- એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ (AGR) એટલે ટેલિકોમ કંપનીઓની બધી પ્રકારની કમાણી
- વોડાફોને આશરે ₹ 30,000 કરોડની રાહતની કરી હતી માંગ
સુપ્રીમ કોર્ટે સોમવારે મોટી ટેલિકોમ કંપનીઓ વોડાફોન–આઇડિયા, એરટેલ અને ટાટા ટેલિસર્વિસીસની એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ (AGR) ના બાકી લેણાં માફ કરવાની વિનંતી કરતી અરજીઓને ફગાવી દીધી છે.
જસ્ટિસ જે. બી. પારડીવાલા અને આર. મહાદેવનની બેંચે આ અરજીઓને “ગેરસમજણભરી” ગણાવી હતી. બેંચે વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીને જણાવ્યું હતું કે, “અમે આ અરજીઓથી ખરેખર આઘાત પામ્યા છીએ જે અમારી સમક્ષ આવી છે. એક બહુરાષ્ટ્રીય કંપની પાસેથી આવી અપેક્ષા નથી. અમે તેને બરતરફ કરીશું.” મુકુલ રોહતગી વોડાફોનનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા.
અહેવાલ મુજબ, સુપ્રીમ કોર્ટે ટેલિકોમ કંપનીઓને સહાય અંગે સરકારના વલણમાં દખલ કરવાનો ઇનકાર કર્યો હતો. વોડાફોને આશરે ₹ 30,000 કરોડની રાહતની માંગણી કરી હતી, જેમાં તેમના એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુના બાકી લેણાંના વ્યાજ, દંડ અને દંડ પરના વ્યાજનો સમાવેશ થતો હતો.
રોહતગીએ અગાઉ ભારપૂર્વક જણાવ્યું હતું કે અરજદાર સંસ્થાનું અસ્તિત્વ ટેલિકોમ ઉદ્યોગમાં સ્પર્ધા ટકાવી રાખવા માટે આવશ્યક છે. તાજેતરમાં વ્યાજની જવાબદારીઓને ઇક્વિટીમાં રૂપાંતરિત કર્યા પછી, સરકાર હવે સંસ્થામાં 49 ટકા માલિકી ધરાવે છે.
કંપનીની અરજીમાં જણાવાયું હતું કે, “વર્તમાન રિટ અરજી ચુકાદાની સમીક્ષા માંગતી નથી પરંતુ માત્ર ચુકાદા હેઠળ વ્યાજ, દંડ અને દંડ પરના વ્યાજની કડકાઈને માફ કરવાની માંગ કરે છે.” અરજદારે સરકારને “ન્યાયી રીતે અને જાહેર હિતમાં કાર્ય કરવા” અને “AGR બાકી લેણાં પર વ્યાજ, દંડ અને દંડ પરના વ્યાજની માંગણી ન કરવા” માટે ચોક્કસ સૂચનાઓ આપવાની વિનંતી કરી હતી.
એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ એટલે શું ?
તમે જે મોબાઇલ વાપરો છો અને ઇન્ટરનેટનો ઉપયોગ કરો છો, તેની સર્વિસ આપતી કંપનીઓ સરકારને અમુક પૈસા ચૂકવે છે. આ પૈસાની ગણતરી તેમની કુલ કમાણી પર થાય છે, જેને એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ (AGR) કહેવાય છે.
સરળ ભાષામાં કહીએ તો, ટેલિકોમ કંપનીઓ ફોન કોલ, ઇન્ટરનેટ અને બીજી ઘણી રીતે પૈસા કમાય છે. તેમની આ બધી કમાણી ભેગી કરો એટલે એ AGR થયું. હવે સરકારનો નિયમ છે કે આ AGRના થોડા ટકા ભાગ ટેલિકોમ કંપનીઓએ લાયસન્સ ફી અને સ્પેક્ટ્રમ ચાર્જ તરીકે સરકારને ચુકવવા પડે.
હવે ટેલિકોમ કંપનીઓ અને સરકાર વચ્ચે આ AGRની ગણતરીને લઈને થોડો વિવાદ હતો. કંપનીઓનું કહેવું હતું કે તેમણે માત્ર ફોન કોલ અને ઇન્ટરનેટ જેવી મુખ્ય સેવાઓથી થતી કમાણીને જ AGRમાં ગણવી જોઈએ. જ્યારે સરકારનું કહેવું હતું કે કંપનીઓ ભાડું કે બીજી રીતે જે પણ કમાણી કરે છે, તે બધું AGRમાં આવશે.
થોડા સમય પહેલાં સુપ્રીમ કોર્ટે સરકારની વાત સાચી ઠેરવી હતી અને કહ્યું હતું કે ટેલિકોમ કંપનીઓએ તેમની બધી જ આવકને AGRમાં ગણવી પડશે અને તેના આધારે સરકારને પૈસા ચૂકવવા પડશે. આના કારણે ટેલિકોમ કંપનીઓ પર મોટો બોજ પડ્યો છે, કારણ કે તેમને ઘણી મોટી રકમ સરકારને ચૂકવવાની છે.