- આવતા વર્ષ રાજયની 6 મહાપાલિકા અને 31 જિલ્લા પંચાયતની ચૂંટણી પૂર્વ સ્થાનિક સ્વરાજયની ચૂંટણીનું પરિણામ ભાજપ, કોંગ્રેસ અને આપ માટે મહત્વપૂર્ણ
- મતદારોને સલામ: કોઈ સ્થળે અનિચ્છનિય બનાવ નહીં: કોઈપણ મથક પર પુન: મતદાનની ફરજ ન પડી: 5084 ઉમેદવારોના રાજકીય ભાવિ ઈવીએમમાં કેદ
જુનાગઢ મહાનગરપાલિકા, રાજયની અલગ અલગ 68 નગરપાલિકાઓ અને 3 તાલુકા પંચાયતની ચુંટણી માટે ગઇકાલે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયા બાદ આવતીકાલે જનાદેશનો સૂર્યોદય થશે. મતદાનમાં સૌથી મોટી અને મહત્વપૂર્ણ બાબતે એ રહી છે કે રાજયમાં એક પણ સ્થળે અનિચ્છનીય બનાવ બન્યો ન હતો. એકપણ સ્થળે પુન: મતદાન કરવાની જરુરીયાત રહી નથી. આવતા વર્ષ રાજયની છ મહાપાલિકા, નવરચિત 9 મહાપાલિકા, 31 જિલ્લા પંચાયતોની ચુંટણી યોજાવાની છે. ત્યારે સ્થાનીક સ્વરાજયની ચુંટણીનું પરિણામ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી માટે ખુબ જ મહત્વપૂર્ણ રહેશે.
દેશમાં વારંવાર આવતી ચુંટણીઓ અને સત્તા માટે રાજકીય નેતાઓ દ્વારા કરવામાં આવતા પક્ષ પલ્ટાથી જાણે મતદારો કંટાળી ગયા હોય તેવું લાગી રહ્યું છે. જુનાગઢ મહાપાલિકાની ચુંટણીમાં માત્ર 44.32 ટકા જ મતદાન થયું છે. જયારે અમદાવાદ મહાપાલિકાના વોર્ડ નં. 7 ની એક બેઠક, ભાવનગર મહાપાલિકાના વોર્ડ નં.3 ના એક વોર્ડની પેટા ચુંટણી અને સુરત મહાપાલિકાના વોર્ડ નં. 18 ની એક બેઠકની પેટા ચુંટણી માટે સરેરાશ 31.72 ટકા મતદાન થયું હતું.
66 નગરપાલિકાની સામાન્ય ચુંંટણી માટે 61.65 ટકા જેવું નોંધપાત્ર મતદાન થયું હતું. જયારે બ નગરપાલિકાની મઘ્યસત્ર ચુંટણી માટે માત્ર 35.23 ટકા મતદાન થયું છે. અલગ અલગ નગરપાલિકાઓમાં પસંગોપાત ખાલી પડેલી 19 બેઠકો માટે 37.85 ટકા જેટલું મતદાન થયું છે. જિલ્લા પંચાયતોની આઠ બેઠકો માટેની પેટા ચુંટણીમાં 43.67 ટકા જેટલું મતદાન થયું છે. જયારે તાલુકા પંચાયતની 76 બેઠકો માટેની પેટા ચુંટણીમાં 57.01 ટકા મતદાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે.
ગાંધીનગર તાલુકા પંચાયતની સામાન્ય ચુંટણીમાં 64.17 ટકા, ખેડા જિલ્લાની કપડવંજ તાલુકા પંચાયતની સામાન્ય ચુંટણી માટે 65.30 ટકા અને કઠલાલ તાલુકા પંચાયત માટે 65.07 ટકા મતદાન થયું છે. રાજય ચુંટણી આયોગના સચિવ જી.સી. બ્રહ્મભટ્ટના જણાવ્યાનુસાર મતદાન એકંદરે શાંતિપૂર્ણ સંપન્ન થયું છે કોઇ અનિચ્છીય બનાવ બન્યો નથી. કોઇપણ મતદાન મથક પર પુન: મતદાન કરવાની જરુરત પડી નથી. આવતીકાલે 9 વાગ્યાથી મતગણતરી હાથ ધરવામાં આવશે.
