નેપાળમાં મોદીનું પૂતળું સળગાવવા કે નારેબાજી કરવા સામે કડક કાર્યવાહી થશે

નેપાળી યુવકના મોત મામલે ચાલી રહેલા વિરોધ પ્રદર્શન સંદર્ભે ત્યાંની સરકારે જાહેર કર્યા કડક આદેશો

અબતક, નવી દિલ્હી
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પૂતળું સળગાવવાના અને તેમના વિરોધમાં નારાબાજી કરવા સામે નેપાળ સરકારે કડક આદેશ બહાર પાડ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી નેપાળમાં એક નેપાળી યુવકના મોતના મામલે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. નેપાળી યુવકનું મોત ઉત્તરાખંડની સરહદી જિલ્લા પિથૌરાગઢ પાસેથી પસાર થતી કાલી નદીમાં પડી જવાથી થયું હતું. ધારચૂલાના ગસ્કૂમાં ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ કરી રહેલો નેપાળી યુવક જય સિંહ ધામીનું ગત ૩૦મી જુલાઈએ કાલી નદીમાં પડી જવાથી મોત થઈ ગયું હતું.

 

નેપાળમાં વિરોધ કરી રહેલા લોકોનો આરોપ છે કે, યુવકના મોત માટે એસએસબી જવાબદાર છે. તેમનું કહેવું છે કે, જ્યારે તારની મદદથી યુવક નદી પાર કરી રહ્યો હતો, તો એસએસબીએ તાર કાપી નાખ્યો. જોકે, એસએસબીએ આ આરોપને ફગાવી દીધો છે. નેપાળમાં સત્તામાં સામેલ કોમ્યુનિસ્ટ પાર્ટીના યુથ વિંગ અને સ્ટૂડન્ટ વિંગના લોકો વિરોધ કરી રહ્યા છે અને ભારતના પીએમ નરેન્દ્ર મોદીના પૂતળા સળગાવી રહ્યા છે.હવે, નેપાળના ગૃહ મંત્રાલયે સ્ટેટમેન્ટ જારી કરી આવી હરકતો સામે એક્શન લેવાની વાત કરી છે. નેપાળના ગૃહ મંત્રાલયે સ્ટેટમેન્ટમાં કહ્યું છે કે, છેલ્લા કેટલાક દિવસોથી અમારા મિત્ર દેશના વડાપ્રધાનની ઈમેજ ખરાબ કરવા માટે તેમની સામે નારાબાજી અને તેમના પૂતળા બાળવાની ઘટનાઓ સામે આવી છે. હોમ મિનિસ્ટ્રીએ આ રીતની અસન્માનજનક હરકત પર સખત વાંધો છે.

સ્ટેટમેન્ટમાં કહેવાયું છે કે, નેપાળ સરકાર પોતાના બધા મિત્ર દેશોની સાથે દોસ્તીના સંબંધ રાખવા ઈચ્છે છે. નેપાળ સરકાર કોઈપણ સ્થિતિમાં એવી ઘટનાઓ નહીં થવા દે, જેનાથી રાષ્ટ્રીય હિતને નુકાસન પહોંચે. નેપાળના ગૃહ મંત્રાલયે સ્ટેટમેન્ટમાં કહ્યું છે કે, અમારી પરંપરા રહી છે, કે અમે પાડોશી દેશની સાથે વિવાદને પરસ્પર વાતચીત અને ડિપ્લોમેટિક રીતે ઉકેલતા રહ્યા છીએ. નેપાળ ગૃહ મંત્રાલયે કહ્યું કે, પાડોશી મિત્ર દેશની સામે કોઈપણ એક્ટિવિટીને ક્ધટ્રોલ કરવાને લઈને ગૃહ મંત્રાલય પગલાં ઉઠાવશે અને એવા લોકોને સજા આપવામાં આવશે, જે આ રીતની ગેરકાયદેસર એક્ટિવિટી કરે છે.