ટ્રીબ્યુનલની ખાલી પડેલી જગ્યાઓ ૧૦ દિવસમાં ભરવા સુપ્રિમનો આદેશ

ફક્ત એક ભરતી પ્રક્રિયામાં ૧૬ મહિનાનો સમય લાગી ન શકે: સુપ્રિમનું તારણ

સર્વોચ્ચ અદાલતે સોમવારે કેન્દ્ર સરકારને ટ્રીબ્યુનલમાં ખાલી પડેલી જગ્યાઓમાં નિમણુંક કરવા ટકોર કરી હતી.વારંવાર ટ્રીબ્યુનલના અધ્યક્ષ અને સભ્યોની મુદ્દત અને સેવા શરતોને મર્યાદિત કરવા અંગે સુપ્રીમ કોર્ટના આદેશની અવગણના અંગે કોર્ટે કેન્દ્ર સરકારને આડે હાથ લીધી હતી.

૧૫ ટ્રીબ્યુનલમાં અધ્યક્ષ અને સભ્યોની નિમણુંક નહીં કરવા અંગે સુપ્રીમે નારાજગી વ્યક્ત કરી હતી. ચીફ જસ્ટિસ એન.વી.રમણા, જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ અનિરુદ્ધ બોઝની ખંડપીઠ સમક્ષ સોલિસીટર જનરલ તુષાર મહેતા દ્વારા જવાબ રજૂ કરાયો હતો કે, નિમણુંકની પ્રક્રિયાની ચાલુ છે. ત્યારે સુપ્રીમ કોર્ટ ફટકાર લગાવતા કહ્યું હતું કે, છેલ્લા ૧૬ મહિનાથી અમે આ શબ્દો સાંભળી રહ્યા છીએ પરંતુ અમને નથી લાગતું કે આ તરફે હજુ સુધી કોઈ પગલાં લેવાયા હોય.

ખંડપીઠે ટ્રીબ્યુલનમાં ખાલી પડેલી જગ્યાઓ પર નિમણુંક આપવા કેન્દ્ર સરકારને ૧૦ દિવસનો સમય આપવામાં આવ્યો છે. અગાઉ ૬ ઓગસ્ટના રોજ સુપ્રીમે સોલિસીટર જનરલને ૧૦ દિવસમાં ભરતી અંગે કોર્ટને જાણ કરવા ૧૦ દિવસનો સમય આપ્યો હતો. જે બાદ ગઈકાલે ૧૬ ઓગસ્ટે ફરીવાર સુનાવણી હાથ ધરાઈ હતી.નોંધનીય બાબત છે કે, આર્મ્સ ફોર્સીસ ટ્રીબ્યુનલ, નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ સહિતની ૧૫ ટ્રીબ્યુનલમાં જગ્યાઓ ઘણા સમયથી ખાલી છે જેના માટે અગાઉથી જ નામોની ભલામણ કરી દેવામાં આવી છે.