Abtak Media Google News
ઉઘડતા સપ્તાહે સેન્સેકસ અને નિફટીમાં કડાકો સતત ઉતાર ચઢાવથી રોકાણકારો ચિંતીત

યુક્રેન અને રશિયા વચ્ચે ફાટી નીકળેલા યુધ્ધના કારણે ભારતીય શેર બજારની માઠી બેઠી છે. આજે ઉઘડતી બજારે સેન્સેકસ અને નિફટી ઉંધા માથે પટકાયા હતા. યુધ્ધ હજુ લાંબુ ચાલશે તેવી દહેશતથી બજારમાં ભારે ઉતાર ચઢાવ જોવા મળી રહ્યા છે. રોકાણકારો હાલ બજારનો રૂખ પારખવામાં તદન નિષ્ફળ જઈ રહ્યા છે. બુલીયન બજારમાં આજે ફરી તેજીનો તોખાર જોવા મળ્યા હતા.અમેરિકી ડોલર સામે ભારતીય રૂપીયો ધોવાઈ ગયો હતો.

યુક્રેન અને રશિયા વચ્ચેના યુધ્ધથી ભારતીય શેર બજાર તબાહ થઈ ગયું છે. ગૂરૂવારે બજારમાં 2700થી વધુ પોઈન્ટના કડાકા બોલી ગયા બાદ યુધ્ધ વહેલુ પૂરૂ થઈ જશે તેવી આશાના કારણે શુક્રવારે બજારમાં જોરદાર રિકવરી જોવા મળી હતી. દરમિયાન યુધ્ધનો વિરામ કયારે થશે તે નકકી ન થતા આજે ઉઘડતી બજારે બજારમાં ફરી મહામંદીનું મોજુ ફરી વળ્યું હતુ સેન્સેકસ અને નિફટી ઉંધે માથે પટકાયા હતા રૂપીયો પણ રાંક બની ગયો હતો. બૂલીયન બજારમાં તેજી જોવા મળી હતી.

આ લખાય રહ્યું છે ત્યારે સેન્સેકસ 642 પોઈન્ટના ઘટાડા સાથે 55216 અને નિફટી 178 પોઈન્ટના ઘટાડા સાથે 16487 પોઈન્ટ પર કામકાજ કરી રહ્યા છે. જયારે અમેરિકી ડોલર સામે ભારતીય રૂપયિ 35 પૈસાની નબળાઈ સાથે 75.64 પર ટ્રેડ કરી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.