Abtak Media Google News

પાંડેસરા જીઆઈડીસીમાં આગનું તાંડવ મચ્યું છે. 24 કલાકમાં 2 ડાઈંગ મીલમાં આગ લાગી ગઈ હતી. સાલું ડાઈંગ મીલમાં મોડીરાત્રે લગભગ 2 વાગ્યા આસપાસ ચોથા માળનો સ્લેબ તૂટી પડ્યો હતો. બાદમાં ભીષણ આગ લાગી હતી. આ આગ પર કાબુ મેળવાય ત્યાં જ બાજુમાં આવેલી મારૂતિ ડાઈંગ મીલમાં પણ આગ લાગી ગઈ હતી. જેથી 25થી વધુ ફાયરની ગાડીઓ આગ પર કાબુ મેળવવા પહોંચી હતી અને બ્રિગેડ કોલ જાહેર કરાયો છે.

મારૂતિ ડાઈંગ મીલમાં લાગેલી ભીષણ આગમાં બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવતાં શહેરના તમામ ફાયર સ્ટેશનના જવાનો આવી ગયા હતાં. જેમાં આગ પર કાબુ મેળવતી વખતે ફાયરબ્રિગેડના બે જવાનો ઈજાગ્રસ્ત થયા હતાં. જેથી તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. આગ એટલી પ્રચંડ છે કે તેના ધૂમાડા પાંચ કિલોમીટર દૂરથી પણ જોઈ શકાતા હતાં.

સાલું ડાઈંગ મીલમાં રાત્રિના બે વાગ્યા આસપાસ આગ લાગ્યા બાદ તેના પર કાબુ મેળવવામાં આવ્યો હતો. ત્યાં જ સાલુની બાજુમાં રોડની સામે આવેલી મારૂતિ ડાઈંગ મીલમાં આગ લાગી ગઈ હતી. જેથી ફરી 25થી વધુ ફાયરફાયટરો ઘટનાસ્થળે પહોંચી ગયાં હતાં. બીજી તરફ ભીષણ આગના પગલે મજૂરો મીલમાંથી બહાર દોડી આવતાં ઈજા જાનહાનિ ટળી હતી. આગના તાંડવના પગલે લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.