રાજકોટની આત્મીય યુનિવર્સિટીની ઈવેન્ટમાં વિદેશથી વિદ્યાર્થીઓ જોડાયા, સ્કીલના ભણ્યા કંઈક આવા પાઠ !!

લિંકન યુનિવર્સિટી કોલેજ, મલેશિયા આઇઆઇસીના સહયોગથી યોજાયેલ સમારોહમાં ૭૦૦થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા

આત્મીય યુનિવર્સિટીમાં ઇન્ટરનેશનલ વર્ચ્યુઅલ ફેસ્ટ અદ્વિતીય ઇવેન્ટ સંપન્ન

રોજિંદા જીવનના પડકારોનો સામનો કરવા માટે વિદ્યાર્થીઓમાં કૌશલ્ય વિકાસ આવશ્યક છે. વધતી ગતિ અને પરિવર્તનનો સામનો કરવા પસંદગીનાં ક્ષેત્રમાં કારકિર્દી ઘડવા માટે વિદ્યાર્થીઓએ  કુશળતા મેળવવી  જોઈએ.   કોઈપણ ક્ષેત્રમાં સફળતા માટે કૌશલ્ય અનિવાર્ય છે.  વિવિધ સ્તરના વિદ્યાર્થીઓને એક મંચ પૂરો પાડવા અને તેમને વાસ્તવિક દુનિયા માટે તૈયાર કરવાના દૃષ્ટિકોણથી, આત્મીય યુનિવર્સિટી, રાજકોટ અને લિંકન યુનિવર્સિટી કોલેજ, મલેશિયાએ આઇઆઇસી ના સહયોગથી તાજેતરમાં અદ્વિતીય-૨૦૨૧-ઇન્ટરનેશનલ વર્ચ્યુઅલ ફેસ્ટનું સફળઆયોજન કર્યું હતું. આ ઇવેન્ટના ઉદઘાટન સમારોહમાં આત્મીય યુનિવર્સિટી નાં અધ્યક્ષ પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામી જીએ માનવીય જીવન મૂલ્યો સાથેનાં શિક્ષણ ઉપર ભાર મૂકતાં  વિદ્યાર્થીઓને જીવનમાં સફળતા મેળવવાના સૂચનો સાથે એક સફળ માનવ બનવાની પ્રેરણા આપી હતી. આ સમારોહમાં લિંકન યુનિવર્સિટી કોલેજના ડો. અભિજિત ઘોષ, ડો. સંદીપ પોદાર અને આઈ.એમ.એસ. રાજકોટનાં રાકેશ નથવાણી,  કે.એસ.સી. ઇન્ટરનેશનલના સુરીન્દર ગુપ્તા અને ટી વિલા કેફેના મેહુલ મકવાણા મુખ્ય અતિથિ તરીકે સાક્ષી બન્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન તથા સંચાલન આત્મીય યુનિવર્સિટીના મિહિર રાઈચુરા, પ્રિયા તુલસીયાની, અવનિ ધાનક, ચાર્મી દેસાઈ, કિશન સાવલીયા અને ચાર્મી કામદાર સહિતના વિદ્યાર્થીઓની ટીમે અધ્યાપકો  ડો. ચિરાગ એરડા, સપના દેવાણી, કેયુર પોપટ અને જયગીરી ગોસ્વામીનાં માર્ગદર્શન હેઠળ કર્યું હતું.  આ કાર્યક્રમને સફળ બનાવવા  ફેકલ્ટી ઓફ બિઝનેસ એન્ડ કોમર્સનાના ડીન ડો. વિશાલ ખાસગીવાલા,  ડીપાર્ટમેન્ટલ હેડ ડો. પીયૂષ મહેતા અને  ડો. મેઘાશ્રી દધીચ તેમજ  અધ્યાપક ડો. જયેશ ઝાલાવડિયાએ જહેમત  ઉઠાવી હતી.

વિવિધ આઠ સ્પર્ધાઓમાં જોડાયેલા ૭૫૦થી વધુ વિદ્યાર્થીઓ

આ ઇવેન્ટમાં આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરે નામી સંસ્થાના ઉચ્ચતર માધ્યમિક, સ્નાતક તથા અનુસ્નાતક કક્ષાના ૭૫૦ થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમને કેશ પ્રાઈઝ, ઈ-સર્ટીફીકેટ તથા સ્પોન્સર્ડ ઇન્ટર્નશીપ એનાયત કરવામાં આવશે. આ ઇવેન્ટમાં બ્રાન્ડબીલ્ડર, બીઝ્ક્વીઝ, મોક સ્ટોક, કેસ સ્ટડી, સીનેફ્લીક્સ, ચેન મી નાવ, સ્કેવેન્જર હન્ટ અને ટેલેન્ટ શો જેવી આઠ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.આ આયોજનનો મુખ્ય ઉદેશ્ય વિદ્યાર્થીઓને ટાઇમ મેનેજમેન્ટ, પ્રોબ્લેમ સોલ્વીંગ, કમ્યુનિકેશન સ્કીલ્સ, એનાલીટીકલ સ્કીલ્સ, બ્રાન્ડીંગ તથા માર્કેટિંગ સ્કીલ્સ જેવી જીવન જરૂરી સ્કીલ્સ શીખવવાનો રહ્યો હતો.