Abtak Media Google News

રાજકોટ સિવિલ હોસ્પિટલના તબીબોની મહેનત રંગ લાવી: ગરીબ ફકીર પરિવારની વ્હાલસોઈ દિકરીની શ્વાસનળીમાં ફસાયેલું કાચનું મોતી ઓપરેશન કરી કાઢવામાં આવ્યું

અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં રહેતા અને મજુરીકામ કરી ઘર-પરિવારનું ગુજરાન ચલાવતાં સિકંદરભાઈના ઘરે બે દીકરાના જન્મ બાદ દીકરીનો જન્મ થતાં પતિ-પત્ની બંને ખુશ હતા. સુહાના એકાદ વર્ષ થઈ અને ભાખોડિયાભેર ચાલતી-રમતી થઇ તેવા સમયે એક દિવસ તેને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. તુરંત જ તેમણે અમરેલીના ડોક્ટરને બતાવ્યું, એક તરફ દીકરીનો જીવ બચાવવાની ચિંતા તો બીજી તરફ વિપરીત આર્થિક પરિસ્થિતિ. આવા સમયમાં તેમને સ્થાનિક ડોક્ટરોએ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બતાવવા ની સલાહ આપી અને આ પરિવાર તુરંત રાજકોટ સિવિલ હોસ્પિટલ પહોંચ્યો.

પોતાના પરિવાર ઉપર આવેલી પડેલી આ આફતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ દેવદૂત બનીને તેમની વ્હાલસોયી દીકરીને આપેલ નવજીવનની ગદ્દગદિત સ્વરે વાત કરતા દીકરીના પિતા સિકંદરભાઈ કહે છે કે, રાજકોટ સિવિલ હોસ્પિટલના ડોકટર-મેડમે મારી દિકરી સુહાનાનો નહીં પણ મારો જીવ બચાવ્યો છે.મારી દીકરીને શ્વાસનળીમાં કાચનું મોતી ફસાઈ ગયું હતું. દીકરીને ચેક કરીને તેનું ઓપરેશન કરી તેના ગળામાંથી કાચનું મોતી કાઢીને તેને નવજીવન આપ્યું છે. સિકંદરભાઈ પોતાની દીકરીને પુન: હસતા-રમતા  જોઈને આનંદિત થઈ ગદગદ્દીત સ્વરે સિવિલ હોસ્પિટલના ડોક્ટરોનો આભાર માનતા કહે છે, અહીંના ડોક્ટરો અમારા પરિવાર માટે દેવદૂત બનીને આવ્યા છે. અહીંયા અમે આવ્યા ત્યારથી અમને રજા આપવામાં આવી ત્યાં સુધી ઓપરેશન – સારવાર દરમિયાન અમે એક પણ રૂપિયો ચૂકવ્યો નથી, એટલું જ નહીં અહિંયા અમને ભોજન પણ વિનામૂલ્યે આપવામાં આવતું હતું.

સુહાનાની સર્જરીની વિગતો આપતાં સિવિલ હોસ્પિટલના તબીબે જણાવ્યું હતું કે, કોરોનાની મહામારી વચ્ચે કાર્યરત સિવિલ હોસ્પિટલમાં ઇમર્જન્સીમાં સિકંદરભાઈ તેમની દીકરીને સાંજે ૬વાગ્યે લઈને આવ્યા હતા, ત્યારે બાળકીનો શ્વાસ રૂંધાતો હતો, તેથી તુરંત જ લોહીની તપાસ અને છાતીનો એક્સ-રે કરાવવામાં આવ્યો. તેમને બ્રોન્ક્સ (શ્વાસનળીનો ઊંડાણ વાળો ભાગ)માં એક નાની ગોળ આકારની કોઈ વસ્તુ ફસાઈ ગયેલ હોય તેવું દેખાયુ. તેથી  ઇએનટી વિભાગના સર્જનોને તાત્કાલિક જાણ કરવામાં આવી,વધુ ખાતરી કરવા માટે છાતીનો સીટી સ્કેન જરૂરી હતો. જોકે છાંતીનું સીટી સ્કેન કરવાથી ઓપરેશનમાં વધુ વિલંબ થઈ શકે અને સીટી સ્કેન મશીનનો મોટા ભાગે કોવીડ દર્દીઓ માટે ઉપયોગ કરવામાં આવતો હોવાથી બાળકને કોવીડ ઇન્ફેક્શન થવાનું જોખમ હતું.

તબીબો માટે દરેક મિનિટ કિંમતી હતી, કેમ કે, પહેલેથી ચાર દિવસ તો પસાર થઈ ગયા હતા અને બાળક આ સ્થિતિને થોડા કલાકો સુધી ટકાવી રાખે તેવી તેની ક્ષમતા શંકાસ્પદ હતી. આ મૂંઝવણભરી પળમાં સમય, સ્થિતિને ધ્યાનમાં લઈને તાત્કાલિક ઓપરેશન કરવાની તૈયારી કરીને બાળકોના ડોકટર, એનેસ્થેસિયાના ડોક્ટરને હાજર રાખીને કાન, નાક, ગળાના સર્જન ડોક્ટરે ઓપરેશન (બ્રોન્કોસ્કોપી) કરીને એક નાનકડું મોતી બાળકની છાતીની નળીમાંથી બહાર કાઢી લીધું. આ ઓપરેશન તે જ દિવસે સાંજના ૮.૩૦ વાગ્યા સુધીમાં થઈ પણ ગયું, અને બાળકીનો જીવ અમે બચાવી શકયા. આ મોતી એક વર્ષના બાળક માટે ખાસ કરીને જ્યારે તે ફેફસાની નળીઓમાં ઊંડે સુધી પહોંચી ગયું હોય ત્યારે તો જીવન મરણનો ખેલ હોય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.