Abtak Media Google News

સેન્સેક્સે 60 હજાર અને નિફ્ટીએ 18 હજારની સપાટી તોડી: અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયામાં મજબૂતી

ભારતીય શેરબજારમાં સોમવારે એક દિવસ માટે તેજી રહ્યાં બાદ આજે ફરી સેન્સેક્સ અને નિફ્ટીમાં તોતીંગ કડાકા બોલી ગયા હતાં. ઇન્ટ્રાડેમાં સેન્સેક્સે 60 હજાર અને નિફ્ટીએ 18 હજારની સપાટી તોડી હતી. અમેરિકી ડોલર સામે ભારતીય રૂિ5યામાં મજબૂતી હોવા છતાં વૈશ્ર્વિક બજારોમાં મંદીના કારણે ભારતીય શેરબજારમાં ધોવાણ જોવા મળ્યું હતું. બૂલીયન બજારમાં પણ આજે સોના અને ચાંદીના ભાવમાં કડાકો બોલી ગયો હતો.

આજે મુંબઇ શેરબજારના બંને આગેવાન ઇન્ડેક્સ રેડ ઝોનમાં ખૂલ્યા હતાં. એક તબક્કે થોડીવાર માટે સેન્સેક્સ અને નિફ્ટી ગ્રીન ઝોનમાં આવ્યા હતાં. પરંતુ વેચવાલીના કારણે બજાર પર મંદી હાવી રહેવા પામી હતી. વિદેશી રોકાણકારો દ્વારા ભારતીય શેરબજારમાંથી મૂડી રોકાણ પરત ખેંચવામાં આવી રહ્યું છે. બીજી તરફ અમેરિકી ફેડરલ બેંક દ્વારા વ્યાજદરોમાં વધારો ચાલુ રાખવામાં આવશે. તેવી ઘોષણા કરાયા બાદ વિશ્ર્વભરના બજારોમાં મંદીની સુનામી જોવા મળી રહી છે.

આજે સેન્સેક્સે ઇન્ટ્રાડેમાં 60 હજારની સપાટી તોડતાં 59976.51ની સપાટીએ પહોંચી ગયો હતો. જો કે એક તબક્કે સેન્સેક્સ 60,809.65ના લેવલે પહોંચી ગયો હતો. નિફ્ટીએ પણ ઇન્ટ્રાડેમાં 18 હજારની સપાટી તોડતાં 17859.90ની સપાટી હાંસલ કરી હતી અને 18,127.60 સુધી પહોંચ્યો હતો. બેંક નિફ્ટી અને નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સમાં પણ તોતીંગ કડાકા બોલી ગયા હતાં. સામાન્ય રીતે શેરબજારમાં તેજી હોય ત્યારે બૂલીયન બજારમાં મંદી રહેવા પામતી હોય છે.

પરંતુ છેલ્લા ઘણા સમયથી ઉલ્ટી ગંગા વહી રહી હોય તેમ શેરબજાર અને બૂલીયન બજારમાં તેજી-મંદીનો માહોલ એક સાથે રહે છે. આજે શેરબજાર સાથે બૂલીયન માર્કેટ પણ તૂટ્યું હતું. જો કે અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો સારો એવો મજબૂત બન્યો છે.

આ લખાઇ રહ્યું છે ત્યારે સેન્સેક્સ 742 પોઇન્ટના ઘટાડા સાથે 60004 અને નિફ્ટી 224 પોઇન્ટના ઘટાડા સાથે 17877 પોઇન્ટ પર ટ્રેડ કરી રહ્યા છે. જ્યારે અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો 61 પૈસાની મજબૂતાઇ સાથે 81.75 પર કામકાજ કરી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.