ચારધામ પ્રોજેક્ટમાં ડબલ લેન રોડને સુપ્રીમની લીલીઝંડી

ત્રણ વ્યુહાત્મક રાજમાર્ગોની પહોળાઈ વધારવા કોર્ટની પરવાનગી મળતા હવે સેના ચીનની સીમા સુધી સરળતાથી પહોંચી શકશે

ચારધામ માટે ઓલ વેધર રોડ પ્રોજેક્ટને સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી છે. સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કેન્દ્રના 8 સપ્ટેમ્બર 2020ના આદેશમાં સંશોધનની માગણીને સ્વીકારતા નિર્માણની મંજૂરી આપી છે. જેનાથી ચારધામ પ્રોજેક્ટ હેઠળ ત્રણ વ્યુહાત્મક રાજમાર્ગોને ડબલ લેન કરવાને સુપ્રીમ કોર્ટની લીલી ઝંડી મળી ગઈ છે. રક્ષા મંત્રાલય તરફથી તે અંગે ભલામણ કરવામાં આવી હતી.જેના પર સુપ્રીમ કોર્ટે મહોર લગાવી છે. આ હાઈવે સુરક્ષા ક્ષેત્ર સાથે જોડાયેલા છે. જેનાથી ચીની સરહદ સુધી પહોંચવામાં પણ સેનાને સરળતા રહેશે.

સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે પર્યાવરણના હિતમાં તમામ ઉપચારાત્મક ઉપાય સુનિશ્ચિત કરવા માટે એક કમિટી પણ બનાવી છે. જેની અધ્યક્ષતા સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ એસ કે સીકરી કરશે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને પ્રોજેક્ટના એક ભાગ તરીકે 10 મીટર પહોળાઈના તમામ રસ્તાના નિર્માણને મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્ર સરકારે ભારત ચીન સરહદ તરફ જતા રસ્તાઓને પહોળા કરવાની માગણી કરી હતી.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે હાલના દિવસોમાં સરહદો પર સુરક્ષા માટે ગંભીર પડકારો સામે આવ્યા છે. આ કોર્ટ સશસ્ત્ર દળોની માળખાગત જરૂરિયાતાનો બીજો અંદાજ લગાવી શકે નહીં. કોર્ટ ન્યાયિક સમીક્ષામાં સેનાના સુરક્ષા સંસાધનોને નક્કી કરી શકે નહીં. હાઈવે માટે રસ્તાની પહોળાઈ વધારવામાં રક્ષા મંત્રાલયની કોઈ દુર્ભાવના નથી.

કેન્દ્રનું કહેવું છે કે તે ભારત-ચીન વાસ્તવિક નિયંત્રણ રેખા તરફ જનારી સીમા રસ્તા માટે ફીડર રસ્તા છે. તેમને 10 મીટર સુધી પહોળા કરવાની મંજૂરી આપવામાં આવી જોઈએ. અરજીકર્તા તરફથી કોલિન ગોન્ઝાલ્વિસે કહ્યું કે હિમાલયના પર્યાવરણની સ્થિતિ જોખમમાં છે. હજુ સુધી અડધો પ્રોજેક્ટ પૂરો થયો છે, અકસ્માત દુનિયાએ જોયા છે. હવે તમારે પૂરો કરવો હોય તો જરૂર કરો પરંતુ બરબાદી માટે તૈયાર રહો. નુકસાન ઓછું કરવાની જગ્યાએ તેને વધારવામાં આવી રહ્યું છે. રસ્તાઓને પહોળા કરવાના ઉપાય ટેક્નિકલની સાથે સાથે પર્યાવરણના ઉપાયો સાથે હોવા જોઈએ. ડિઝાઈન, ઢાળ, હરિયાળી, જંગલ કાપવા, વિસ્ફોટથી પહાડ કાપવા વગેરેને ધ્યાનમાં રાખીને સંબદ્ધ વિશેષજ્ઞોના મતથી કરવું જોઈએ.

આ બાજુ કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે ઉત્તરાખંડમાં ભૂસ્ખલનની ઝપેટમાં આવનારા ક્ષેત્રો વિશે અભ્યાસ થઈ રહ્યો છે. જ્યાં ભારત-ચીન સરહદ તરફ જનારા રસ્તાઓનું નિર્માણ થવાનું છે. જાન્યુઆરી 2021માં ભારતીય ભૌગોલિક સર્વેક્ષણ, રક્ષા ભૂવૈજ્ઞાનિક અનુસંધાન સંગઠન અને ટિહરી હાઈડ્રોલેક્ટ્રિક કોર્પોરેશન સાથે સંવેદનશીલ સ્થાનો પર અધ્યયન, નદીઓ/ઘાટીઓમાં ડંપિંગ રોકવા માટે પગલા અને અન્ય મુદ્દાઓ માટે સમજૂતિ માટે હસ્તાક્ષર કરાયા છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને પૂછ્યું હતું કે શું પહાડ તોડવાના પ્રભાવને ઓછો કરવા અને ભૂસ્ખલન રોકવા માટે કોઈ અભ્યાસ કરાયો છે? કેન્દ્રએ કહ્યું કે સ્થળનો પ્રવાસ થઈ રહ્યો છે. રિપોર્ટની રાહ જોવાય છે.

આ સમગ્ર મામલે સુપ્રીમ કોર્ટે કહ્યું કે કોર્ટ અહીં સરકારની નીતિગત પસંદ પર સવાલ ઉઠાવી શકે નહીં અને તેની મંજૂરી પણ નથી. રાજમાર્ગ જે સશસ્ત્ર દળો માટે રણનીતિક રસ્તાઓ છે, તેમની સરખામણી એવી અન્ય પહાડી રસ્તાઓ સાથે થઈ શકે નહીં. અમે જાણ્યું છે કે રક્ષા મંત્રાલય દ્વારા દાખલ કરાયેલ એમએમાં કોઈ દુર્ભાવના નથી. સશસ્ત્ર દળોની પરિચાલન જરૂરિયાતને ડિઝાઈન કરવા માટે અધિકૃત છે. સુરક્ષા સમિતિની બેઠકમાં ઉઠાવવામાં આવેલી સુરક્ષા ચિંતાઓથી રક્ષા મંત્રાલયની પ્રમાણિકતા સ્પષ્ટ છે.

નોંધનીય છે કે 11 નવેમ્બરના રોજ ચારધામ પ્રોજેક્ટમાં રસ્તાની પહોળાઈ વધારવાના મામલે સુપ્રીમ કોર્ટે વિસ્તારથી સુનાવણી થયા બાદ ચુકાદો અનામત રાખ્યો હતો. કેન્દ્ર અને અરજીકર્તાની દલીલો સાંભળ્યા બાદ ચુકાદો અનામત રાખવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે બંને પક્ષને બે દિવસમાં લેખિત સૂચનો આપવા જણાવ્યું હતું. સુપ્રીમ કોર્ટે નક્કી કરવાનું હતું કે લગભગ 900 કિમીના ચાર ધામ ઓલ વેધર રાજમાર્ગ પ્રોજેક્ટમાં રસ્તાની પહોળાઈ વધારી શકાય કે નહીં. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટ પાસે સપ્ટેમ્બર 2020ના આદેશમાં સંશોધનની માગણી કરી છે જેમાં ચારધામ રસ્તાઓની પહોળાઈ 5.5 મીટર સુધી સીમિત કરવાનો આદેશ આપ્યો હતો.