Abtak Media Google News

અબતક-રાજકોટ

કોરોનાથી મૃત્યુ પામનારના પરિવારને રૂા. 50,000ના વળતર આપવાની યોજનાને સુપ્રિમ કોર્ટે મંજૂરીની મહોર લગાવી દેતાં હવે કોરોનાના મૃતકના પરિવારને 50,000 રૂપિયાની સહાય મળશે. સુપ્રિમ કોર્ટની ખંડપીઠે સોમવારે જાહેર કરેલી ગાઇડલાઇનમાં નિર્દેશ આપ્યો છે કે આ વળતર રાજ્ય સરકારને અપાતાં અન્ય ભંડોળ અને યોજનાઓથી સાવ અલગ જ હશે. આ વળતર હવે પછી ભવિષ્યમાં કોરોનાથી મૃત્યુમાં પણ લાગૂ પડશે. જેનું ચુકવણું રાજ્ય આપત્તિ નિવારણ રાહત નિધિમાંથી કરવાનું રહેશે. સુપ્રિમ કોર્ટે એમ પણ જણાવ્યું છે કે આ યોજનાના લાભાર્થીઓનું પુરેપૂરું વર્ણન અખબારોમાં પ્રકાશિત કરવું.

અદાલતે કરેલાં હુકમમાં જણાવ્યું છે કે મૃતકના પરિવારોને રૂા. 50,000ની રાહત અને ચુકવણું કોઇપણ સંજોગોમાં કરવામાં આવશે અને આ સરકારની વિવિધ સહાયકારી યોજનાઓ અને ફાળવવામાં આવેલી ગ્રાન્ટથી તદ્ન અલગ રાખવામાં આવશે.

કેન્દ્ર સરકારે કોરોના મૃતકોના પરિવારને રૂા. 50,000ની સહાયની યોજના અંગે સુપ્રિમે મંજૂરીની મહોર લગાવી છે. સુપ્રિમ કોર્ટે જણાવ્યું છે કે સંબંધિત પરિવાર મૃત્યુ પ્રમાણપત્ર સહિત પુરાવાઓ સાથે રાજ્ય સરકાર દ્વારા પ્રસિદ્વ કરવામાં આવેલા એક ફોર્મના માધ્યમિકથી અરજી કરવાની રહેશે અને ત્રીસેક દિવસમાં આવી અરજીનો નિકાલ કરવામાં આવશે. પ્રમાણીકરણ સમિતિ દ્વારા જો કોઇ કેસમાં દાવો રદ્ કરવાનો હોય તો તેના સ્પષ્ટ કારણ આપશે. ભવિષ્યમાં રોગચાળાના વાયરામાં થનારા મૃત્યુ માટે પણ આ યોજના ચાલુ રહેશે.

સુપ્રિમ કોર્ટેે આદેશ આપ્યો છે કે વળતર માટેની અરજી કરવા અને મૃત્યુના કારણને કોરોનાના રૂપમાં પ્રમાણીત થયા પછી 30 દિવસમાં વળતર આપવામાં આવશે. કોઇપણ રાજ્ય કોઇપણ આધારે 50,000 રૂપિયાનો લાભ આપવાનો ઇન્કાર નહીં કરી શકે. મૃત્યુ પ્રમાણપત્રમાં કોરોનાનું કારણ નથી તેમ કહી સહાયનો ઇન્કાર નહીં કરી શકે.

જિલ્લા પ્રશાસકોને મૃત્યુનું કારણ દુરસ્ત કરવા માટે યોગ્ય પગલાં લેવાની સત્તા આપવામાં આવી છે અને જિલ્લાસ્તરની સમિતિના અહેવાલો સમાચાર માધ્યમોમાં પ્રકાશિત કરવામાં આવશે. કોરોના થયાં પછી 30 દિવસમાં આપઘાત કરવાવાળાને પણ વળતર મળશે.

જો કે કેન્દ્ર સરકારે કહ્યું હતું કે કોરોનાથી મૃત્યુ થવા પર પિડિતના પરિવારોને 50,000 રૂપિયાનું વળતર મળશે. કેન્દ્ર સરકારે સુપ્રિમ કોર્ટમાં સોગંદનામું દાખલ કરી કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે આ યોજના ભવિષ્યમાં પણ ચાલુ રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.