સુપ્રિમ કોર્ટે નવજોતસિંહ સિંધુને ફટકારી એક વર્ષની સજા

1998 રોડ રેજ કેસમાં નવજોત સિંધુને સજા અને રૂા.1000નો દંડ

1998ના રોડ રેજ કેસમાં આજે સુપ્રિમ કોર્ટે નવજોતસિંહ સિંધુને કઠોર સજા ફટકારી છે. જેમાં દેશની વડી અદાલતે નવજોતસિંહ સિંધુને એક વર્ષની સજા અને રૂ.1000નો દંડ ફટકારવાનો હુકમ કર્યો છે. અગાઉ આ કેસમાં નવજોતસિંહ સિંધુને રાહત મળી હતી.

આ વર્ષે 25મી માર્ચે સુપ્રિમ કોર્ટે નવજોતસિંહ સિંધુની સજા વધારવાની અરજી પર ચુકાદો સુરક્ષિત રાખ્યો છે. તમામ પક્ષકારોની દલીલો સાંભળ્યા બાદ નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. આ વખતે સુપ્રિમ કોર્ટે સિંધુની સજા વધારવી કે નહિં તે નક્કી કરવાનું હતું. પીડિત પરિવારની સમીક્ષા અરજી પર નિર્ણય સુરક્ષિત રાખવામાં આવ્યો હતો. જેમાં આજરોજ જસ્ટિસ એએમ ખાનવિલકર અને જસ્ટિસ સંજય કિશન કૌલની ખંડપીઠે આ નિર્ણય સંભળાવ્યો છે.

27મી ડિસેમ્બર 1988ની સાંજે સિંધુ પોતાના મિત્ર રૂપીન્દરસિંહ સિંધુ સાથે પટિયાલાના શેરાવાલે ગેટના બજારમાં પહોંચ્યા હતા. તે સમયે સિંધુ ક્રિકેટર હતા. જે-તે વખતે કાર પાર્કિંગને લઇને 65 વર્ષિય ગુરનામસિંહ સાથે તેઓની દલીલ થતા મારામારી થઇ હતી. જેમાં વૃધ્ધનું મોત થયું હતું. પરંતુ રિપોર્ટમાં વૃધ્ધનું હાર્ટએટેકથી મોત થયાનું તારણ બહાર આવ્યું હતું.

આ રોડ રેજની ઘટના 1988ની છે જેમાં પાર્કિંગને લઇને નવજોતસિંહ સિંધુ અને તેના મિત્રને 65 વર્ષિય વૃધ્ધ સાથે માથાકૂટ થઇ હતી. જે બાબતે આ મામલે છેક કોર્ટના દરવાજા સુધી પહોંચ્યો હતો. વર્ષ 1999માં નીચલી કોર્ટે સિંધુને નિર્દોષ જાહેર કર્યા હતા. પરંતુ પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે ચુકાદો ઉલટાવી દેતા સિંધુને હત્યા કર્યા મામલે દોષી ઠેરાવ્યા હતા. જેમાં સિંધુને હાઇકોર્ટે 3 વર્ષની સજા ફટકારી હતી. પરંતુ 2018માં સુપ્રિમ કોર્ટે સિંધુને નિર્દોષ જાહેર કર્યા હતા. પરંતુ ત્યારબાદ દેશની વડી અદાલતમાં રિવ્યૂ પીટીશન દાખલ કરવામાં આવી હતી. જેના પર આજે સુપ્રિમ કોર્ટે નવજોતસિંહ સિંધુને એક વર્ષની સજા અને રૂ.1,000નો દંડ ફટકાર્યો છે.