Abtak Media Google News

જૈનશાસ્ત્રોમાં પિતાના માર્ગે પુત્ર તો પુત્રના માર્ગે પિતા ચાલ્યાના દાખલા છે

ધર્મના માર્ગે ચાલવાથી પુણ્યનો ઉદય થાય છે અને પુણ્ય જ  બને છે જીવનનો પાયો

તમારી પાત્રતા હોય તો જ લોકો તમારી પાસે સમસ્યાના સમાધાન માટે આવે છે

સાધુઓએ સમય સાથે પરિવર્તન કરવું જ પડે, સમાજ ભલે ટીકા કરે

સાધુઓમાં આત્મજ્ઞાન હોવું અનિવાર્ય: ધીરજ એટલે ધીમે કામ કરવું એમ નહીં પણ ધૈર્યથી કામ કરવું

ગોંડલ સંપ્રદાયના પરમશ્રધ્ધેય અને જૈન સમાજમાં પૂજ્યભાવ ધરાવતા ધીરજમુનિ મહારાજ ઉર્ફે ધીર ગુરૂદેવ સાથે ‘અબતકે’ ધર્માલાપ કર્યો. પૂજ્ય ધીર ગુરૂદેવે જુદા-જુદા વિષયો પર પોતાનો જ્ઞાન અને અનુભવના નિચોડરૂપ જવાબો આપ્યા, જેનો સાર અત્રે રજૂ કર્યો છે.

પ્રશ્ન : પિતાના માર્ગે પુત્ર ચાલે તે સંસારનો ક્રમ છે પણ આપની દિક્ષાના કિસ્સામાં પુત્રના માર્ગે પિતા ચાલ્યા….

જવાબ : ‘અબતકે’ જિજ્ઞાસા વ્યક્ત કરી જૈન ધર્મ અને એને આનુસાંગિક વાતો માટે મુલાકાત કરી છે ત્યારે એટલું ચોક્કસ કહું કે જૈનશાસ્ત્રમાં ક્યારેક પિતાના માર્ગે પુત્ર તો ક્યારેક પુત્રના માર્ગે પિતા ચાલ્યા છે. સામાપક્ષે માતાના માર્ગે પુત્રી તો પુત્રીના માર્ગે માતા પણ ચાલ્યા છે. મારી દિક્ષા વખતે પિતાજીની ઉંમર 80 વર્ષની હતી. તેમને લાગ્યું કે પુત્ર સંસાર છોડવાની વાત કરે છે તો મેં પણ સંસાર ભોગવી લીધો છે. આજે પુત્ર નિમિત્તે મારે પણ સંસાર છોડવો છે એવો ભાવ કરીને તેમણે પણ દિક્ષાનો માર્ગ અપનાવ્યો હતો. તેમની જીવનશૈલી પહેલેથી જ સાધુ જેવી હતી. 13 વર્ષ ઉંમરથી રાત્રિ ભોજન ત્યાગ્યું હતું અને જૈનિઝમને કારણે તેઓ ખૂબ સ્વસ્થ હતા. ક્યારેય દવા ન લેવી પડી હતી. એમ તેઓ સંસાર ત્યાગીને સાધુ બની ગયા હતા.

પ્રશ્ન : આપે હજુ સંસાર ભોગવ્યો ન હોય દીક્ષા લેવી સરળ હતી પણ પિતાની 500 વિઘા જમીન, 50 વર્ષનું સરપંચપદ અને સાહ્યબી છોડવા કેટલા અઘરાં હતા?

જવાબ : પિતાજી કાયમ કહેતા કે જો તમારામાં સામર્થ્ય હોય તો સંસાર છોડવા જેવો છે, ભોગવવાથી કશું પ્રાપ્ત થતું નથી પણ બાવાના બેય ન બગડે તે જોવું પડે. ઇશ્ર્વરમાં અખંડ શ્રધ્ધા હોય તો સંસારનો કાદવ છોડી દેવો જોઇએ અને દિક્ષાના માર્ગે પ્રયાણ કરીને જન્મારો સુધારી લેવો જોઇએ. તેમની આ માનસિકતાને કારણે બધા સુખ છોડીને તેઓ સાધુ બની ગઇ હતા.

પ્રશ્ન : 40 વર્ષના સાધુ જીવનમાં આપને ધીરજ-ધૈર્ય કેવી રીતે કામમાં આવ્યા?

જવાબ : અમને પિતાજી તરફથી સંસ્કાર એવા મળ્યા હતા કે હસતાં મુખે અમે કોઇપણ સ્થિતિનો સામનો કરી શકીએ. જૈન દર્શન માને છે કે શરીર અને આત્મા અલગ છે. સુખ હોય કે દુ:ખ સમ્યકભાવ રાખવો એ મુજબ અમે પહેલેથી જ ઘડાયેલા હતા. પિતાજીના સાધુ જીવનના બે વર્ષ પછી તેમને એક અકસ્માતમાં ગંભીર ઇજા થઇ હતી છતાં વેદનાને કોરાણે મુકીને તેઓ હંમેશા સ્વસ્થ રહેતા તેઓ માનતા કે સહન કરીએ તો જ સિદ્વી મળતી હોય છે.

પ્રશ્ન : સાધુને પોતાના આત્મકલ્યાણ સાથે સંસારીઓના કામ પણ કરવા પડતા હોય છે, આ સંસારીઓની ઉણપ કે સાધુઓની મહાનતા?

જવાબ : મહાવીર સ્વામીનો સંદેશો છે કે સ્વ સાથે પરકલ્યાણ કરવું. દરેક જીવ પ્રત્યે દયા રાખવી. સાધુઓએ સંસારીઓના કામ કરવા પણ સંસારમાં ન પડવું, સ્વપ્રત્યે સમભાવ રાખવો, સમાજને ધર્મનો રસ્તો બતાવવો જેથી સૌને પુણ્ય પ્રાપ્ત થાય. પુણ્ય જ જીવનનો પાયો હોય છે. જ્યારે પુણ્ય ખુટે છે ત્યારે જીવનનો અંત આવે છે. બાહ્ય સુરક્ષા કરતાં પુણ્યની સુરક્ષા વધુ બળવાન હોય છે. પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની બાહ્ય સુરક્ષા મજબૂત હતી પણ એના પોતાના જ અંગરક્ષકોએ જ તેમના પર ફાયરિંગ કર્યુ એનો અર્થ એ થાય કે તેમના પુણ્ય ખૂટી ગયા.

પ્રશ્ન :  તમે સંપ્રદાયના મોભી છો, શ્રાવકો, સાધુ-સાધ્વીજીઓને માર્ગદર્શિત કરવાની જવાબદારી પણ તમારે શીરે છે તો બધાને ન્યાય કેમ આપી શકો છો?

જવાબ : ભગવાન મહાવીર કહે છે કે તમને તમારી પાત્રતા મુજબ જવાબદારી મળતી હોય છે. ભગવાન મહાવીર, શ્રીકૃષ્ણ, શ્રીરામ કરતા કેટલાય યોદ્વાઓને ઓછા કષ્ટ પડ્યા છે એનો અર્થ એ કે જેનું પુણ્ય અને પાત્રતા હોય તેને જ વધુ જવાબદારી અને કષ્ટ આવતા હોય છે. તમે સક્ષમ હો તો જ લોકો તમારી પાસે સમસ્યા લઇને સમાધાન માટે આવતા હોય છે.

પ્રશ્ન : સમય સાથે તાલ મિલાવવા તમે કેટલીક રૂઢિઓ બદલીને નવો ચિલો પાડ્યો જેમાં ટીકાનો પણ સામનો કરવો પડ્યો…..

જવાબ : સમય પરિવર્તનશીલ છે. સમય ક્ષણે ક્ષણે સરકે છે. તમારે સમય સાથે ચાલવું પડે છે. રાજકોટમાં ગોચરી માટે બપોરે 1:00 વાગ્યાનો સમય યોગ્ય છે તો રાજસ્થાનમાં સવારે 10:00 વાગ્યાનો. જો અમે રાજકોટમાં સવારે 10:00 વાગ્યે અને રાજસ્થાનમાં બપોરે 1:00 વાગ્યે ગોચરી માટે જઇએ તો શું મળે? માટે સ્થળકાળ પ્રમાણે નિર્ણય કરવા પડે છે. બદલાવ કરીએ પણ એમાં વ્યક્તિગત સ્વાર્થ કે ભોગની વાત ન હોવી જોઇએ. મૂળ પરંપરાને જાળવીને સમ્યક દ્રષ્ટિ રાખી બદલાવ કરી શકાય છે. ટીકા થાય એનાથી ચલીત થવાની જરૂર નથી. તમારી પાસે પારદર્શક ચશ્મા હોવા જોઇએ નહીં કે લીલા-લાલ!

પ્રશ્ન : જૈનધર્મ સાયન્ટીફીક છે, સૂર્યાસ્ત પહેલા જમી લેવું અને મોઢે માસ્ક બાંધવો એ આજની જરૂરીયાત છે જે મૂળભૂત જૈનધર્મના સિધ્ધાંત છે…….

જવાબ : જૈનધર્મ કહે છે કે ‘બી પ્રેક્ટીકલ’. વનસ્પતિમાં પણ જીવ છે એવું જૈનધર્મ વર્ષોથી કહે છે પણ જગદીશચંદ્ર બોઝે વિજ્ઞાનથી સાબિત કર્યું એટલે સૌએ સ્વિકારી લીધું. જૈનધર્મ કેવલ જ્ઞાનથી જે વાતો કરે છે તે લોકોને ઝટ ગળે ઉતરતી નથી. એક્સસાઇઝ, યોગા, ફિઝીયોથેરાપી આ બધી જ જૈનધર્મની અમૃતક્રિયાઓ છે પણ અમુક મર્યાદાના કારણે તે વિશ્ર્વવ્યાપી ન બની શક્યું.

પ્રશ્ન : સાધુઓને સમાજ અમુક ઢાંચામાં જુએ છે અને તેમની અપેક્ષા પૂર્ણ કરવા ભાવ રાખે છે પણ સાધુ માટે તે કેટલું અઘરૂં?

જવાબ : સાધુ-સંતોએ સમાજને માર્ગદર્શન આપવાનું છે સમાજ તે સ્વિકારે છે કે નહીં એ અમારે જોવાનું નથી. પ્રવચનમાં 5,000 લોકો બેઠા હોય પણ બધા લોકો વ્યસનો છોડતા નથી કે સુધરતાં નથી. અમને તેનો કોઇ રંજ હોતો નથી કારણ કે લોકોએ પોતાની પ્રજ્ઞા અનુસાર નિર્ણયો લેવાના હોય છે.

પ્રશ્ન : જૈનેતરોમાં એવી માન્યતા છે કે દિક્ષા અપાઇ છે ત્યારે દિક્ષાર્થીના પરિવારને આર્થિક લાલચ અપાય છે, આ કેટલુ સાચું?

જવાબ : કોઇ શ્રાવક ગરીબ હોય, તેના પર દેણું થઇ ગયુ હોય અને તેના પરિવારમાંથી કોઇ દિક્ષાનો ભાવ કરે તો સમાજના સુખી-સંપન્ન લોકો એ પરિવારને મદદ કરતાં હોય છે કેમ કે ઘણા લોકો પોતે દિક્ષા નથી લઇ શકતા પણ જે ધર્મના માર્ગે જવા માંગે છે તેમને મદદ માટે આગળ આવતા હોય છે. એમાં કશું ખોટું નથી. ઘણી વખત દીક્ષા મહોત્સવનો ખર્ચ સુખી લોકો ભોગવી લેતા હોય છે.

પ્રશ્ન : આપનું નામ ધીરજમુનિ-ધીર ગુરૂદેવ છે પણ કામ ખૂબ ઝડપી કરો છો!

જવાબ : ધીરજ એટલે ધૈર્ય રાખવું, ધીરે કામ કરવું નહીં! તમે કોઇપણ કામ ધૈર્યથી કરો એનો અર્થ એ નહીં કે ધીમે ધીમે કરો. ક્યારેય સંજોગો આપણાં હાથમાં ન હોય ત્યારે ધૈર્યથી કામ લઇએ એજ સાચો રસ્તો હોય છે. હાર્ડવર્ક નહીં પણ સ્માર્ટ વર્ક કરીએ.

પ્રશ્ન : સાધુઓએ હવે મેનેજમેન્ટમાં માસ્ટરી કેળવવી જરૂરી છે?

જવાબ : સાધુઓએ સંસારથી અલિપ્ત રહેવું જોઇએ. આત્મજ્ઞાન હોવું એ સાધુ માટે જરૂરી છે પણ કેટલીક સાંસારિક બાબતોનું તેને જ્ઞાન હોય એ કશું ખોટુ નથી. જૈનધર્મમાં કહેવાયું છે કે સાધુ બહુશ્રુત હોય એ જરૂરી છે એટલે કે તેને અન્ય ધર્મોનું પણ જ્ઞાન હોય.

પ્રશ્ન : સંથારો એટલે શું ? તેણે કોણે લેવો જોઇએ ?

જવાબ : જીવનની સ્પૃહા ન રહે, મૃત્યુ તમને રિબાવીને મારે એ પહેલાં તમે જાગી જાવ એ અવસ્થા જૈન પરંપરામાં સંથારા તરીકે જાણીતી છે. સંથારો એ આત્મહત્યા, કમળપૂજા અને ઇચ્છામૃત્યુ કરતાં અલગ બાબત છે. સંથારો એટલે મૃત્યુને મહોત્સવ બનાવવાની ક્રિયા જ્યારે આત્મહત્યા એ ભાગવાની અને સંથારો એ જાગવાની અવસ્થા છે. પોતાના શરીરને અન્ન, પાણી વગર કૃષ કરીને મૃત્યુને આમંત્રિત કરવું એ સંથારો છે. 72 વર્ષીય ભવ્યમુનિએ સંથારાનો સંકલ્પ કર્યો છે તો ભૂતકાળમાં ભાગ્યવંતા બાઇ મહાસતીજીએ પણ સંથારો લીધો હતો.

પ્રશ્ન : સમાજને આપનો સંદેશો શું છે?

જવાબ : કોઇ સાથે વેરઝેર ન રાખવું. જીવ માત્ર પ્રત્યે દયાભાવ રાખવો. સૌ સાથે ભાઇચાર રાખવો અને અવાર-નવાર જન્મ-મૃત્યુની ચક્કીમાં ન પીસાવું પડે તે માટે ધર્મના માર્ગે ચાલવું એ જ આજનો સંદેશો હોય શકે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.