- ગોંડલ રોડ પર નુરાનીપરા વિસ્તારમાં પોલીસ ટીમ પર પથ્થરમારો
- માતાજીના માંડવામાં પશુબલી અટકાવવા વિજ્ઞાન જાથાની ટીમ સાથે ગયેલી પોલીસ પર 500થી વધુના ટોળાંનો હુ*મ*લાનો પ્રયાસ
- ટોળાંને વિખેરવા પોલીસને હવામાં ફાયરિંગ કરવાની ફરજ પડી
- પીઆઈ એ.બી.જાડેજા સહિતનો કાફલો દોડી ગયો, પોલીસના ધાડેધાડા ઉતારી દેવાયા
રાજકોટ: ગોંડલ રોડ પર આવેલા નુરાનીપરા વિસ્તારમાં આજે અસામાન્ય અને ચોંકાવનારી ઘટના બની હતી. માતાજીના માંડવામાં થતી પશુબલીને અટકાવવા માટે વિજ્ઞાન જાથાની ટીમ સાથે ગયેલી પોલીસ પર 500થી વધુ લોકોના ઉગ્ર ટોળાએ અચાનક પથ્થરમારો શરૂ કરી દીધો હતો.
રાજકોટમાં અંધશ્રદ્ધા સામે જાગૃતિ લાવવા વિજ્ઞાન જાથા દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવે છે. પશુ બલી હોય કે ભૂવાઓના ધતિંગો હોય વિજ્ઞાન જાથા દ્વારા તેનો પર્દાફાશ કરવામાં આવે છે. શહેરમાં કોઠારિયા વિસ્તારમાં નિર્દોષ પશુઓની બલી ચઢાવવામાં આવતી હોવાની માહિતી મળતા વિજ્ઞાન જાથાની ટીમ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને પશુઓને બચાવવાનો પ્રયત્ન કરતાં સ્થાનિકો દ્વારા હુમલો કરાયો હતો.
ત્યારે હાલ પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ હતી કે ટોળાને વિખેરવા માટે પોલીસને આખરે હવામાં ફાયરિંગ કરવાની ફરજ પડી હતી. આ ઘટનાની જાણ થતાં જ PI એ. બી. જાડેજા સહિત પોલીસનો મોટો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવ્યા હતા અને સમગ્ર વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, વિજ્ઞાન જાથાની ટીમને નુરાનીપરા વિસ્તારમાં માતાજીના માંડવામાં પશુબલી થવાની માહિતી મળી હતી. તેથી , તેમણે પોલીસને સાથે રાખીને ત્યાં પહોંચીને બલી અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, જ્યારે પોલીસ અને વિજ્ઞાન જાથાની ટીમ માંડવા પાસે પહોંચી ત્યારે ત્યાં હાજર 500 થી વધુ લોકોનું ટોળું એકદમ ઉશ્કેરાઈ ગયું હતું અને તેમણે પોલીસ ટીમ પર જોરદાર પથ્થરમારો શરૂ કરી દીધો હતો. આ ઉપરાંત અચાનક થયેલા આ હુ*મ*લાથી પોલીસ પણ ચોંકી ઉઠી હતી અને પોતાને બચાવવા માટે તાત્કાલિક પગલાં લેવાની જરૂર પડી હતી.
ટોળાનો હુ*મ*લો એટલો તીવ્ર કર્યો હતો કે પરિસ્થિતિ ગંભીર થઈ હતી. તેમજ પોતાના જીવને જોખમમાં જોઈને અને ટોળાને નિયંત્રિત કરવા માટે પોલીસ પાસે હવામાં ફાયરિંગ કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ હતો નહીં. આ ઉપરાંત પોલીસે તાત્કાલિક હવામાં ફાયરિંગ કરીને ટોળાને વિખેરવાનો પ્રયાસ કર્યો હતો. તેમજ ગોળીબારના અવાજથી થોડીવાર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, પરંતુ ટોળું સંપૂર્ણપણે શાંત થયું ન હોતું.
આ ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેમજ પીઆઈ એ. બી. જાડેજા પોતાના કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચી આવ્યા હતા અને પરિસ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. આ દરમિયાન હાલમાં સમગ્ર વિસ્તારમાં પોલીસનો ભારે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને વધુ પોલીસ ફોર્સને પણ ઘટનાસ્થળે બોલાવવામાં આવી છે. તેમજ પોલીસના ધાડેધાડા ઉતારી દેવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા પથ્થરમારાની ઘટનામાં સામેલ લોકોની ઓળખ કરવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે અને ટૂંક સમયમાં તેમની ધરપકડ કરવામાં આવી શકે છે.