મોટામવાના જમીન કૌભાંડમાં લેન્ડ ગ્રેબિંગ હેઠળ પ્રથમ વાર  કલેકટર તંત્રનો સુઓમોટો

કરોડો રૂપિયાની જમીન બોગસ દસ્તાવેજ બનાવી હડપ કરવાના કૌભાંડમાં તાલુકા મામલતદાર ફરિયાદી બન્યા: તાલુકા પોલીસ મથકના સ્ટાફે બેલડીની કરી ધરપકડ

મોટા મવાના જમીન કૌભાંડમાં કરોડો રૂપિયાની કિંમતી જમીન બોગસ દસ્તાવેજ બનાવીને હડપ કરવાનો કારસો રચવામાં આવ્યો હોવાનું માલુમ પડતા કલેકટર તંત્ર દ્વારા સુઓમોટો દાખલ કરવામાં આવ્યો છે. જેમાં તાલુકા મામલતદારે ફરિયાદી બની બે શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરાવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ કાર્યવાહીમાં પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની મહત્વની ભૂમિકા રહી છે. તેઓ અત્યાર સુધી સરકારી જમીન ખુલ્લી કરાવવામાં અગ્રેસર રહ્યા છે.

લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ નવા કાયદા હેઠળ શહેરમાં ત્રીજો ગુનો નોંધાયો જેમાં લાગી ખરાબાની જમીન નામે ચડાવી દેવાની લાલચ આપી ખોટા દસ્તાવેજો ધાબડી દઈ રૂા.૭૩ લાખની ઠગાઈ કરનાર બેલડી સામે તાલુકા પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

તાલુકા પોલીસે આ અંગે  તાલુકા મામલતદાર  કે. એમ. કથીરીયાની ફરિયાદ પરથી મવડી વિસ્તારના ચંદ્રેશનગર મેઇન રોડ અમરનગર-૨,  રહેતાં બહાદુરસિંહ માનસિંહ ચૌહાણ તથા મવડી પાળરોડ અમૃત ઓટો ગેરેજ સંસ્કાર સીટી ખાતે રહેતાં કેતન વોરા અને તપાસમાં ખુલે તેની સામે આઇપીસી ૪૦૬, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૧૧૪ તથા ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધના કાયદાની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.

જમીન કૌભાંડ વિરૂદ્ધ કાર્યવાહીમાં પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની ભૂમિકા મહત્વપૂર્ણ,  સરકારી જમીનો ખુલ્લી કરાવવામાં અગ્રેસર રહ્યા

મામલતદાર કથીરીયાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, મોટા મવા ગામના સર્વે નં. ૧૩૫/૧ની જમીન એકર ૦૫-૦૯ ગુઠા જમીન અશ્વિનભાઇ પરસાણાએ મોટા મવા ગામના સર્વે નં. ૧૩૫/૧ને લાગુ ખરાબાના સર્વે નં. ૧૮૦ પૈકીની જમીન મેળવવા એકાદ વર્ષ પહેલા આરોપી કેતન વોરાનો સંપર્ક કર્યો હતો. કેતને બહાદુરસિંહ નામની વ્યક્તિ સાથે મુલાકાત કરાવી હતી. કેતન અને બહાદુરસિંહે પહેલેથી જ અશ્વિનભાઇને છેતરવાનો ઇરાદો નક્કી કર્યો હોઇ અઇસલ સરકારી કાગળો જેવા જ અધારો બોગસ રીતે બનાવી ઉભા કર્યા હતાં. આ બોગસ ડોક્યુમેન્ટમાં મહેસુલ વિભાગ સચીવાલય ગાંધીનગરનો નંબર તારીખ વગરનો લેન્ડ રેવન્યુ કોર્ડ કલમ ૬૧ હેઠળ પગલા લેવા બાબતનો હુકમ તેમજ રૂા. ૬૧,૧૧૬ તા. ૫/૭/૨૦૧૭નું ચલણ, મહેસુલ વિભાગ  જમીન ફાળવવા અંગેનો હુકમ, જમીન બાબતનો ગેઝેટ પત્ર, અશ્વિનભાઇ પરસાણાના નામનો મોટા મવાના ગામના ખાતા નં. ૭૧નો ગામ નમુના નંબર ૮- જમીનની ખાતાવહી સર્વે નં. ૨૦૦ ક્ષેત્રફળ હે.આરે. ચો.મી. ૦-૧-૧૯, મનીષ ધીરૂભાઇ પરસાણાના નામનો મોટા મવા ગામના ખાતા નં. ૭૧નો ગામ નમુના નંબર ૭ સર્વે નં. ૨૦૦ ક્ષેત્રફળ હે.આરે. ચો. મી. ૦-૧-૧૯, અશ્વિનભાઇ ધીરૂભાઇ પરસાણાના નામનો મોટા મવા ગામના ખાતા નં. ૭૧નો ગામ નમુના નંબર ૧૨ સર્વે નં. ૨૦૦ ક્ષેત્રફળ હે.આર. રે. ચો. મી. ૦-૧-૧૯, અશ્વિન ધીરૂભાઇ પરસાણાના નામનો મોટા મવા ગામના ખાતા નં. ૭૧નો ગામ નમુના નંબર ૮-અ જમીનની ખાતાવહી સર્વે નં. ૧/૮૦/પૈ ૨૦૧ ક્ષેત્રફળ હે.આ.રે. ચો.મી. ૦-૪૦-૧૯ તેમજ અશ્વિન ધીરૂભાઇ પરસાણાના નામનો મોટા મવા ગામના ખાતા નં. ૭૧નો ગામ નમુના નંબર ૭ સર્વે નં. ૧૮૦ પૈકી ૨૦૧ ક્ષેત્રફળ, અશ્વિન ધીરૂભાઇ પરસાણાના નામનો અન્ય એક ગામ નમુના નંબર ૧૨ સહિતના કલ ૧૦ બોગસ ડોક્યુમેન્ટ ઉભા કરી લીધા

