જામનગરના નારણપર ગામની સીમમાં પ્રેમી યુગલનો ફાંસો ખાઇ સજોડે આપઘાત

પીપરટોડાના યુવક અને નારણપરની યુવતીના મોતથી પરિવારમાં કરૂણ કલ્પાત

 

જામનગર નજીકના નારણપર ગામની સીમ વિસ્તારમાં નર્સરી પાસે બે જુદા-જુદા ઝાડમાં યુવક-યુવતિના મૃતદેહ મળી આવતા સનસનાટી મચી જવા પામી છે. આપઘાત કે હત્યા તરફ ઇશારો કરતાં આ બનાવ અંગે પંચકોશી બી ડિવિઝન પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે.

જામનગર પંથક સહિત જિલ્લાભરમાં ચકચાર જગાવનાર બનાવની વિગત મુજબ આજે સવારે જામનગર નજીકના નારણપર ગામ પાસે આવેલ નર્સરી પાસે બે ઝાડમાં બે યુવા હૈયાઓના લટકતા મૃત્તદેહ મળી આવ્યા હતાં. બન્નેએ સજોડે ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા કોઇએ પોલીસને જાણ કરી હતી. જેને લઇને પંચકોશી બી ડિવિઝન પોલીસ દફતરનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો.

પોલીસે યુવક અને યુવતિના મૃત્તદેહ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. રેશમની દોરીમાં બન્ને યુવા હૈયાઓ લટકતા મળી આવતા સમગ્ર પંથકમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. દરમિયાન બન્નેની ઓળખ થવા પામી હતી. યુવતિ જામનગર તાલુકાના દરેડ ગામની હોવાનું સામે આવ્યું હતું. તેણીનું નામ ક્રિષ્નાબેન ખરા હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે યુવાન લાલપુર તાલુકાના પીપરટોડા ગામનો સંજય પઢિયાર હોવાનું પણ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

પોલીસે બન્નેના મૃત્તદેહ કબ્જે કરી, જામનગરની જી.જી.હોસ્પિટલ ખસેડ્યા છે. આ બનાવ અંગે પોલીસે બન્નેના પરિવારજનોના નિવેદન નોંધવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બન્ને યુવાહૈયાઓ ગઇકાલથી ગુમ થયા હોવાની વિગતો પણ સામે આવી છે. આ બનાવ આપઘાતનો છે કે હત્યાનો? તેમજ કેવા કારણોસર? અને કેવા સંજોગોમાં બનાવ બન્યો છે? આ સમગ્ર બાબતોનો તાગ મેળવવા માટે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. યુગલે પ્રેમ સંબંધના કારણે જીવન ટૂંકાવ્યાની શંકા સાથે પોલીસે તપાશ હાથ ધરી છે.