Abtak Media Google News
  • હાલ દેશભરમાં વરસાદી માહોલ જામ્યો છે. પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનના બનાવો પણ ખૂબ વધ્યા છે એવામાં આજ રોજ હિમાચલ પ્રદેશના કિન્નૌર જિલ્લામાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. જાણે પથ્થરો આફત બની આસમાનથી વરસી રહ્યા હોય તેમ દ્રશ્યો સર્જાયા હતા. ભૂસ્ખલન થતાં મસમોટા પથ્થરો પહાડ પરથી નીચે ધડાકાભેર પડતાં આશરે 9 લોકોના મોત થયા છે.

સાંગલા-છિતકુલ રોડ પર ભૂસ્ખલન બાદ ચાલતા ટેમ્પો ઉપર પથ્થરો પડ્યા હતા. બસતેરી નામના ગામમાં સ્થિત એક પુલ પર પથ્થરો પડતા પુલનો કચ્ચરઘાણ બોલી ગયો હતો. સાંગલા ખીણ નીચે સ્થિત ગાડીઓ પણ ભુક્કો થઈ ગઈ હતી. આ અકસ્માતમાં 9 લોકોનાં મોત નીપજ્યાં જ્યારે અન્ય ચાર લોકોને ગંભીર ઈજા પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે.

અહેવાલ મુજબ આ ઘટના આજરોજ બપોરે 1.30 વાગ્યે બની હોવાનું સામે આવ્યું છે. ભૂસ્ખલન વેળાએ સાંગલા-છિતકુલ રોડ પર બસતેરી પાસે એક પથ્થર એક ટેમ્પો પર પડ્યો હતા. આ ટેમ્પોમાં 11 લોકો સવાર હતા. જેમાથી 9 લોકોના મોત થયા છે અને બાકીના લોકોને ઈજાઓ થતા તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

*મહારાષ્ટ્રમાં ભૂસ્ખલનમાં 73ના મોત, 47 ગુમ*

મહારાષ્ટ્રમાં પણ મેઘ તાંડવથી જનજીવન ખૂબ પ્રભાવિત થઈ ઉઠ્યું છે. રાયગઢ,, રત્નાગિરી અને સતારામાં ભૂસ્ખલનથી 73 લોકોનાં મોત નીપજ્યાં છે. રાયગવના મહાડમાં ભૂસ્ખલનને કારણે 44 લોકોનાં મોત થયાં છે. ત્રણ જિલ્લાઓમાં હજુ 47 લોકોની શોધખોળ ચાલુ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.