કર્ણાટકમાં પણ ગૌવંશ હત્યાનો કડક કાયદો અમલમાં છે: પ્રભુચૌહાણ

કર્ણાટકના પશુપાલન મંત્રી પ્રભુચૌહાણે શ્રીજી ગૌશાળાની મૂલાકાત લીધી

 

અબતક,રાજકોટ

કર્ણાટકના પશુપાલન અને ડેરી ઉદ્યોગ મંત્રી પ્રભુ ચૌહાણે રાજકોટ સ્થિત શ્રીજી ગૌશાળાની મુલાકાત લીધી હતી. તેમની સાથે કર્ણાટકના પશુ પાલન વિભાગના ડાયરેકટર મંજનાથ પાળેગાર, એડી.ડાયરેકટર ડો. ભાસ્કર નાયક તથા અન્ય સબંધીત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રાજય સરકારનું પશુપાલન અને ગૌસંવર્ધન માટેનું સુગ્રથિત આયોજન અન્યો માટે રોલ મોડલ બની શકે તેવું સમૃધ્ધ છે. તેમ ગૌશાળા સ્થિત શ્રીમદ ભાગવદ પરાયણમાં ઉપસ્થિત ભાવીકોને જણાવતાં મંત્રીએ જણાવ્યું હતું કે ગાય એ આપણી  સંસ્કૃતિમાં પુજનીય છે. આથી ગુજરાત બાદ કર્ણાટક રાજયમાં પણ ગોવંશ હત્યા બાબતે કડક કાયદો અમલી બનાવાયો છે.

આ તકે મંત્રી પ્રભુ ચૌહાણે ગૌ પુજન કરી ધન્યતા અનુભવી હતી. તેઓએ ગૌશાળાના પ્રમુખશ્રી પ્રભુભાઇ તન્ના પાસેથી 1700 થી વધુ ગૌધનના જતન, રખરખાવ અને સંવર્ધન સાથે ગૌશાળા સ્થિત ગૌવંશ દ્વારા ઉત્પાદીત વસ્તુઓ બનાવવાની લેબોરેટરી સહિત તમામ માળખાકીય સવલતો અને પશુ આરોગ્યના નિદાન અને સારવાર માટે રાજયસરકાર દ્વારા ચાલતી 1962 ફરતી પશુ ચિકીત્સા વાન અને એમ્બ્યુલન્સ નિહાળી પ્રસન્નતા વ્યકત કરી હતી.આ પ્રસંગે મંત્રીએ શ્રીજી ગૌશાળા પરિસરમાં ચાલી રહેલ શ્રીમદ ભાગવદ પરાયણમાં ભાગ લીધો હતો. ગૌશાળાના ટ્રસ્ટીઓએ મંત્રી સહિતના મહાનુભાવોનું ઉષ્માવસ્ત્ર અને સ્મૃતિચિન્હ આપી અભિવાદન કર્યું હતું. આ મુલાકાત વેળાએ સંયુકત પશુપાલન નિયામક બી.એ.ગોહિલ, નાયબ પશુપાલન નિયામકશ્રી કે.યુ.ખાનપરા સહિત સંસ્થાના ટ્રસ્ટીઓ ઉપસ્થીત રહ્યા હતા.

મંત્રીપ્રભુ ચૌહાણે રાજકોટના સર્કિટ હાઉસ ખાતે જિલ્લાના પદાધિકારીઓ સાથે શુભેચ્છા મુલાકાત અને પત્રકારો સાથે સંવાદ કર્યો હતો. મંત્રીએ પશુપાલન સારવાર અને વ્યવસ્થા અંગે ગુજરાતનું મોડલ આવકાર્યું હતું. આ વેળાએ જિલ્લા ભાજપ પ્રમુખ  મનસુખભાઈ ખાચરિયા, ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, મહામંત્રી  મનસુખભાઈ રામાણી,  મનીષભાઈ ચાંગેલા, કરુણા ફાઉન્ડેશનના મિત્તલ ખેતાણી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા