Abtak Media Google News

રાજ્ય હાઈ એલર્ટ ઉપર : બસ સ્ટોપ, રેલવે સ્ટેશન, એરપોર્ટ ઉપર ચેકીંગ વધારી દેવાયું : પત્ર મારફત મળી હતી ધમકી, પત્ર મોકલનારની આકરી પૂછપરછ

પીએમ નરેન્દ્ર મોદી કેરળની મુલાકાત પહેલા ધમકીભર્યો પત્ર મળતા આખા કેરળમાં હાઈએલર્ટ જાહેર કરાયું છે. પત્ર મોકલનારે વડાપ્રધાન મોદીની 24 એપ્રિલે કોચીની મુલાકાત દરમિયાન આત્મઘાતી હુમલો કરવાની ધમકી આપી છે. આ પત્રમાં મોકલનારનું નામ અને સરનામું પણ લખ્યું હોવાથી પોલીસ ત્યાં પહોંચી ગઈ છે.બીજી તરફ પત્ર પર લખેલા નામ-સરનામે પહોંચી તો તે વ્યક્તિ ડરી ગયો હતો અને તમામ આરોપોનો ઈન્કાર કરી દીધો હતો. ઉપરાંત તેણે પોલીસને જણાવ્યું કે, કોઈએ તેને ફસાવવા માટે તેના નામનો પત્ર લખ્યો છે. તે વ્યક્તિએ જણાવ્યું કે, મને આ ઘટના અંગે કોઈપણ પ્રકારની જાણ નથી. જોકે ધમકીભર્યો પત્ર મળ્યા બાદ કેરળમાં હાઈએલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે. વાહનોની તપાસ કરવામાં આવી રહી છે. બસ સ્ટોપ, રેલવે સ્ટેશન અને એરપોર્ટ પર પણ ચેકિંગ વધારી દેવામાં આવ્યું છે.

મીડિયા અહેવાલો મુજબ કથિરરીતે આ પત્ર કોચ્ચીમાં રહેનારા વ્યક્તિએ મલયાલમમાં લખ્યો હતો. આ પત્ર ભાજપના પ્રદેશ અધ્યક્ષ સુરેન્દ્રને મોકલાયો હતો. ત્યારબાદ તેમણે તુરંત પોલીસને જાણ કરી પત્ર સોંપી દીધો હતો. પત્ર પર લખેલી વિગતોને આધારે પોલીસે એન.કે.જોની નામના વ્યક્તીને ત્યાં પહોંચી ગઈ હતી. પત્રમાં લખવામાં આવ્યું હતું કે, મોદીએ પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના ભાગ્યનો સામનો કરવો પડશે. કોચ્ચીના મૂળ નિવાસી જોનીએ પત્ર લખ્યો હોવાનું ઈન્કાર કર્યો છે. જોકે તેણે આરોપ લગાવતા કહ્યું કે, હત્યાની ધમકી પાછળ એક વ્યક્તિ હોઈ શકે છે, જે તેનાથી નારાજ છે. જોનીએ પત્રકારોને કહ્યું કે, પોલીસ તેના ઘરે આવી હતી અને પત્ર અંગે પૂછપરછ કરી હતી.દરમિયાન સુરક્ષાને ધ્યાને રાખી અધિક પોલીસ મહાનિર્દેશકનો લેટર પણ મીડિયા સામે આવી ગયો છે. એડીજીપીના લેટરમાં પ્રતિબંધિત સંગઠન પોપુલ ફ્રંટ ઓફ ઈન્ડિયાથી ખતરો હોવા ઉપરાંત ઘણા ગંભીર ખતરાનો ઉલ્લેખ કરાયો છે. વિદેશ રાજ્ય મંત્રી એકે મુરલીધરને પત્ર લીક થવા પર રાજ્ય પોલીસની ભૂલ ગણાવી છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.