જમીન સંપાદનમાં વળતર વિનાના કબજામાં તાત્કાલિક વળતર ચૂકવવા સુપ્રીમનો આદેશ

કબજો લીધા બાદ ચૂકવણીની તારીખ સુધી વળતર પર વ્યાજ ચૂકવવા આદેશ અપાયાં

અબતક, નવી દિલ્લી

સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક કહી શકાય તેવો ચુકાદો આપ્યો છે. જેમાં સુપ્રીમે જમીન સંપાદનમાં વળતર વિના જ કબજો લઈ લેવામાં આવ્યો હોય તો તાત્કાલિક વળતર ચૂકવવા આદેશ કર્યો છે. વધુમાં સુપ્રીમે આદેશ કરતા એવું પણ કહ્યું છે કે, જો એક વર્ષથી વધુના સમયગાળાથી જમીનનો કબજો લઈ લેવામાં આવ્યો હોય અને સામે વળતર ન ચૂકવાયું હોય તો વ્યાજ સાથે વળતર ચૂકવવા આદેશ કરવામાં આવ્યો છે. જેની અસર રાજકોટ, સૌરાષ્ટ્ર, ગુજરાત અને સમગ્ર દેશમાં જમીન સંપાદનના કિસ્સા પર પડશે. અનેકવિધ જમીન સંપાદનના કિસ્સામાં કબજો લીધા બાદ વર્ષો સુધી વળતર ચુકવવામાં આવતું નથી ત્યારે આ ચુકાદો હવે લેન્ડમાર્ક સાબિત થશે.

જમીન બાબતમાં એક કહેવત ખૂબ જ પ્રચલિત છે કે, ’કબજો બળવાન’ જેનો સીધો અર્થ છે કે, જેની લાકડી તેની ભેંસ. ત્યારે કબજો લીધા બાદ પણ વળતર ન ચૂકવવું તે એક રીતે અપરાધ જ ગણી શકાય ત્યારે સુપ્રીમનો ચુકાદો ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે.

કોર્ટે કહ્યું કે જો તાત્કાલિક વળતર આપવામાં નહીં આવે તો તે જમીનના કબજાની તારીખથી ચૂકવણીની તારીખ સુધી વળતરની રકમ પર વ્યાજની ચૂકવણી કરવી પડશે.

આ કિસ્સામાં મુદ્દો વ્યાજ ચૂકવવાની જવાબદારીના સંદર્ભમાં હતો પછી ભલે તે કબજો લેવાની તારીખથી શરૂ થાય કે માત્ર એવોર્ડની તારીખથી ગ્રાહ્ય રાખવામાં આવે.

કોર્ટે નિર્દેશ આપ્યો હતો કે, વ્યાજ 4 એપ્રિલ 1997થી ચુકવવામાં આવે છે, જ્યારે પ્રથમ વર્ષ માટે 3 એપ્રિલ 1998 સુધી કબજો લેવામાં આવ્યો હતો ત્યારે વાર્ષિક 9 ટકાના દરે અને ત્યારબાદ 4 એપ્રિલ 1994 થી ચૂકવણીની તારીખ એટલે કે 8 સપ્ટેમ્બર 2004 સુધી વાર્ષિક 15% ના દરે વ્યાજ ચૂકવવાનું છે જેમાં હાઈકોર્ટે ફેરફાર કર્યો છે

જસ્ટિસ એ.એમ. ખાનવિલકર અને જસ્ટિસ સી.ટી. રવિકુમારની બેન્ચે કોર્ટ દ્વારા જારી કરાયેલા આ નિર્દેશને પુન:સ્થાપિત કરતા કહ્યું કે, સામાન્ય નિયમ છે કે જો કોઈ વ્યક્તિ જમીનના સંપાદનને કારણે તેની મિલકતના કબજાથી વંચિત રહે છે, તો તેને તરત જ વળતર ચૂકવવું જોઈએ અને જો તે તરત જ ચૂકવવામાં ન આવે તો તેને વળતર પર વ્યાજ આપવું જોઈએ.

અદાલતે આદેશ આપ્યો હતો કે, જે તારીખે જમીનનો કબજો લેવામાં આવ્યો હતો તે તારીખથી ચૂકવણીની તારીખ સુધી વ્યાજની ચૂકવણી કરવી પડશે.