Abtak Media Google News
પશુઓના દુધ ઉત્પાદનમાં વધારો અને વધુ ફેટ વધુ આવતા હોવાથી પશુપાલકોની આવકમાં થાય છે વધારો

અબતક, દર્શન જોશી, જૂનાગઢ

જૂનાગઢ જિલ્લાના પશુઓ માટે લીલો ઘાસચારો મળી રહે અને પશુના દુધ ઉત્પાદનમાં વધારાની સાથે ફેટ પણ સારા એવા આવે તે માટે બુલેટ ગ્રાસ (ઘાસ) નું વાવેતર કરવામાં આવે છે. આ ગુણવતાયુકત ઘાસના વાવેતર માટે સરકાર દ્વારા મનરેગા યોજના હેઠળ બુલેટ ગ્રાસ(ઘાસ)ના વાવેતર માટેની 1410 ખેડૂતોને સહાય મંજુર કરી રૂા. 47.93 લાખની સહાય ચૂકવવામાં આવી છે.

સરકારની આ બુલેટ ગ્રાસ (ઘાસ) યોજના હેઠળ એક ખેડૂતને પોણા વિઘામાં 3 વર્ષ માટે રૂા.59 હજારની રકમ ચૂકવવામાં આવે છે. જૂનાગઢ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા મનરેગા યોજના અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં 2565 કામોની મંજુરી આપવામાં આવી છે. તે પૈકી 1410 કામો હાલમાં પૂર્ણ થઇ ગયા છે તેમજ અન્ય કામો હાલ પ્રગતિમાં છે. 1410 ખેડૂતોને પોતાના જ ખેતરમાં રોજગારી આપવા માટે બુલેટ ગ્રાસ(ઘાસ) સહાય હેઠળ રૂા.47.93 લાખની રકમ ચૂકવવામાં આવી છે.

પશુઓને લીલો ઘાસચારો મળી રહે તે માટે આ ચારો બીજેથી ખરીદીને લાવતા હતા. તે હવે ખેડૂતો પોતાના ખેતરમાં ઉગાડવાથી તે ખર્ચની બચત થાય છે અને સરકારની સહાય પણ મળી રહે છે. જેના લીધે ખેડૂતોની આવક પણ બમણી થાય છે. આ યોજનાનો લાભ લેનાર જૂનાગઢ તાલુકાના પ્રભાતપુરના ખેડૂત જયસુખભાઇ ડોબરિયાએ જણાવ્યું હતું કે, મારે 4 ગાયો છે. પણ તેના લીલી ઘાસચારા માટે જમીન ઓછી થતી હતી. આથી મે એક વિઘામાં બુલેટ ગ્રાસ(ઘાસ)નું વાવેતર કર્યું છે. છેલ્લા 3 વર્ષથી હું આ ઘાસનું વાવેતર કરૂ છે. આ ઘાસ સામાન્ય રીતે ઝડપથી ઉગે છે તથા તેને કાપીને ઉપયોગમાં લીધા બાદ તે જગ્યાએથી ફરી વાર ઉગે છે. વાવેતરના 2 મહિના બાદ તેને ઉપયોગમાં લઇ શકાય છે. તેમજ તે અંદાજે 10 થી 20 ફુટ જેટલું ઉંચુ થાય છે. આ ઉપરાંત પશુઓને આ ઘાસ અનુકુળ આવે છે અને ખાસ કરીને દુધાળા પશુઓ વધુ દુધ આપે છે અને આ ઘાસ થકી ફેટ પણ સારા આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.