Abtak Media Google News

કોરોના સંક્રમણને અટકાવવા ટોક્યો ઓલમ્પિકસમાં વિદેશી દર્શકો પર પ્રતિબંધ મુકતી જાપાન સરકાર

કોવિડના લીધે એક વર્ષ પાછી ઠેલાયેલી ટોક્યો ઓલિમ્પિક્સ આગામી 23મી જુલાઈથી 8 ઓગસ્ટ સુધી યોજાશે

કોરોનાને કારણે વિશ્વભરમાં છવાયેલી વૈશ્વિક મહામારીમાંથી ઉગરવા દરેક દેશની સરકાર, વૈજ્ઞાનિકો અને આંતરરાષ્ટ્રીય સંગઠનો પ્રયાસ કરી રહ્યા છે. એમાં પણ કોરોનાએ કલર બદલતા વાયરસના વિવિધ ખતરનાક સ્વરૂપ પણ સામે આવ્યા છે. આ નાનકડા એવા વાયરસની તમામ ક્ષેત્રે ગંભીર નકારાત્મક અસરો ઉપજી છે. ત્યારે હવે જાપાનમાં યોજાનાર ટોક્યો ઓલમ્પિકસને પણ કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. કોવિડના લીધે એક વર્ષ પાછી ઠેલાયેલી ટોકિયો ઓલિમ્પિક્સ હવે આગામી 23મી જુલાઈથી 8 ઓગસ્ટ સુધી યોજાનાર છે. પરંતુ આ ઉનાળું ઓલમ્પિકસ પબ્લિક વિનાની યોજાશે. જી હા, આ ઓલમ્પિકસમાં વિદેશી પ્રેક્ષકો નિહાળી નહીં શકે. કોરોના સંક્રમણનો ફેલાવો રોકવા  જાપાન સરકારે ઓલિમ્પિક્સ જોવા આવતા વિદેશી પ્રેક્ષકો પર રોક લગાવી છે.

જાપાન સરકારનું માનવું છે કે વિદેશી પ્રેક્ષકો કોરોના ફેલાવી શકે છે. જો કે મોટાભાગના જાપાનીઓ તો કોરોના કાળમાં ઓલિમ્પિક્સનું આયોજન કરવાના જ વિરોધી છે. જાપાનની સ્થાનિક આયોજન સમિતિની આઈઓસી, આંતરરાષ્ટ્રીય પેરાઓલિમ્પિક્સ સમિતિ, ટોક્યો અને સરકાર વચ્ચે બેઠક યોજાઈ હતી. જેમાં આ નિર્ણય લેવાયો છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ ટોક્યો ઓલમ્પિકસ વર્ષ 2020માં યોજાવાની હતી પરંતુ કોરોનાને કારણે આ ઓલમ્પિક્સ એક વર્ષ મોકૂફ રાખવામાં આવી હતી જે હવે 23મી જુલાઇથી શરૂ થનાર છે અને 8મી ઓગસ્ટ સુધી ચાલશે જ્યારે પેરા ઓલિમ્પિકસ  24મી ઓગસ્ટથી 5મી સપ્ટેમ્બર સુધી યોજાશે. જાપાનના એક સર્વેમાં એ પણ ખુલાસો થયો છે કે, જાપાનના 91 ટકા લોકોનું કહેવું છે કે પ્રેક્ષકોની સંખ્યા ઓછી રાખવામાં આવે અથવા તો તેમને મંજૂરી જ ન અપાય. આ સરવે 18થી 25 જાન્યુઆરીની વચ્ચે કરવામાં આવ્યો હતો. આ અંગે 70 ટકા લોકોનું કહેવું હતું કે તેઓ ઓલિમ્પિક્સમાં જવા ઇચ્છુક છે, જ્યારે 58 ટકા લોકો ઇચ્છે છે કે કોરોનાના ભયને ધ્યાનમાં રાખીને આ વર્ષે ઓલિમ્પિક્સનું આયોજન જ ન થાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.