ગોવા સહિતના આંતરરાષ્ટ્રીય કક્ષાના બીચ પર દારૂબંધીની કડક અમલવારી થશે..!!

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ શિવરાજપુર બિચની મુલાકાત લઇ ત્યાં થઇ રહેલા વિકાસ કાર્યોની સમીક્ષા કરતા જણાવ્યું હતું કે રાજય સરકારે સમુદ્ર, વન, પહાડો, રણ તથા પવિત્ર દેવસ્થાનોનો સર્વાંગી વિકાસ કર્યો છે. જેના થકી પ્રવાસન ક્ષેત્રે ગુજરાત આજે હરણફાળ ભરી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે બ્લુ ફલેગનો દરજજો પામેલ શિવરાજપુર બિચનો અત્યાધુનિક સુવિધાઓ થકી વિકાસ કરવામાં આવશે. જે દેશ-વિદેશના અનેક પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે અને દ્વારકા મંદિરે દર્શનાર્થે આવતા લાખો શ્રધ્ધાળુઓને પણ આ બિચનો વિશેષ લાભ મળશે.

મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજય સરકારે 1600 કિ.મી.ના  વિશાળ દરીયાકાંઠામાંથી વિકાસ માટે શિવરાજપુર બિચની પસંદગી કરી છે. જેના 20 કરોડના ખર્ચે ફેઇઝ-1ના  વિકાસ કામો હાલ પ્રગતિ હેઠળ છે. તેમજ ટુંક સમયમાં ફેઇઝ-2ના કામો રૂા.80 કરોડના ખર્ચે હાથ ધરવામાં આવશે. જેની ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવામાં આવેલ છે. ફેઇઝ-1ના કામો માર્ચ મહિનામાં પુર્ણ થશે. જયારે ફેઇઝ-ની આગામી ઓગષ્ટ માસથી અમલવારી શરૂ થશે.

શિવરાજપુર બિચનો અત્યાધુનિક સુવિધાઓ થકી વિકાસ કરાશે: મુખ્યમંત્રી

આ બિચ ખાતે વોક-થ્રુ, ચેન્જીગ રૂમ, પીવાના પાણીની વ્યવસ્થા, ખાણી-પીણીના સ્ટોલ, પ્રવાસીઓની સુરક્ષા માટેના વોચ ટાવર, એન્ટરન્સ પ્લાઝા સહિતની સુવિધાઓ સમગ્ર ત્રણ કિ.મી.ના બિચ પર ઉભી કરી બિચને અત્યાધૂનિક સુવિધાઓથી સજ્જ  કરવામાં આવશે. તેમજ જયાં ક્રીક છે ત્યાં બ્રિજની સુવિધા ઉભી કરાશે. ગોવા તથા આંતરરાષ્ટ્રીય કક્ષાના બની રહેલ આ બિચ પર દારૂબંધીની કડક અમલવારી કરાશે તેમ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું.

આમ, બાળકોથી લઇ વડિલો સુધીના તમામ લોકોને પુરતું મનોરંજન મળી રહે તેની રાજય સરકારે ખાસ તકેદારી લીધી છે. શિવરાજપુર બિચ તમામ પ્રકારના માપદંડો પુર્ણ કરે તે માટે આંતરરાષ્ટ્રીય સ્થળના બિચ તૈયાર કરવાનો અનુભવ ધરાવતી એજન્સીને બિચના વિકાસનું કામ સોંપવામાં આવ્યું છે. આવનારા દિવસોમાં સમગ્ર ઓખામંડળએ દ્વારકા મંદિર, સિગ્નેચર બ્રિજ તથા  શિવરાજપુર બિચ થકી શોભી ઉઠશે.

શિવરાજપુર બિચ ખાતે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને આઇ.એન.આઇ.ના આર્કિટેક હર્ષ ગોયલ દ્વારા પ્રેઝન્ટેશન મારફતે બિચ ખાતે થઇ રહેલા તમામ વિકાસ કામોથી માહિતગાર કરાયા હતા. જયાં મુખ્યમંત્રીએ નિર્માણાધિન અદ્યતન ભવનો, બ્રિજ, મુસાફરો માટેની સુવિધાઓ, પાર્કિંગ વ્યવસ્થા, લોકર રૂમ, ચેન્જ રૂમ, શાવર બ્લોક, કેન્ટીન, સ્કુબા ડ્રાઇવીંગ સહિતની વિગતો મેળવી જરૂરી માર્ગદર્શન પુરૂ પાડયું હતું અને આ તમામ વ્યવસ્થાઓ વાવાઝોડા જેવી આપદાઓ સામે પણ મજબુતીથી ટકી રહે તેવી બનાવવાનું સંવેદનશીલ સુચન કર્યું હતું.

આ પ્રસંગે પ્રવાસન મંત્રી જવાહરભાઇ ચાવડા, મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, શ્રીમતિ અંજલીબેન રૂપાણી, ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના ચેરમેન મુળુભાઇ બેરા, માજી ધારાસભ્ય પબુભા માણેક, જિલ્લા પંચાયત પ્રમુખ,  રાજીબેન મોરી, નગરપાલિકા પ્રમુખ  જયોતિબેન સામાણી, યાત્રાધામ વિકાસ બોર્ડના ડાયરેકટર રમેશભાઇ હેરમા, દ્વારકા તાલુકા પંચાયત પ્રમુખ દ્વારકા શહેર ભાજપ પ્રમુખ  વિજય બુજડ, તાલુકા ભાજપ પ્રમુખ  વરજાંગભા, જિલ્લા ભાજપ મહામંત્રી શૈલેષભાઇ કણઝારીયા, જિલ્લા કલેકટર એમ.એ. પંડયા, રેન્જ આઇ.જી. સંદિપસિંઘ, જિલ્લા વિકાસ અધિકારી ડી.જે.જાડેજા, પોલીસ અધિક્ષક સુનિલ જોશી, નિવાસી અધિક કલેકટર કે.એમ. જાની, દ્વારકા પ્રાંત અધિકારી એન.ડી. ભેટારીયા સહિતના પદાધિકારીઓ/અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.

મુખ્યમંત્રીને રજૂઆત કરવા આવેલા કોંગી કાર્યકરોની અટકાયત

રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ગઈકાલે દ્વારકા નજીક આવેલ શિવરાજપુર બીચ જઇ વિકાસકાર્યોની સમીક્ષા અંગેના કાર્યક્રમ દરમ્યાન સ્થાનિક કોંગ્રેસી આગેવાનો તેઓને વિવિધ પ્રશ્નો અંગે રજુઆત કરવા જતાં હતા ત્યારે ફરજ પરના પોલીસ તંત્ર દ્વારા તમામ કોંગી કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.