Abtak Media Google News

રાસાયણિક ખાતર બાબતે રાજયપાલે કરેલા નિવેદન સામે માણાવદરના દેવજી ઝાટકીયાનો સખ્ત વિરોધ

ગુજરાતના રાજયપાલ  આચાર્ય દેવવ્રતજીએ સાવરકુંડલા ગામે ખેડુતોને રાસાયણિક ખાતર બાબતે કહ્યું હતું કે, જો તમે રાસાયણિક ખાતરથી ખેતી કરશો તો હ્રદય રોગ, કેન્સર જેવી ખતરનાક બીમારીઓનો ભોગ બનશો આ અગાઉ પણ રાજયપાલે જુનાગઢમાં ખેડુતોને શુન્યથી ખેતી થઇ શકે એવું નિવેદન ઓગષ્ટ મહિનામાં આપ્યું હતું.

આવા નિવેદનો ખેડુતોને ગેર માર્ગે દોરતા હોવાનું માણાવદરના સેવા સહકારી મંડળીના પ્રમુખ દેવજીભાઇ ઝાટકીયાએ જણાવ્યું છે તેમણે આ બાબતે રાજયપાલ તથા મુખ્યમંત્રીને પત્ર લખી સખત વિરોધ ઉઠાવ્યો છે.

ઝાટકીયાએ જણાવ્યું છે કે જયારે રાસાયણિક ખાતરો ન હતા ત્યારે પણ બીમારીઓ હતી. અનાજની ભયંકર તંગી હતી. રાસાયણિક ખાતરના અભાવે જ ખેતપેદાશોનું ઉત્પાદન નહીવટ જેવું હતું. તેથી લોકોએ અમેરિકાએ દાનમાં આપેલા લાલ ઘંઉ ખાઇને જીવવું પડતું હતું. જયારથે રાસાયણિક ખાતરો આવ્યા  ત્યારથી ઉત્પાદન વઘ્યું છે. રાસાયણિક ખાતર વિજ્ઞાનની ભેટ છે. આજે ખેતી એક ઉઘોગ છે. તે ઉઘોગ શૂન્ય ખર્ચે થઇ શકે નહી દેવજીભાઇએ રાજયપાલના નિવેદનને ખેડુતોને ગેરમાર્ગે દોરતું ગણાવી આ બાબતે સ્પષ્ટતા માગી છે.

કોઇપણ પાકના ઉત્પાદન માટે 17 જેટલા પોષક તત્વો જરુરી છે જેમાં નાઇટ્રોજન, ફોસફરસ અને પોટાશ આ તત્વો રાસાયણિક ખાતરમાંથી ભરપુર મળે છે સેન્દ્રિય અને જૈવિક ખાતરોથી પાકની પોષક તત્વોની માંગ સંતોષાતી નથી. પાક ઉત્પાદન માટે ખાતર અને પાણી મહત્વનાં છે. રાસાયણિક ખાતરની બાદબાકી થાય તો ઉત્પાદનની ક્ષમતા શૂન્ય જેવી થઇ જાય માટે આવા નિવેદનો ખેડુતોને ગેરમાર્ગે દોરનાર બની રહે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.