એ પછી અશ્વિનભાઇ પરસાણાની માલિકીની જમીનને લાગુ આવેલી સરકારી ખરાબાની જમીન સર્વે નં. ૧૮૦ પૈકીની જમીન લાગુ તરીકે ખેતીના હેતુ માટે અપાવી દેવાની લાલચ આપી અશ્વિનભાઇ પાસેથી ટૂકડે ટૂકડે રૂા. ૭૩,૦૦,૦૦૦  જેવી માતબર રકમ પડાવી લીધી હતી. પરંતુ અશ્વિનભાઇને બાદમાં પોતાની સાથે છેતરપીંડી થઇ રહ્યાની ખબર પડતાં કલેક્ટરતંત્રમાં અરજી કરી હતી. આ બાબતે પ્રાંત અધિકારી  ચરણસિંહ ગોહિલ સમક્ષ વિડીયો રેકોર્ડિંગ તથા રૂબરૂ લીધેલા નિવેદન ઉપરથી ઠગાઇની પુષ્ટી થઇ હતી.

ફરિયાદમાં મામલતદાર કથીરીયાએ આગળ જણાવ્યું છે કે અશ્વિનભાઇ પરસાણા સહિતના મોટા મવા ગામના સર્વે નં. ૧૩૫/૧ની જનીમ એકર ૦-પ-૦૯ ગુંઠા જમીનને લાગુ આવેલી સરકારી ખરાબાની જમીન સ.નં. ૧૮૦ પૈકીની જમીન આવેલી છે જેમાં આરોપીઓ બહાદુરસિંહ ચૌહાણ અને કેતન વોરાએ બોગસ દસ્તાવેજો ઉભા કરી સરકારી જમીન ઉપર કોઇ માલિકી હક્ક પ્રત્યક્ષ કબ્જો ન હોવા છતાં સરકારના નામે મહેસુલ વીભાગ, કલેક્ટર, મામલતદાર તથા એનઆઇસીના નામે ખોટા આધારો ઉભા કરી સરકારી જમીન પચાવી પાડવાના ઇરાદે બોગસ ખોટા ડોક્યુમેન્ટ ઉભા કરી અસલ તરીકે અશ્વિનભાઇ પરસાણા સમક્ષ રજૂ કરી તેને વિશ્વાસમાં લઇ તેની પાસેથી રૂા. ૭૩ લાખ પડાવી લઇ ઓળવી જઇ છેતરપીંડી કરી હોઇ બંને આરોપી સામે ગુનો દાખલ કરાવાયો છે.

પીઆઇ જે. વી. ધોળા, પીએસઆઇ એન. ડી. ડામોર, એએઅસાઇ ભરતભાઇ વનાણી, પદુભા રાણા સહિતે ગુનો દાખલ કર્યો છે. આગળની તપાસ ડીસીપી મનોહરસિંહ જાડેજાની રાહબરીમાં એસીપી જે. એસ. ગેડમ, પદુભા રાણા, ઇતિયાઝભાઇ, જયંતિભાઇ રાઠોડ સહિતની ટીમે હાથ ધરી છે. બે આરોપીને પોલીસે પુછતાછ માટે બેસાડી દીધા છે. કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ ધરપકડની કાર્યવાહી થશે. તેણે આ બોગસ ડોક્યુમેન્ટ કોની પાસે બનાવડાવ્યા? બીજા કોઇ આવા ગુના આચર્યા છે કે કેમ? તે સહિતના મુદ્દે તપાસ થશે. આ ૧૦ બોગસ ડોક્યુમેન્ટ આરોપીઓ બહાદુરસિંહ અને કેતને ઉભા કર્યા હતાં.

Loading...