Abtak Media Google News
  • ગુજરાતની શાન ગણતા વિશ્ર્વના સૌથી મોટા નૃત્ય મહોત્સવની બે વર્ષ બાદ થશે ઉત્સાહભેર ઉજવણી: પ્રાચિન સાથે અર્વાચિન રાસોત્સવની જમાવટ જામશે
  • અંબાજી, બહુચરાજી, પાવાગઢ, ચોટીલા, માતાના મઢ (કચ્છ) અને માટેલ સહિતના માતાજીના ધામોમાં ર્માંઇ ભક્તોનો જમાવડો: ભક્તિભાવ સાથે ઘટસ્થાપન અનુષ્ઠાન સહિતના ધાર્મિક કાર્યક્રમો

ગુજરાતની શાન, ગુજરાતનું ગૌરવ ગુજરાતની ગરીમા, ગુજરાતની સંસ્કૃતિ ગણાતા વિશ્ર્વના સૌથી મોટા નૃત્ય મહોત્સવ “નવરાત્રિ” પર્વનો આગામી સોમવારથી આરંભ થઇ રહ્યો છે. કોરોના કાળના બે વર્ષમાં નવરાત્રિની ઉજવણીને ઝાંખપ લાગી જવા પામી હતી. દરમિયાન ફરી એકવાર નવલા નોરતામાં ગુજરાતની ચમક પરત ફરશે. અર્વાચિન સાથે પ્રાચિન રાસોત્સવમાં સતત નવ દિવસ સુધી ગરબે ઘુમી માતાજીની આરાધના કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા પણ નવરાત્રિમાં 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકર વગાડવાની મંજૂરી આપી છે. જ્યારે 12 વાગ્યા પછી પણ હોટલ, રેસ્ટોરન્ટ ચાલુ રાખવાની છૂટછાટ આપવામાં આવતા ઉત્સાહ બેવડાયો છે. અંબાજી, બહુચરાજી, પાવાગઢ, માતાના મઢ કચ્છ, ચોટીલા અને માટેલ સહિત માતાજીના ધામોમાં ર્માંઇ ભક્તોનો જમાવડો જામશે. નવરાત્રિ મહોત્સવને લઇ હાલ બજારોમાં રોનક દેખાય રહી છે.

વેદાંત રત્ન શાસ્ત્રી રાજદીપભાઇ જોશીના જણાવ્યાનુસાર સોમવારે નવરાત્રીનો પ્રારંભ થતો હોવાથી આ વર્ષે માતાજી નવદુર્ગા હાથી ઉપર સવાર થઈને પધારશે. આથી જે લોકો આ વર્ષે નવરાત્રીમાં માતાજીની પૂજા ઉપાસના કરશે તેના માટે આ વર્ષ કલ્યાણ કારક અને પ્રગતિદાયક રહેશે.

નવરાત્રીમાં માતાજીની ઉપાસનામાં એક બાજોઠ અથવા પાટલા ઉપર લાલ વસ્ત્ર પાથરી તેના ઉપર નવદુર્ગા માતાજી અથવા તો કુળદેવી માતાજીની છબી પધરાવી બાજુમાં ગરબો રાખવો દરરોજ સવાર-સાંજ દીવા કરવા માતાજીને કંકુનો ચાંદલો ચોખા, અબીલ, ગુલાલ, કંકુ અર્પણ કરવા માતાજીને દરરોજ નવે-નવ દિવસ અલગ-અલગ આ પ્રમાણે નૈવૈધ અર્પણ ધરવું. નવદુર્ગા માતાજીની છબી ન હોય તો કુળદેવી માતાજીની છબીને અર્પણ કરવું. દરરોજ માતાજીની આરતી ઉતારવી ગરબા ગાવા, કુળદેવી મંત્રના જાપ અથવા તો ૐ ‘એહીં ક્લી ચામુંડાયે વિચ્ચે’ મંત્ર જપ ની દરરોજ 3 ..7 અથવા 11 માળા કરવી. માતાજીને (1) પહેલા નોરતે .. ગાયના ઘીનું નૈવેદ્ય ધરાવું. (2) બીજા નોરતે.. સાકર નું નેવેદ્ય ધરાવું. (3) ત્રીજા નોરતે.. દૂધની મીઠાઈ ધરાવી. (4) ચોથા નોરતે..માલપુઆ અથવા ખીર ધરાવી. (5) પાંચમા નોરતે… માતાજીને કેળા ધરાવવા. (6) છઠ્ઠા નોરતે.. માતાજીને મધ ધરાવું. (7) સાતમા નોરતે… માતાજીના ગોળ અથવા ગોળ થી બનેલ મીઠાઈ ધરાવી. (8) આઠમા નોરતે.. માતાજીને નાળિયેર અથવા ટોપરા પાક ધરાવો. (9) નવમા નોરતે …માતાજીને તલ અથવા તો તલમાંથી બનેલ મીઠાઈ ધરાવવી જેનાથી વિશેષ પુણ્યફળ પ્રાપ્ત થશે.

