જૂનાગઢ શહેરમાં કોરોના સંક્રમણને નાથવા નાઈટ કરફર્યુનો કડક અમલ

જુનાગઢ સહિત 20 શહેરોમાં કોરોના સંક્રમણને નાથવા રાજ્ય સરકાર દ્વારા નાઈટ કરફ્યુ અમલી બનાવવામાં આવ્યો છે ત્યારે છેલ્લા બે દિવસથી જૂનાગઢમાં રાતના 8 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યુનો કડક અમલ શરૂ થઇ ચૂક્યો છે. જૂનાગઢ શહેરના તમામ મુખ્ય માર્ગો પર રાત્રીના 8 વાગ્યાથી જ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે અને બિનજરૂરી હેરાફેરી કરતા લોકો, વાહનચાલકો તેમજ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.જૂનાગઢ શહેરમાં રાત્રી કર્ફ્યુને પગલે સાંજે 7 વાગ્યા પછી એસ.ટી.બસ શહેરમાં પ્રવેશવા દેવામાં આવતી નથી, જેને લઇને જૂનાગઢથી રાજ્યના અન્ય શહેરોમાં જતી તથા રાજ્યના જે 20 શહેરોમાં કરફ્યુ લાગુ કરાયો છે, તે શહેરમાં જતી તમામ બસો એસ. ટી. વિભાગ દ્વારા બંધ કરવામાં આવી છે.

શહેરમાં કર્ફ્યું ના પગલે ગત સાંજના સાત વાગ્યા બાદ શહેરની દુકાનો સ્વયંભૂ બંધ થવા લાગી હતી અને 8 વાગ્યાના અરસામાં શહેરના તમામ રાજમાર્ગો વાહનોથી ઉભરાયા હતા, અને મહત્વના ચોક ઉપર ટ્રાફિક સંચાલન કરવામાં ટ્રાફિક પોલીસ અને ટ્રાફિક બ્રિગેડ ના જવાનોને પરસેવા વળી ગયા હતા. અત્રે નોંધનીય છે કે,  કોરોના મહામારીના સંક્રમણને અટકાવવા રાજ્ય સરકારની ગાઇડલાઇન મુજબ જૂનાગઢ જિલ્લા કલેકટર સૌરભ પારધીએ બુધવારે જાહેરનામુ બહાર પાડી  30 એપ્રિલ 2021  સુધીનો રાત્રીના 8 થી સવારના 6 વાગ્યા સુધી જૂનાગઢ મહાનગર મા કર્ફ્યું જાહેર કરેલ છે.