સુરત ખાતે ‘કર્મભૂમિથી જન્મભૂમિ’ પહેલ હેઠળ ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાનના મુખ્યમંત્રીઓ અનુક્રમે ભૂપેન્દ્ર પટેલ, ડો.મોહન યાદવ, ભજનલાલ શર્મા અને બિહારના ઉપમુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી દ્વારા પોતાના રાજ્યોમાં જળસંચયને વ્યાપક બનાવવા વિચારમંથન કરવામાં આવ્યું હતું. સુરતને કર્મભૂમિ બનાવી વર્ષોથી સુરત આવીને વસેલા રાજસ્થાન, મધ્યપ્રદેશ, બિહારના વ્યાપારીઓ, ઉદ્યોગપતિઓ, સમાજ શ્રેષ્ઠીઓ પોતાના વતનમાં જળસંચય પ્રવૃત્તિઓમાં જોડાઈને બોર રિચાર્જ, કુવા રિચાર્જથી રેઈન વોટર હાર્વેસ્ટીંગને પ્રોત્સાહન આપે, હમવતનીઓને પણ પ્રેરિત કરે એવા આશયથી સુરતના અઠવાલાઈન્સ સ્થિત ઈન્ડોર સ્ટેડિયમ આયોજિત ‘કર્મભૂમિથી જન્મભૂમિ’ કાર્યક્રમમાં સૌએ વતનનું ઋણ ચૂકવવા જળ સંચય માટે સામૂહિક રીતે સંકલ્પબદ્ધ થયા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મધ્યપ્રદેશ, રાજસ્થાનના મુખ્યમંત્રીઓ અને બિહારના ઉપમુખ્યમંત્રીને ગુજરાતની ભૂમિ પર આવકારતા જણાવ્યું હતું કે, જળકટોકટીની સમસ્યાથી ઉગરવા માટે અને ભાવિ પેઢીને આપણી કુદરતી સંપદાનો અમૂલ્ય વારસો આપવા માટે જળસંચય અભિયાન મહત્વપૂર્ણ બની રહેશે. સરકારની સાથે સમાજના દરેક લોકો આ અભિયાનમાં સહકાર આપવા સંકલ્પબદ્ધ બને તો જળ સંરક્ષણનો ઉમદા આશય અવશ્ય સિદ્ધ થશે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પડકારો આવે તે પહેલાં જ એક ડગલું આગળ વિચારી આગવા વિઝનથી તેના ઉપાયોનું આયોજન કરે છે. નલ સે જલ- જલ જીવન મિશન, કેચ ધ રેઈન અભિયાન તેનું ઉત્તમ ઉદાહરણ છે.

ગ્લોબલ વોર્મિંગ સામે પર્યાવરણ અને પ્રાકૃતિક સંપદાની જાળવણી તથા જળસંચય, જળસંરક્ષણ જેવા અભિયાન વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં સફળ થયા છે. મુખ્યમંત્રીએ આજે ભારત સમગ્ર વિશ્વની પાંચમી ઈકોનોમી બની ચૂકયો છે. આવનારા દિવસોમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી ઈકોનોમી બનાવવા તેમજ ‘વિકસિત ભારત’ના નિર્માણ માટે પાણીની પર્યાપ્ત આપૂર્તિ, પીવાનું ચોખ્ખું પાણી જરૂરી છે એવું વડાપ્રધાનનું વિઝન રહ્યું છે, ત્યારે રાજ્ય સરકારે પણ ભૂગર્ભ જળનું સુરક્ષિત ભવિષ્ય સુનિશ્ચિત કરવા નાગરિકો, સ્થાનિક સંસ્થાઓ, ઉદ્યોગોની સામૂહિક શક્તિથી ભાવિ પેઢીને જલસંરક્ષણથી સમૃદ્ધ જળવારસો આપવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો છે. કર્મભૂમિમાં રહી જન્મભૂમિની ખેવના રાખવાનો ઉમદા અભિગમ સુરતના વ્યાપારીઓ, વ્યવસાયીઓએ અપનાવ્યો છે એ વાતની સરાહના કરતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, સરકારી સ્તરે ચલાવવામાં આવતા જળસંચયના અભિયાનમાં લોકોની ભાગીદારી વધે તો ભૂગર્ભ જળ અવશ્ય ઊંચા આવશે, એટલે જ જળસંચય જનભાગીદારી અભિયાનમાં લોકોની સહભાગિતાને પ્રાધાન્ય આપવામાં આવ્યું હોવાનું તેમણે કહ્યું હતું.

