યુએસ આર્થિક ડેટાને કારણે ગુરુવારે સોનામાં ઘટાડો થયો હતો.  સ્થાનિક બજારમાં એમસીએક્સ પર સોનું નજીવા વધારા સાથે રૂ.57000 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું હતું જ્યારે ચાંદી રૂ.68745 પ્રતિ કિલો પર ટ્રેડ થઈ રહી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.