Abtak Media Google News

છેલ્લી ઘડીએ કરાયેલા બદલાવ મુદ્દે સુપ્રીમની ટિપ્પણી: ૪ ઓક્ટોબરે જવાબ રજૂ કરવા સરકારને આદેશ

સુપ્રીમ કોર્ટે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ(નીટ)-પીજી સુપર સ્પેશિયાલિટી ૨૦૨૧ની પેટર્નમાં છેલ્લી ઘડીએ કરેલા ફેરફારો પર ભારે નારાજગી વ્યક્ત કરી છે.  આ સાથે જસ્ટિસ ડી.વાય.ચંદ્રચુડ અને જસ્ટિસ બી.વી. નાગરરત્નની ખંડપીઠે નિર્દેશ આપ્યો હતો કે, કેન્દ્ર સરકારે આ બાબત સંબંધિત તમામ સંબંધિત અધિકારીઓ સાથે બેઠક કર્યા બાદ ૪ ઓક્ટોબર સુધીમાં તેનો જવાબ રજૂ કરવો જોઈએ.

સુનાવણી દરમિયાન જસ્ટિસ બી.વી. નાગરથનાએ કહ્યું કે, આ યુવાન ડોકટરોને ફૂટબોલ ન સમજો, જેની સાથે રમત થયા કરે. સુપ્રીમે વધુમાં કહ્યું કે, અમે આ ડોકટરોને સંવેદનહીન અમલદારોની દયા પર છોડી શકતા નથી. તમે તમારી સિસ્ટમોમાં સુધારો કરો, જો કોઈની પાસે શક્તિ હોય તો તે ઇચ્છે તે રીતે તેનો ઉપયોગ કરી શકતો નથી.  તેમના ભવિષ્ય માટે આ ખૂબ મહત્વનું છે.  તમે છેલ્લી ઘડીએ ફેરફાર કરી શકતા નથી.  છેલ્લી ઘડીના ફેરફારોને કારણે આ યુવાન ડોકટરો હેરાન થઈ શકે છે અને તેમનું ભવિષ્ય પણ બગડી શકે છે.

જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડે નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન તરફથી ઉપસ્થિત રહેલા વરિષ્ઠ એડવોકેટ મનિન્દર સિંહને પૂછ્યું કે શું આ ફેરફાર પહેલા નોટિસ જારી કરવામાં આવી હતી?  શું આગામી વર્ષથી આ ફેરફારો કરી શકાતા નથી?

૨૦ સપ્ટેમ્બરે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને નેશનલ મેડિકલ કાઉન્સિલને નોટિસ ફટકારી હતી.  આ સાથે આગામી સુનાવણી ૨૭ સપ્ટેમ્બરે નક્કી કરવામાં આવી છે.  અચાનક થયેલા ફેરફાર સામે ૪૧ પીજી ડોક્ટરોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. સુપ્રીમ કોર્ટે સોમવારે આ અરજી પર વધુ સુનાવણી કરી હતી.  અરજીકર્તા ડોક્ટર નીટ-એસએસ પાસ કરીને સુપર-સ્પેશિયાલિસ્ટ બનવા માંગે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.