પ્રથમ નોરતાના દિવસે શુભ મુહુર્ત ભક્તો પોતાના નિવાસસ્થાને માતાજીના ઘટ્ટનું સ્થાપન કરતા હોય છે. આ વર્ષ ઘટ્ટ સ્થાપન માટે સાત મુહુર્ત છે. જેમાં સવારે 6:37 થી 8:08 મીનીટ સુધી અમૃત ચોઘડીયું, સવારે 9:38 થી 11:08 કલાક સુધી ચલ ચોઘડીયું, બપોરે 2:08 થી 3:38 કલાક સુધી લાભ ચોઘડીયું, સાંજે 5:08 થી 6:38 સુધી ચલ ચોઘડીયું, જ્યારે સાંજે 6:38 થી 9:02 કલાક સુધી પ્રદોષકાળમાં ઘટ્ટ સ્થાપન કરી શકાશે.

આ ઉપરાંત બપોરે 12:15 થી 1:13 કલાક સુધી અભિજીત મુહુર્તમાં ઘટ્ટ સ્થાપન કરી શકાશે.

26 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર સુધી શારદીય નવરાત્રિ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. આ નવ દિવસ ર્માં જગદંબાની આરાધના કરવાથી નવી જ ઉર્જાનું સંચાર થાય છે. હિન્દુ પંચાગના બાર મહિનામાં ચાર નવરાત્રિની ઉજવણી કરવામાં આવે છે. જેમાં ચૈત્રી નવરાત્રિ, અષાઢ નવરાત્રિ, માય (મહા) નવરાત્રિ અને આસો નવરાત્રિ જેમાં આસો સુદ-1 થી આસો સુદ-9 સુધી ઉજવાતી શારદીય નવરાત્રિનું ખૂબ જ મહત્વ રહેલું છે. નવરાત્રિ પૂર્ણ થયા બાદ દશમાં દિવસે વિજયા દશમીની ઉજવણી કરવામાં આવે છે. આસુરી શક્તિ પર દૈવી શક્તિનો વિજય થયો હોવાના કારણે વિજયા દશમીના દિવસે રાવણ દહન કરવામાં આવે છે. માતાજીના અલગ-અલગ નવ સ્વરૂપની નવરાત્રિના નવ દિવસ સુધી પુજા-અર્ચના કરવામાં આવે છે. જેમાં પ્રથમ નોરતે માતાજી શૈલપુત્રીના રૂપમાં, બીજા નોરતે બ્રહ્માચારિણીના રૂપમાં, ત્રીજા નોરતે ચંદ્રઘંટા, ચોથા નોરતે કૃષ્માંડા, પાંચમા નોરતે સ્કંદમાતા, છઠ્ઠા નોરતે કાત્યાયની, સાતમાં નોરતે કાલરાત્રિ, આઠમાં નોરતે મહાગૌરી અને નવમાં નોરતે મહાગૌરી અને નવમાં નોરતે સિધ્ધીદાત્રી રૂપમાં માતાજીની પુજા-અર્ચના કરવામાં આવે છે. આઠમના દિવસે માતાજીના નેવૈદ્ય કરવામાં આવે છે. માતાજીની આરાધના કરવાના વિવિધ સ્ત્રોત છે. જેમાં ભવાની સ્ત્રોત, શક્રાદય સ્મૃતિ, ભગવતી પુષ્પાંજલી, રાજ રાજેશ્ર્વરી સ્ત્રોત તથા દેવ્યાપરાય ક્ષમાપન સ્ત્રોત મુખ્ય છે. નવરાત્રિ દરમિયાન માતાજીના અનુષ્ઠાન કરવાથી ખૂબ જ પુણ્ય પ્રાપ્ત થતું હોવાનું મનાઇ છે.

ભાવિકો દ્વારા સતત નવ દિવસ સુધી ભક્તિભાવ સાથે માતાજીની આરાધના કરવામાં આવશે. પ્રાચિન રાસોત્સવમાં સતત નવ-નવ દિવસ ગરબીમાં નાની બાળાઓ ગરબે ઘૂમી માતાજીની આરાધના કરશે. જ્યારે અર્વાચિન રાસોત્સવમાં યુવાધન હોંશભેર ગરબે રમી ગુજરાતની ગરીમા ગણાતા ગરબાને વિશ્ર્વફલક પર લઇ જશે. બે વર્ષ બાદ નવરાત્રિ મહોત્સવની રોનક પરત ફરતા ગુજરાતની જનતામાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.