શેરબજારમાં તેજી: સેન્સેક્સમાં 737 પોઈન્ટનો તોતિંગ ઉછાળો

સેન્સેક્સે 58,000ની સપાટી ઓળંગતા રોકાણકારોમાં ફરી હાશકારો: નિફટીમાં પણ 223 પોઈન્ટનો ઉછાળો: અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો 11 પૈસા તૂટ્યો

ભારતીય શેરબજારમાં આજે તેજી જોવા મળી હતી. સેન્સેક્સે ફરી એક વખત 58,000ની સપાટી ઓળંગતા રોકાણકારોમાં નવા જ વિશ્ર્વાસનો સંચાર થવા પામ્યો છે. નિફટીમાં પણ 223 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. અમેરિકી ડોલર સામે આજે ભારતીય રૂપિયો 11 પૈસા તૂટ્યો હતો.

છેલ્લા ઘણા સમયથી ભારતીય શેરબજારમાં ચાલી આવતી તેજી-મંદી વચ્ચે આજે સવારથી મુંબઈ શેરબજારના બંને આગેવાન ઈન્ડેક્ષમાં ઉછાળો જોવા મળ્યો હતો. સેન્સેક્સે આજે ઈન્ટ્રા-ડેમાં ફરી એક વખત 58,000ની સપાટી ઓળંગી હતી. જ્યારે નિફટી પણ 17400ની સપાટી પાર કરવામાં સફળ રહ્યું હતું. આજે ઈન્ટ્રા-ડેમાં સેન્સેક્સ 57680.41 સુધી નીચે સરક્યો હતો અને 58,464.27 સુધીની ઉપલી સપાટીએ ગયો હતો.

બજારમાં 800થી વધુ પોઈન્ટનો ઉતાર-ચઢાવ જોવા મળ્યો હતો. બીજી તરફ નિફટીએ પણ આજે ઈન્ટ્રા-ડેમાં 17,149.30ની નિચલી સપાટી સુધી સરક્યા બાદ 17402.55ની ઈન્ટ્રા-ડે સર્વોચ્ચ સપાટી હાસલ કરી હતી. આજની તેજીમાં અદાણી પોર્ટ, એચડીએફસી, પાવર ગ્રીડ અને ટેક મહિન્દ્રા જેવી કંપનીના શેરના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો.

જ્યારે શિપલા, આઈસીઆઈસીઆઈ બેંક, એકસીસ બેંક અને અલ્ટ્રા-ટેક સીમેન્ટ જેવી કંપનીના ભાવ તૂટ્યા હતા. આ લખાય રહ્યું છે ત્યારે સેન્સેક્સ 737 પોઈન્ટના ઉછાળા સાથે 58422 અને નિફટી 223 પોઈન્ટના ઉછાળા સાથે 17390 પર ટ્રેડ કરી રહી છે. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો 11 પૈસાની નબળાઈ સાથે 75.02 પર ટ્રેડ કરી રહ્યો છે.