Abtak Media Google News

કોઇપણ મહિલા જયારે માતૃત્વની તિવ્ર ઝંખના રાખતી હોય અને તેને આ ઝંખનાને સાકાર કરવા આધુનિક આઈ.વી.એફ. ટેકનોલોજીનું શરણ લેવું પડયું હોય તેવા સમયે આ સગર્ભા બહેનને પોતે કોરોના પોઝીટીવ છે. તેની જાણ થાય ત્યારે તે પોતાના માથે આભ તુટી પડયા જેવી લાગણી અનુભવે છે, જેનું વર્ણન શબ્દોમાં અશકય છે. આવા સમયે રાજકોટની કોવીડ-૧૯ ડેડીકેટેડ હોસ્પીટલે રાજકોટની સગર્ભા વિધી બેનને સીઝેરીયન થકી સફળ પ્રસુતિ કરાવી તેના માતૃત્વના ઓરતાને પરિપૂર્ણ કર્યા છે.

આકરી કસોટીના અંતે માતૃત્વના સમણાને સાકાર થવાની લાગણીથી સંવેદનાસભર આર્દસ્વરે કોવીડ-૧૯ હોસ્પીટલના ડોકટર અને સ્ટાફની સારવારને શતશત વંદન કરતા વિધીબેન જણાવે છે કે, કોવીડ-૧૯ના દર્દીઓ માટે સમર્પણના ભાવ સાથે કાર્યરત અહિંના ડોક્ટર અને સ્ટાફનો આભાર માનવા શબ્દો ખુટી પડે. આ તમામ ડોકટર અને સ્ટાફે મને પરિવારની ખોટ સાલવા નથી દીધી. ડોકટર શીતલબેન પ્રજાપતિ અને ડો. અનવરભાઇ સહિતના તમામ સ્ટાફે મારી આપ્તજનસમી દરકાર રાખી સંપૂર્ણ સહકાર અને હુંફ આપી છે. જેને કારણે હું આજે માતૃત્વનો પરમ આનંદ અનુભવી રહી છું.

પ્રસુતિ કરાવનાર ડો. શિતલબેન પ્રજાપતિ કહે છે કે, વિધીબેને આઈ.વી.એફ ટેકનિકની ત્રીજી સાયકલ પછી બાળક ક્ધસીવ કર્યું હતુ. પરંતુ તેઓનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતાં તા. ૪ સપ્ટેમ્બરના રોજ તેઓ કોવિડ-૧૯ હોસ્પીટલ ખાતે દાખલ થયા હતા. તેઓની તમામ બાબતનો ઝીણવટભર્યો અભ્યાસ કર્યા બાદ તેઓ અને ડો. અનવરભાઇએ તેઓની સીઝેરીયન પધ્ધતિથી પ્રસુતિ કરવાનો નિર્ણય લઇને તા. ૫મી સપ્ટેમ્બરના રોજ તેઓની સીઝેરીયન દ્વારા સફળ પ્રસુતિ સંપન્ન કરી હતી. જેમાં વિધીબેને ત્રણ કિલો વજનના બાળકને જન્મ આપ્યો છે. કોવિડ-૧૯ની માર્ગદર્શિકા અન્વયે જન્મ પછી ૪૮ કલાક બાદ નવજાત શીશુનો કોવીડ ટેસ્ટ કરવામાં આવે છે તે મુજબ તા. ૭ મી સપ્ટેમ્બરના રોજ રેસીડેન્ટ પિડિયાટ્રીશીયન ડોકટર દ્વારા નવજાત બાળકનો કોવિડ-૧૯ રીપોર્ટ લેવામાં આવેલ, જે આજરોજ નેગેટીવ આવતા નવજાત બાળક પરિવારને સોંપવામાં આવતા પરિવારજનોમાં હર્ષ અને ખુશીનો માહોલ છવાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.