ભગિની સેવા ફાઉન્ડેશન દ્વારા રવિવારે સાંસ્કૃતિક કાર્યક્રમ

રાણીસાહેબા કાદમ્બરીદેવીના માર્ગદર્શન હેઠળ ઘૂમર, વિવિધ રાસ, યોગનૃત્ય સહિતની કળાકૃતિઓ પ્રસ્તુત થશે

ભારતીય સંસ્કૃતિ પરંપરાને ઉજાગર કરવાના આશય સાથે રાજકોટ રાજ પરિવાર સંચાલિત, ક્ષત્રિય સમાજની દીકરીઓના સર્વાંગી ઉત્કર્ષ માટે કાર્યરત  સંસ્થા ભગિની સેવા ફાઉન્ડેશનના ઉપક્રમે  તા. 7ને રવિવારે અષ્ટમી ઉત્સવ નામે એક સાંસ્કૃતિક કાર્યક્રમ ભવ્ય રીતે યોજાશે.  રાજકોટના રાણીસાહેબ, ભગિની સેવા ફાઉન્ડેશનના સંવાહક અ.સૌ.કાદમ્બરીદેવીએ આ વિશિષ્ટ ઉપક્રમની વિગતો આપતાં જણાવ્યું હતું કે ભગિની સેવા ફાઉન્ડેશન ક્ષત્રીય સમાજની દીકરીઓના સર્વાંગી વિકાસ માટે સતત કાર્યરત છે.

દીકરીઓમાં શિક્ષણ, સેવા, સમર્પણ, શૌર્ય જેવા ગુણોમાં વૃદ્ધિ થાય, આ દીકરીઓ પરંપરા નિભાવતાં નિભાવતાં પણ સમાજના મુખ્ય પ્રવાહમાં ભળે તે દિશામાં અમે કામ કરી રહ્યા છીએ.સામાજિક જાગૃતિની સાથે જ સાંસ્કૃતિક જાગરણ પણ આ સંસ્થાનો ઉદ્દેશ છે. તેના ભાગરુપે રવિવાર, તા. 7મી ઓગસ્ટે સાંજે 8.30 થી 11.30 સુધી રાજકોટના હેમુ ગઢવી નાટ્ય ગૃહ ખાતે અષ્ટમી ઉત્સવ યોજાશે.

કાર્યક્રમમાં પરંપરાગત ઘૂમર રાસ, તાળીરાસ, દાંડિયારા, ટિપ્પણી રાસ તથા કૃષ્ણલીલા અને યોગનૃત્યની પ્રસ્તુતી થશે. આ તમામ નૃત્યોની કોરિયોગ્રાફી રાજકોટની સંસ્થા તાંડવ નર્તન ઈન્સ્ટીટ્યૂટ ઓફ ક્લાસિકલ ડાન્સ દ્વારા થશે. નૃત્યગુરુ જિજ્ઞેશ સુરાણી, કો-ડિરેક્ટર કુ.ક્રિશ્ના સુરાણી,કુ. દીપિકા પરમાર દ્વારા આ કાર્યક્રમની તૈયારી કરાવવામાં આવી રહી છે. ક્ષત્રીય સમાજની દીકરીઓની અંદર પડેલી કળા, ક્ષમતાને પ્રોત્સાહન આપવાના ભાગરુપે આ આયોજન થયું છે.

ભગિની સેવા ફાઉન્ડેશન દ્વારા રાજકોટ હેરીટેજ વોક, યોગ દિવસની ઉજવણી, તલવારબાજી, સાફા બાંધવાની તાલીમ જેવી સંખ્યાબંધ પ્રવૃત્તિ થઈ રહી છે.  પરંપરા પણ જળવાય અને આધુનિકતાથી પણ આપણી દીકરીઓ પરિચિત થાય એ રીતે આ ભગિની સેવા ફાઉન્ડેશન કામ કરી રહ્યું છે. અ.સૌ. કાદમ્બરીદેવીએ જણાવ્યું કે આ કાર્યક્રમમાં રાજકોટના મેયર   પ્રદીપભાઈ ડવ, રાજકોટના ઠાકોર સાહેબ માંધાતાસિંહજી જાડેજા,દરબાર સાહેબ  સત્યજિતજી ખાચર ઓફ જસદણ, રાણીસાહેબ ઓફ જસદણ અ.સૌ.અલૌકિકારાજે, કુમાર  જ્યોતિર્મયસિંહજી ઓફ ગોંડલ ઉપસ્થિત રહેશે. તે ઉપરાંત રાજકોટ રાજપરિવારના  સદસ્યો, સૌરાષ્ટ્રના વિવિધ રાજપરિવારના સદસ્યો અને ક્ષત્રિય સમાજના સામાજિક અને રાજકીય આગેવાનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.