Abtak Media Google News

ગિરના અમુક નેસડા વિસ્તારોમાં ગાય-ભેંસને વિચિત્ર રોગ લાગુ પાડયો હોવાના ત્રણ માસમાં આશરે ૩૦ જેટલા ગાય-ભેંસના મોત થયા હોવાના ચોકાવનારા સમાચારો મળી રહ્યા છે.જેને લઇને કાસિયા, આલાવણી સહિતના નેસડામાં માલધારીઓ માલઢોરના રોગ અને તેના કારણે થતા મોતથી ચિંતાતૂર બની ગયા છે.

ગિર જંગલના કાસિયા, આલાવણી સહિતના નેસડા અને તેના આસપાસના વિસ્તારમાં છેલ્લા ત્રણેક માસથી માલધારીઓની ગાય-ભેંસને વિચિત્ર રોગ થઇ રહ્યો છે. આ રોગના કારણે દૂધાળું પશુ ૪ થી ૫ દિવસમાં મત્યુ પામે છે. છેલ્લા ત્રણેક માસમાં આ રીતે અંદાજે ૩૦ જેટલી ગાય-ભેંસના મોત થયા હોવાનું માલધારીઓ જણાવી રહ્યા છે.

ગીરના કાસિયા, આલાવણી અને તેની આસપાસ વસતા માલધારી ગાય અને ભેંસમાં થતા વિચિત્ર પ્રકારના રોગને દેશી ભાષામાં ચક્કરિયો તરીકે ઓળખે છે. આ રોગ સાજા નરવા ગાય કે ભેંસને થતાં આમ તેમ ભટકવા લાગે છે. ચક્કર ફરવા લાગે અને થોડીવાર બાદ શાંત થઇ જાય ત્યારે ફરી સામાન્ય વર્તન અને ખોરાક લેવા લાગે. તો ક્યારેક ચક્કર આવીને પડી પણ જાય એવું બને છે. રોગના આવા લક્ષણોમાં ૩ થી ૪ દિવસ આવું થયા બાદ સાજા નરવા ગાય કે ભેંસ મોતને ભેટે છે.

જો કે, આવો રોગ ગીરના અમુક માલધારી વિસ્તારમાં જોવા મળતાં અમુક માલધારીઓ પોતાના માલઢોરને લઇ જૂનાગઢ સારવારમાં પણ લાવ્યા હતા. તો કેટલાકે પશુચિકિત્સકને બોલાવી ભેંસના લોહીના નમુના લઇ લેબોરેટરી ટેસ્ટ માટે જૂનાગઢ પણ મોકલ્યા છે. આમ છત્તાં એક વાત મુજબ બે થી ત્રણ મહિનામાં આશરે ૩૦ ઢોરના મોત થયા છે. આથી માલધારીઓ ભારે ચિંતાતૂર બન્યા છે.

આ રોગ અંગે નાયબ પશુ પાલન નિયામક ડો. ડી.બી. પાનેરાના જણાવ્યા અનુસાર પશુમાં ટ્રિપેનોજોમિયાસીસ અને થેઇલેરિયા રોગ પશુઓમાં જોવા મળ્યો છે. જૂનાગઢ સારવારમાં આવેલી ૨ ભેંસોના મોત થયા છે. એ સિવાય ૩ ભેંસને સ્થળ પર સારવાર અપાઇ હતી. જે સાજી થઇ ગઇ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.