પ્રેમલગ્નની આવી સજા ? ગઢડાના ઈતરીયા ગામે ઢોર માર મારી યુવાનનું અપહરણ

અબતક, રાજકોટ

બોટાદ જીલ્લાના ગઢડા તાલુકાના ઈતરીયા ગામ પાસે ગઇકાલે સાંજે પ્રેમલગ્ન કરનાર કોળી યુવાનને તેના મિત્રની નજર સામે મારમારી બોલેરો કારમાં અપહરણ કરી ગયાની સાળા સહીત ચાર શખ્સો સામે પોલીસમાં ફરીયાદ નોંધાતા પોલીસે અપહત યુવાનને મુકત કરાવવા સઘન તપાસ હાથ છે.

આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ ગઢડા તાલુકાના ઇતરીયા ગામે રહેતા અશોક રાયાભાઇ સાંકળીયા (ઉ.વ.27) એ પોલીસમાં નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે બાબરા તાલુકાના નાની કુઁડળ ગામના માવજી વાઘાભાઇ ઝાપડીયા, વિજય ખોડાભાઇ ઝાંપડીયા, સુભાષ  લાબાભાઇ ઝાંપડીયા અને એક અજાણ્યા શખ્સનું નામ આપ્યું છે.

મિત્રની નજર સામે બનેલી ઘટના: પોલીસે સાળા સહીત ચાર સામે ગુનો નોંધી અપહૃત યુવાનને મુકત કરાવવા તપાસ હાથ ધરી

પોલીસ ફરીયાદમાં જણાવ્યા પ્રમાણે ગઇકાલે સાંજે ફરીયાદી અને તેનો મિત્ર જયસુખ વાલજી ભાલીયા બાઇક પર ઇતરીા ગામથી લીંબાળી ગામે જતા હતા ત્યારે રસ્તામાં આરોપીઓ બોલેરો કારમાં ધસી આવી બન્ને મિત્રોને આતરી ધોકા વડે માર મારી ફરીયાદીની નજર સામે મિત્ર જયસુખને બળજબરીથી બોલેરોમાં ઉઠાવી ગયા હતા.

વધુમાં જણાવ્યા પ્રમાણે જયસુખે ચાર વર્ષ પહેલા નાનીકુંડળ ગામના ખોડાભાઇ ઝાંપડીયાની પુત્રી શિતલ સાથે પ્રેમલગ્ન કરેલ હોય જે યુવતિના પરિવારને મંજુર ન હોય તેનો ખાર રાખીને જયસુખનું અપહરણ કરી ગયાનું જણાવ્યું છે. આ ઘટનાની જાણ થતાં ગઢડા પોલીસે અપહરણનો ગુનો નોંધી અપહત યુવાનને મુકત કરાવવા અને આરોપીઓને ઝડપી લેવા સઘન તપાસ પી.એસ.આઇ. આર.બી. કરમટીયા ચલાવી રહ્યા છે.