- સાયણ રોડ વરીયાવ જંકશન પાસે SOGએ કારમાંથી 5.27 લાખનો MD ડ્રગ્સ ઝડપ્યો
- ભરત કળથીયા નામના બિલ્ડરની ધરપકડ
- મુંબઈનો મહારાજ નામનો ઇસમ વોન્ટેડ જાહેર
સ્પેશિયલ ઓપરેશન ગૃપે એમડી ડ્રગ્સ સાથે ભરત ભગવાન પટેલ નામના વ્યક્તિને ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી 52 ગ્રામથી વધુ મેથાએમફેટામાઇન ડ્રગ્સ મળી આવ્યું છે, જે શહેરી વિસ્તારના યુવાઓમાં વેચાણ માટે લાવવામાં આવ્યું હતું. શહેરમાં ડ્રગ્સના ગેરકાયદેસર વેપારને અટકાવવા માટે સુરત પોલીસની વિશેષ ઓપરેશન ગ્રુપ (એસ.ઓ.જી.) સતત કડક કાર્યવાહી કરી રહી છે. શહેરમાં નશાના જાળને ફેલાતાં અટકાવવા, એસ.ઓ.જી.ની અલગ-અલગ ટીમો દ્વારા ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે ચોક્કસ ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી રહી છે.
મળતી માહિતી મુજબ સુરત શહેરમાં એસઓજી પોલીસની ટીમે જહાંગીરપુરા સાયણ રોડ વરીયાવ જંકશન સર્કલ પાસે જાહેર રોડ પરથી ફોરવ્હીલ કારને આંતરી કારચાલક ભરતભાઈ ભગવાન ભાઈ પટેલને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી ૫,૨૭,૭૦૦ રૂપિયાની કિમતનું ૫૨.૭૭૦ ગ્રામ મેથાએમ્ફેટા માઈન ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડી કુલ્લે ૨૦,૩૭,૭૦૦ રૂપિયાનો મુદામાલ કબ્જે કર્યો હતો.
આરોપીની પૂછપરછ દરમ્યાન આરોપી છૂટક ડ્રગ્સનું વેચાણ કરવા સારું મુંબઈ ખાતે રહેતા એક ઇસમ પાસેથી આ ડ્રગ્સનો જથ્થો મંગાવ્યો હોવાનું જણાવ્યું હતું. જેથી મુંબઈ ખાતે રહેતા ઈસમને વોન્ટેડ જાહેર કરી પકડાયેલા આરોપી અને વોન્ટેડ જાહેર કરાયેલા આરોપી વિરુદ્ધમાં જહાંગીરપુરા પોલીસ મથકમાં એનડીપીએસ અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
અહેવાલ : ભાવેશ ઉપાધ્યાય