Abtak Media Google News
  • રાજકોટમાં વીજળીના કડાકા-ભડાકા અને ભારે પવન સાથે અડધી કલાકમાં એક ઇંચ: સિઝનનો કુલ 34 ઇંચ વરસાદ: અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી: નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
  • વલસાડના પારડી, વાપી, કપરાડામાં ચાર ઇંચ વરસાદ: ઉંમરગામમાં ત્રણ ઇંચ, ગણદેવીમાં અઢી ઇંચ: આજે પણ મધ્યમથી ભારે વરસાદની સંભાવના

રાજ્યમાં ફરી મેઘાવી માહોલ જામ્યો છે. બંગાળની ખાડીમાં લો-પ્રેશર સિસ્ટમ સક્રિય થવાના કારણે રાજ્યમાં મેઘકૃપા વરસી રહી છે. આજે સવારે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 26 જિલ્લાના 117 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. હજી ચાર દિવસ રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. રાજકોટમાં ગઇકાલે રાત્રે વીજળીના ડરામણા કડાકા-ભડાકા અને ભારે પવન સાથે અડધી કલાકમાં સુપડાધારે એક ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. આજે સવારથી સૌરાષ્ટ્રમાં વરાપ જોવા મળી રહ્યો છે.

Img 20220909 Wa0005

આજે સવારે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 117 તાલુકાઓમાં વરસાદ વરસી ગયો છે. વલસાડના પારડી, વાપી અને કપરાડામાં ચાર-ચાર ઇંચ સુધી વરસાદ વરસ્યો હતો. ઉંમરગામમાં ત્રણ ઇંચ, ગણદેવીમાં અઢી ઇંચ, અંકલેશ્ર્વરમાં પોણા બે ઇંચ, ઉમરપાડા, ચીખલી, ડેડીયાપાડામાં દોઢ ઇંચ, ખંભાળીયા ઓલપાડમાં સવા ઇંચ, કોટડાસાંગાણી, વાલીયા, નવસારી, વિસાવદરમાં એક ઇંચ વરસાદ વરસી ગયો હતો. રાજકોટમાં ગઇકાલે રાત્રે વીજળીના કડાકા-ભડાકા અને ભારે પવન સાથે અડધી કલાકમાં એક ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. શહેરમાં અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થઇ ગયા હતા. ન્યુ રાજકોટમાં સૌથી વધુ 22 મીમી (સિઝનનો કુલ 804 મીમી) વરસાદ પડ્યો હતો. જ્યારે સેન્ટ્રલ ઝોન અર્થાત જૂના રાજકોટમાં 18 મીમી (સિઝનનો 851 મીમી) અને ઇસ્ટ ઝોન અર્થાત સામાકાંઠા વિસ્તારમાં 18 મીમી (મોસમનો કુલ 774 મીમી) વરસાદ વરસી ગયો છે.

રાજ્યમાં આજ સુધીમાં સિઝનનો કુલ 103.21 ટકા વરસાદ વરસી ગયો છે. કચ્છમાં સૌથી વધુ 157.20 ટકા જ્યારે પૂર્વ-મધ્ય ગુજરાતમાં સૌથી ઓછો 84.24 ટકા, ઉત્તર ગુજરાતમાં 110.71 ટકા, દક્ષિણ ગુજરાતમાં 113.07 ટકા અને સૌરાષ્ટ્રમાં 91.25 ટકા વરસાદ વરસી ગયો છે.

  • ભાદર ઓવર ફ્લો થવામાં 2.30 ફૂટ આજી છલકાવામાં 1.80 ફૂટ બાકી
  • 13 જળાશયોમાં નવા નીરની આવક

આજે સવારે પુરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન ભાદર સહિત 13 જળાશયોમાં નવા નીરની આવક થવા પામી છે. સૌરાષ્ટ્રનો દરિયો ગણાતા ભાદર ડેમ હવે ઓવરફ્લો થવામાં માત્ર 2.30 ફૂટ બાકી રહ્યો છે.

આજે સવારે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન ભાદર ડેમમાં નવુ 0.23 ફૂટ પાણીની આવક થવા પામી છે. 34 ફૂટે ઓવરફ્લો થતા ભાદર ડેમની સપાટી હાલ 31.70 ફૂટે પહોંચી જવા પામી છે. ડેમમાં 5558 એમસીએફટી પાણી સંગ્રહિત છે. ભાદર ઓવરફ્લો થવામાં માત્ર 2.30 ફૂટ બાકી રહ્યો છે. આ ઉપરાંત રાજકોટની જળ જરૂરિયાત સંતોષતા અને રાજકોટવાસીઓના સૌથી માનીતા એવા આજી-1 ડેમમાં પણ નવુ 0.16 ફૂટ પાણી આવ્યુ છે. 29 ફૂટે છલકાતા આજીની સપાટી 27.20 ફૂટે પહોંચી જવા પામી છે. ડેમ ઓવરફ્લો થવામાં માત્ર 1.80 ફૂટ બાકી છે. ડેમમાં 806 એમસીએફટી પાણી સંગ્રહિત છે. ન્યારી-1 ડેમમાં પણ નવુ 0.33 ફૂટ પાણી આવતા 25.10 ફૂટે છલકાતા ન્યારી-1 ડેમની સપાટી 23 ફૂટે પહોંચી જવા પામી છે. હવે ડેમ ઓવરફ્લો થવામાં માત્ર 2.10 ફૂટ બાકી છે. ડેમમાં 981 એમસીએફટી પાણી સંગ્રહિત છે.

આ ઉપરાંત આજી-2 ડેમમાં 0.33 ફૂટ, ફાડદંગ બેટીમાં 0.49 ફૂટ, ઇશ્ર્વરિયામાં 0.82 ફૂટ, મચ્છુ-1માં 0.07 ફૂટ, મચ્છુ-2 ડેમમાં 0.13 ફૂટ, મચ્છુ-3 ડેમમાં 0.39 ફૂટ, સસોઇ ડેમમાં 0.07 ફૂટ, ઉંડ-1 ડેમમાં 0.07 ફૂટ, પાણીની આવક થવા પામી છે.

  • સૌરાષ્ટ્રમાં રવિવારથી વરસાદનું જોર વધશે
  • અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, ભાવનગર ઉપરાંત કચ્છમાં ભારે વરસાદની સંભાવના

બંગાળની ખાડીમાં લો-પ્રેશર સિસ્ટમ સક્રિય થવાના કારણે રાજ્યમાં આગામી પાંચ દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં રવિવારથી વરસાદનું જોર વધશે આજે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં મેઘાવી માહોલ રહેશે.

હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યાનુસાર બંગાળની ખાડીમાં લો-પ્રેશર સિસ્ટમ ઉદ્ભવી છે. જેના કારણે રાજ્યમાં ફરી મેઘાવી માહોલ જામ્યો છે. આજે સવારે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 117 તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો. શનિવારે ડાંગ, નવસારી, વલસાડ, દમણ-દાદરાનગર હવેલી,

આણંદ, પંચમહાલ અને દાહોદમાં હળવો વરસાદ પડશે. રવિવારે નર્મદા, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ-દાદરાનગર હવેલી, અમરેલી, ગીર સોમનાથ અને કચ્છમાં જ્યારે સોમવારે ડાંગ, નવસારી, વલસાડ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને કચ્છ જ્યારે મંગળવારે ડાંગ, નવસારી, વલસાડમાં ભારેથી અતિભારે જ્યારે ભરૂચ, સુરત, તાપી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.