 

રાજ્યભરમાં 80,000 થી વધુ રેઈન વોટર હાર્વેસ્ટીંગના કાર્યો, રિચાર્જ સ્ટ્રક્ચર માટેનું કમિટમેન્ટ મળ્યું છે, જ્યારે ગુજરાતની ઈન્ડસ્ટ્રીઝ, NGO, સરકાર સાથે મળીને આગામી સમયમાં બે લાખથી વધુ રેઈન વોટર હાર્વેસ્ટીંગ સ્ટ્રક્ચર ઉભા કરવાનો લક્ષ્યાંક છે જે જનસહયોગથી પૂર્ણ થશે એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડો.મોહન યાદવ:- જળસંચયની પહેલ ઐતિહાસિક રૂપે સમગ્ર દેશ માટે પ્રેરણારૂપ બની વિકાસના નવા દ્વાર ખોલશે: ભારતીય સંસ્કૃતિમાં નદીઓનું વિશેષ મહત્વ છે. નદીઓના પિયર ગણાતું મધ્યપ્રદેશ નદીઓથી સમૃદ્ધ રાજ્ય છે અને નદીઓના માધ્યમથી જ તે ગુજરાત સહિત અનેક રાજ્યો સાથે જોડાયેલું છે.

ધરતીના પ્રાણ જળમાં છે અને જળ એ જ જીવન છે, એમ જણાવી તેમણે કહ્યું વડાપ્રધાનના માર્ગદર્શન અને કેન્દ્રીય જળશક્તિ મંત્રીના નેતૃત્વ હેઠળ સુરતથી શરૂ થયેલું કર્મભૂમિથી જન્મભૂમિને જોડતું જળસંચય અભિયાન જળભંડારણને મજબૂત કરનારૂ સાબિત થશે. વધુમાં, સુરત-ગુજરાતથી શરૂ થતી જળસંચયની પહેલ ઐતિહાસિક રૂપે સમગ્ર દેશ માટે પ્રેરણારૂપ બની વિકાસના નવા દ્વાર ખોલશે એમ જણાવતા આ અભિયાન માટે મધ્યપ્રદેશ અને સ્થાનિક લોકોની મહત્તમ સહભાગિતા રહેશે, જણાવી યાદવે કહ્યું કે, મધ્યપ્રદેશના 3500 ગામોના 13500 લોકો જળસંચય માટે સંકલ્પબદ્ધ થયા છે, જ્યારે વધુમાં વધુ જળભંડારની ક્ષમતા વધારનારા આ અભિયાનમાં સાથ સહકાર આપતા રહેશે.

ગુજરાત જળસંરક્ષણ અને જળવ્યવસ્થાપના ક્ષેત્રે દેશના અન્ય રાજ્યો માટે પ્રેરણારૂપ બન્યું છે એમ જણાવ્યું હતું. રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા: વર્ષ સુધી 2003માં રાજસ્થાનને નર્મદાનું પાણી આપીને ગુજરાતે પાડોશી ધર્મ નિભાવ્યો હતો રાજસ્થાન એ પાણીની સમસ્યાઓથી ઘેરાયેલું રાજય છે. ગુજરાતથી જે કાર્યની શરૂઆત થાય તે સમગ્ર દેશમાં ફેલાય છે. તત્કાલીન ગુજરાતના મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૦૩માં રાજસ્થાનના જાલોર અને બાડમેર જિલ્લામાં પાણી સમસ્યાને જાણીને નર્મદાના નીર આપવાનું ભગીરથ કાર્ય કર્યું હતું તેમણે પણ આ તકે યાદ કર્યું હતું. વર્ષ સુધી 2003માં રાજસ્થાનને નર્મદાનું પાણી આપીને ગુજરાતે પાડોશી ધર્મ નિભાવ્યો હતો.

 

આ મહા અભિયાન આવનારી પેઢીઓ સુધી યાદ રહેશે તેમ જણાવીને સુરતને કર્મભુમિ બનાવીને વસતા રાજસ્થાન લોકોએ જળસંચય, જનભાગીદારીના મહાઅભિયાનની શરૂઆત કરી છે જે બદલ સૌના પ્રત્યે આભારની લાગણી વ્યકત કરી હતી. રાજસ્થાનના ગામડે ગામડે રેઈન વોટર હાર્વેસ્ટીંગના કાર્યથી પાણીનો અપાર સગ્રહ થશે. વડાપ્રધાનના નેતૃત્વમાં દેશ આગળ વધી રહ્યો છે. આંતકવાદનો ખાત્મો બોલાવી દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે વડાપ્રધાન અથાગ પ્રયાસો કરી રહ્યા છે. જેમાં સૌને ભાગીદાર બનીને વિકસિત ભારતની કલ્પના સાકારિત કરવા સૌને અનુરોધ કર્યો હતો.

કેન્દ્રીય જલશક્તિ મંત્રી સી.આર.પાટિલ:- સુરતમાં વસતા મધ્યપ્રદેશ, બિહારના વેપારીઓ-ઉદ્યોગપતિઓએ માદરે વતનમાં વોટર રિચાર્જીંગના માતબર કાર્યો કરશે પાણીની વૈશ્વિક સમસ્યા નિવારવા ‘જળસંચય જનભાગીદારી અભિયાન’ એક નવી રાહ ચીંધશે. ગુજરાતનું વિકાસ મોડેલ દેશમાં સ્વીકૃતિ પામ્યું એ જ રીતે જળસંચય જનભાગીદારીનું મોડેલ સમગ્ર ભારતમાં દ્રષ્ટાંતરૂપ બનશે એમ કેન્દ્રીય જલશક્તિ મંત્રીએ કહ્યું હતું. સુરતમાં વસતા મધ્યપ્રદેશ, રાજસ્થાન અને બિહારના વેપારીઓ-ઉદ્યોગપતિઓ, સમાજ શ્રેષ્ઠીઓએ બીડું ઝડપ્યું છે એનો આનંદ તેમણે વ્યક્ત કરી કહ્યું કે, રાજસ્થાન રાજયના સુરતમાં વસતા વેપારીઓ, ઉદ્યોગપતિઓએ રાજસ્થાનના તમામ ગામોમાં ગામદીઠ ચાર બોર કરીને વરસાદી પાણીને ભુગર્ભમાં ઉતારવા માટેની જવાબદારી લીધી છે.

વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, જ્યારે સુરતમાં વસતા મધ્યપ્રદેશ, બિહારના વેપારીઓ-ઉદ્યોગપતિઓ મધ્યપ્રદેશમાં 3500 ગામોમાં ૧૪ હજાર બોર અને બિહારના પાંચ જિલ્લાના ગામોમાં વોટર રિચાર્જીંગ માટેના કાર્યો કરશે. આ અંગે પાટીલે જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૨૦૨૧માં કેચ ધ રેઈન પ્રોજેકટનો પ્રારંભ કરી વરસાદના પાણીના ટીપેટીપાનો સંગ્રહ થાય તે માટે ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં રહે તેવી સંકલ્પના કરી હતી. ગુજરાતમાં જળસંચય જનભાગીદારી અભિયાનની શરૂઆત તાજેતરમાં સુરતથી કરવામાં આવી હતી. જળ છે તો જીવન છે, જળ એ અનેક જીવ જંતુઓ, પ્રાણીપક્ષીઓ અને સમગ્ર માનવજાતના જીવનનો આધાર છે એમ જણાવી તેમણે વધુમાં કહ્યું કે, વરસાદી પાણીને જમીનમાં ઉતારવા ગુજરાતમાં એપાર્ટેમન્ટો, સોસાયટીઓમાં લોકો વરસાદી પાણીને ભુગર્ભમાં ઉતારવા માટે બોર કરીને ઉત્સાહજનક પ્રતિસાદ આપી રહ્યા છે. સુરતના પોલીસ સ્ટેશનો, હેડકવાર્ટરો, સરકારી કચેરીઓમાં પણ ચોમાસામાં છતનું પાણી ભુગર્ભમાં સંગ્રહ થાય તે માટેના રેઈન વોટર હાર્વેસ્ટીંગના કાર્યો થઈ રહ્યા છે.

 

પ્રારંભે કેન્દ્રના પેયજળ અને સ્વચ્છતા વિભાગના સચિવ વિની મહાજને સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું કે, પાણીનું મહત્વ સમજી 2019માં ભારત સરકારે જળશક્તિ મંત્રાલયની સ્થાપના કરી હતી. જલ સે નલ અભિયાન હેઠળ સમગ્ર ભારતના 15.20 કરોડ ઘરોને ‘નલ સે જલ’ના માધ્યમથી પાણી આપવામાં આવી રહ્યું છે. કેન્દ્ર સરકાર ‘હોલ ઓફ ગવર્નમેન્ટ, હોલ ઓફ સોસાયટી’- સમગ્ર સમાજ અને સમગ્ર સરકારના અભિગમ સાથે કામ કરી રહી છે. કેચ ધ રેઈન અભિયાન હેઠળ પાણીની જરૂરિયાતને પહોચી વળવા માટે અમૃત્ત સરોવર, રેઇન વોટર હાર્વેસ્ટના શ્રેણીબદ્ધ કાર્યો કરવામાં આવી રહ્યા છે.

સુરત શહેરે રેઈન વોટર હાર્વેસ્ટીંગમાં પ્રેરક પહેલ કરીને સમગ્ર દેશને નવી દિશા આપી છે એમ તેમણે ઉમેર્યું હતું. આ વેળાએ સમાજ શ્રેષ્ઠીઓ, વ્યાપારીઓ દ્વારા મધ્યપ્રદેશ, રાજસ્થાનના મુખ્યમંત્રીઓ અને બિહારના ઉપમુખ્યમંત્રીને શાલ, સ્મૃતિ ચિહ્ન અને પુષ્પોથી સ્વાગત કરવામાં આવ્યું હતું. સૌ મુખ્યમંત્રીઓ, મહાનુભાવોએ વિશેષ તામ્ર પાત્રમાં કળશ વડે જળ અર્પણ કર્યું હતું. આ પ્રસંગે ઉર્જા મંત્રી કનુ દેસાઈ, વન, જળસંપતિ અને પાણી પૂરવઠા રાજ્ય મંત્રી મુકેશ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયા, રાજસ્થાનના સંસદીય કાર્ય મંત્રી જોગારામજી, રાજસ્થાનના ઝાલોરના સાંસદ લૂંબારામ ચૌધરી, મેયર દક્ષેશ માવાણી, જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધી, મ્યુનિ. કમિશનર શાલિની અગ્રવાલ, પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત, ધારાસભ્યો, સામાજિક અગ્રણીઓ, શહેરીજનો, ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાનના વ્યાપારીઓ, ઉદ્યોગકારો, શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.