ઉમેદવાર, ચૂંટણી એજન્ટ પણ મત ગણતરી કેન્દ્રોમાં મોબાઈલ લઈ જઈ શકશે નહીં
રાજકોટ જિલ્લામાં પાંચ નગરપાલિકા તથા ચાર તાલુકા પંચાયતની છ બેઠકોની પેટાચૂંટણીના મતદાન બાદ મત ગણતરી શાંતિપૂર્વક માહોલમાં થઈ શકે તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એ.કે. ગૌતમે પ્રતિબંધાત્મક હુકમો ફરમાવતું જાહેરનામું જારી કર્યું છે. જેમાં જણાવાયા મુજબ, કોઈપણ વ્યક્તિ સમક્ષ અધિકારી તરફથી ઈશ્યૂ કરવામાં આવેલા ફોટોગ્રાફ સહિતના અધિકૃત પ્રવેશ પાસ વિના મતગણતરી કેન્દ્રમાં દાખલ થશે નહીં. તેમજ આવા પ્રવેશ પાસ સરળતાી દેખાઈ આવે તે રીતે પ્રદર્શિત કરવા. મતગણતરી કેન્દ્રની આસપાસના 200 મીટર વિસ્તારમાં સક્ષમ અધિકારી પાસેથી પૂર્વ પરવાનગી મેળવ્યા સિવાય ચાર કરતાં વધુ વ્યક્તિઓ એકત્રિત થઈ શકશે નહીં. કોઈ સભા ભરી શકશે નહીં કે સરઘસ કાઢી શકાશે નહીં. કોઈપણ વ્યક્તિ કે જેમાં ઉમેદવાર, તેમના ચૂંટણી એજન્ટ તેમજ મત ગણતરી એજન્ટ સહિતના કોઈપણ વ્યક્તિ મતગણતરી હોલમાં કે મતગણતરી કેન્દ્રની કમ્પાઉન્ડ વોલ સહિતના પરિસરમાં મોબાઈલ ફોન, કોર્ડલેસ, ફોન, વાયરલેસ સેટ, કે સંદેશાવ્યવહારના ઉપકરણો લઈ જશે નહીં કે તેનો ઉપયોગ કરી શકશે નહીં. ઉમેદવાર તેમના ચૂંટણી એજન્ટ કે તેમના મત ગણતરી એજન્ટ કે જેમને જે મતદાર વિભાગ માટે મતગણતરી હોલમાં પ્રવેશ માટે પ્રવેશ પાસ ઈશ્યૂ કરવામાં આવ્યા હોય, તે સિવાયના મતદાર વિભાગના મતગણતરી હોલમાં પ્રવેશી શકશે નહીં. મતગણતરી સ્થળમાં પ્રવેશ માટેના પાસ ઇશ્યૂ કરવા માટે સંબંધિત મતદાર વિભાગના ચૂંટણી અધિકારીશ્રીને અધિકૃત કરવામાં આવે છે.
મતગણતરી કેન્દ્ર પર સક્ષમ અધિકારીએ નક્કી કરેલા પાર્કિંગ સ્થળે જ વાહન પાર્કિંગ કરવાનું રહેશે.
મતગણતરી કેન્દ્ર પર જેમને ફરજ સોંપાઈ છે તેવો સ્ટાફ, પોલીસ તથા સુરક્ષા જવાનો તેમજ સક્ષમ અધિકારી તરફથી મંજૂર એક્રેડિટેશન ધરાવતા પત્રકારઓ મતગણતરી કેન્દ્ર ખાતે આવેલા મીડિયા સેન્ટર સુધી પોતાનો મોબાઈલ રાખી શકશે.
- 27% ઓબીસી અનામત બાદ યોજાઇ પ્રથમવાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી
- 213 બેઠકો બિન હરિફ જાહેર થઇ હતી
ગુજરાત સરકાર દ્વારા સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીમાં 27 ટકા ઓબીસી અનામત જાહેર કરાયા બાદ પ્રથમવાર ચૂંટણી યોજાઇ હતી. 213 બેઠકો અગાઉ જ બિનહરિફ જાહેર થઇ જતા આ બેઠકો પર મતદાન કરવાની આવશ્યકતા રહી ન હતી.
વિવિધ સ્થાનિક સંસ્થાઓમાં 213 બેઠકો પર મતદાન થયું ન હતું, કારણ કે આ બેઠકોને ‘નિર્વિરોધ’ જાહેર કરવામાં આવી હતી. જેમાં ફક્ત એક જ ઉમેદવાર, ભાજપનો ઉમેદવાર મેદાનમાં હતો.
ગુજરાત સરકારે ઓબીસી કેટેગરીને 27% અનામત અપનાવ્યા પછી રવિવારની ચૂંટણી પહેલી હતી. રાજ્યમાં મ્યુનિસિપલ કોર્પોરેશનો, નગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતો જેવી સ્થાનિક સંસ્થાઓમાં પચાસ ટકા બેઠકો મહિલાઓ માટે અનામત છે.
લોકસભાની ચૂંટણીમાં ભાજપને ધાર્યા પરિણામો મળ્યા નથી. આવામાં સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો સત્તાધારી પક્ષ માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી છે.