Abtak Media Google News

પુરવઠા નિરીક્ષક હસમુખ પરસાણિયા અને કિરીટસિંહ ઝાલાના દરોડા બાદ પુરવઠા અધિકારીની કાર્યવાહી : દુકાનદાર રાશનકાર્ડ ધારકોને બે કિલોની બદલે એક કિલો ચણા ધાબડતો ‘તો

જેતપુરના નવાગઢમાં સસ્તા અનાજનો દુકાનદાર રાશન કાર્ડ ધારકોને બે- બે કિલો ચણા આપવાને બદલે માત્ર એક-એક કિલો જ ચણા આપતો હોવાની રાવ મળતા પુરવઠા વિભાગે ત્યાં દરોડો પાડ્યો હતો અને અનાજનો ૧૦ ટન જેટલો જથ્થો સિઝ કર્યો હતો. બાદમાં આજે પુરવઠા અધિકારી પૂજા બાવડાએ આ દુકાનદારનું લાયસન્સ 90 દિવસ માટે સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો છે.

નવાગઢ સરધારપુર દરવાજા પાસે રાશનશોપ ચલાવતા કાજી યાહ્યા ગફારભાઈ નામના સસ્તા અનાજના દુકાનદાર ગરીબ લાભાર્થીઓને ચણા ઓછી માત્રામાં અપાતા હોવાની ફરીયાદને પગલે રાજકોટથી પુરવઠા નીરીક્ષકો કીરીટસિંહ ઝાલા, હસમુખ પરસાણિયાએ સ્થળ પર જઇને તપાસ કરી હતી. જેમાં મેન્યુઅલ સ્ટોક રજીસ્ટર કે ઓનલાઇન હિસાબમાં પણ ઠેકાણા ન હોવાનું સામે આવ્યું હતું. અને ૪૫માંથી દસેક કાર્ડ ધારકોએ નિવેદનમાં લખાવ્યું કે તેમને ચણા પૂરતા મળ્યા નથી આથી, હાલ તેને ત્યાં ૪૯૦૦ કિલો ઘઉ, ૪૦૦૦ કિલો ચોખા, ૬૦૦ કિલો ખાંડ, ૪૦૦ કિલો ચણા, ૧૮૬ કિલો મીઠું ઉપરાંત ૪૭ લીટર તેલ સ્થગિત કરી દેવાયું હતું.

બાદમાં પુરવઠા નિરીક્ષકોએ રિપોર્ટ પુરવઠા અધિકારી પૂજા બાવડાને સોંપતા તેઓએ દુકાનદારનું લાયસન્સ 90 દિવસ માટે સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો છે. ઉલ્લેખનીય છે કે જેતપુર પંથકમાં સસ્તા અનાજના દુકાનદાર દ્વારા ચલાવવામાં આવતી ગેરરીતિ સામે પૂરવઠા વિભાગે કડક કાર્યવાહી કરી દાખલો બેસાડ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.