Abtak Media Google News

 સનસ્ક્રીન લોશનમાં એસપીએફ ઘણો મહત્ત્વનો ભાગ ભજવે છે. એસપીએફનો અર્થ છે સન પ્રોટેક્શન ફેક્ટર.  આ એસપીએફ સૂર્યનાં પારજાંબલી કિરણો સામે રક્ષણ આપે છે. તડકામાં નીકળવાનું હોય તેની ૧૦ મિનિટ પહેલાં સનસ્ક્રીન લોશન ત્વચા પર લગાવવું જોઇએ. એસપીએફની માત્રા સનસ્ક્રીન લોશન આપણને કેટલો સમય સૂર્યના તડકામાં રક્ષણ આપશે તે નક્કી કરે છે.

 એસપીએફની માત્રા જાણવી જરૂરી છે

સનસ્ક્રીન લોશન લેતા સમયે તે કેટલાં એસપીએફનું છે તે જાણવું જરૂરી છે. મોટાભાગે આપણે સારું સનસ્ક્રીન લોશન આપોને એવું કહીને દુકાનદાર જે લોશન પકડાવે તે ખરીદી લઇએ છીએ. જોકે, અન્ય કોસ્મેટિક્સની જેમ સનસ્ક્રીન લોશન લેતી વેળાએ એસપીએફની ચકાસણી કરવી મહત્ત્વની બની રહે છે. ૪,૧૫,૩૦,૪૦ અને ૫૦ એસપીએફ ધરાવતાં સનસ્ક્રીન લોશન માર્કેટમાં મળે છે. તેમાંથી એસપીએફ ૧૫ અને ૩૦ ધરાવતાં હોય તેવાં લોશન ત્વચાને સૂર્યનાં કિરણો સામે રક્ષણ આપે છે. સામાન્ય રીતે એવો વિચાર આવે કે ૪૦ અને ૫૦ એસપીએફ ધરાવતા લોશનનો ઉપયોગ કરીએ તો સારું રહેને, લાંબો સમય રક્ષણ મળે. જોકે, હકીકત એ છે કે ૪૦ અને ૫૦ એસપીએફ ધરાવતા લોશન લગભગ એસપીએફ ૩૦ જેટલું જ રક્ષણ આપે છે અથવા તો એક કે બે ટકા જેટલું વધારે રક્ષણ આપે છે.

 એસપીએફ ૧૫-૩૦ કેવી રીતે કામ કરે છે

એસપીએફ ૧૫ પારજાંબલી કિરણો સામે ૯૩ ટકા રક્ષણ આપે છે જ્યારે ૩૦ એસપીએફ ૯૭ ટકા રક્ષણ આપે છે. જો સાદું ગણિત સમજવું હોય તો સૂર્યના તડકામાં નીકળો ત્યારથી દસ મિનિટ બાદ જો તમારી ત્વચા બળવાની શરૂ થતી હોય તો એસપીએફ ૧૫ લગાવવાથી ૧૫૦ મિનિટ સુધી કિરણોની સામે રક્ષણ મળતું હોય છે. ટૂંકમાં, દર બે કલાકે સનસ્ક્રીન લોશન લગાવતા રહેવું પડે. એવી રીતે જો ૩૦ એસપીએફવાળું સનસ્ક્રીન લોશન હોય તો દર ચાર કલાકે ત્વચા પર એપ્લાય કરવું પડે. જોકે, ભારતીય ત્વચા માટે એસપીએફ ૧૫ ધરાવતું સનસ્ક્રીન લોશન શ્રેષ્ઠ માનવામાં આવે છે.

ત્વચાના પ્રકાર પ્રમાણે સનસ્ક્રીનની પસંદગી

સામાન્ય ત્વચા ધરાવતી વ્યક્તિ સનસ્ક્રીન તરીકે લોશન, ક્રીમ, સ્પ્રે, જેલ, વાઇપ્સ અને પાઉડરનો ઉપયોગ કરી શકે છે જ્યારે તૈલીય ત્વચા ધરાવતી વ્યક્તિઓએ વાઇપ્સ અને પાઉડર બેઝ સનસ્ક્રીન લોશનનો ઉપયોગ કરવો જોઇએ. ડ્રાય સ્કિન ધરાવતા લોકોએ ક્રીમ, લોશન અને જેલ બેઝ સનસ્ક્રીન લોશન વાપરવું જોઇએ જેથી ત્વચામાં મોઇશ્ચરાઇઝરનું પ્રમાણ જળવાઇ રહે. આ ઉપરાંત કોસ્મેટિક્સ પ્રોડક્ટ જેવી કે ફાઉન્ડેશન, લિપ બામ, કોમ્પેક્ટ પાઉડર, બ્રોન્ઝર વગેરે પણ એસપીએફવાળા મળે છે તે વાપરવા હિતાવહ રહે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.