રાજકોટ: રેસકોર્સમાં સન્ટ્રીંગના કોન્ટ્રાક્ટરે કર્યો આપઘાતનો પ્રયાસ

અન્ય કોન્ટ્રાક્ટરે સાધન અને મજૂરીના રૂ.49 લાખ ન ચૂકવતા ભર્યું પગલું: કમિશનર કચેરીએ રજૂઆત કરવા જતી વેળાએ રેસકોર્સના શૌચાલયમાં દવા ગટગટાવી

શહેરના પોશ એરિયા રેસ્કોર્ષનાં શૌચાલયમાં એક કોન્ટ્રાક્ટરે ઝેરી દવ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. અન્ય કોન્ટ્રાક્ટરે કામના અને સેન્ટિંગ કામની મજૂરીના નીકળતા રૂ.49 લાખ ન ચૂકવતા પોલીસ કમિશનર કચેરીએ રજૂઆત કરવા જતી વેળાએ શૌચાલયમાં જઇ દવા ગટગટાવી લીધાનુ જાણવા મળ્યું છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરના નાગેશ્વર વિસ્તારમાં કલ્પવૃક્ષ એપાર્ટમેન્ટમાં રહેતા અને સેન્ટિંગ કામના કોન્ટ્રાક્ટ રાખતા સુભાષ ભાઈ ભોલારમ ભાઈ ઓરિસા નામના 35 વર્ષના યુવાને રેસ્કોર્ષ પાસે આવેલા જાહેર શૌચાલયમાં ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં પ્રદ્યુમનનગર પોલીસ મથકનો સ્ટાફ હોસ્પિટલ દોડી ગયો હતો.

હોસ્પિટલના બિછાને રહેલા કોન્ટ્રાકટર સુભાષભાઈ ઓરિસાના પરિવારજનોએ જણાવ્યું હતું કે પોતે સેન્ટિંગ કામના કોન્ટ્રાક્ટ રાખે છે. તેઓએ તુષાર પટેલ નામના કોન્ટ્રાક્ટરનો શાપર, મેટોડા અને લોધિકાના છાપરા ગામમાં જુદા જુદા કોન્ટ્રાક્ટ રાખ્યા હતા. ત્યાર બાદ તુષાર પટેલે જે બાબતે બે દિવસ પહેલા શાપર ઓફિસે બોલાવી હિસાબમાં કઈ દેવાનુ ન નીકળતું હોવાનુ જણાવ્યુ હતુ.

જેથી સુભાષભાઈ ઓરિસાએ પોતાને સેન્ટિંગ કામના રૂ.49 લાખના સાધનો અને રૂ.9 લાખની મજૂરીના નીકળતા પૈસા બાકી રહેતા હતા. પરંતુ તે હિસાબ પતાવાને બદલે તુષાર પટેલે સામે પૈસાની માંગણી કરી હતી.

જે બાબતે આજ રોજ સુભાષભાઈ અને તેના પત્ની પોલીસ કમિશનર કચેરીએ આવેદન દેવા જઇ રહ્યા હતા. તે દરમિયાન પોતે વોશરૂમ જવાનું કહી રેસ્કોર્ષના શૌચાલયમાં ઝેરી દવા ગટગટાવી લીધી હતી. જેથી યુવાનને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડી સારવાર શરૂ કરવામાં આવી છે. પોલીસે ઘટનાની નોંધ કરી આગળની તપાસ હાથધરી.