- અંજની ઈન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં રહેતા બે કાકા અને ભત્રીજો રસોઈ બનાવવાની તૈયારી કરતાં અચાનક બ્લાસ્ટ
- બ્લાસ્ટને કારણે આગ લગતા બે કાકા અને ભત્રીજો ગંભીર રીતે દાઝ્યા
- કાકા અને ભત્રીજાને સારવાર માટે તાત્કાલિક 108 એમ્બ્યુલેન્સ દ્વારા સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા
સુરતના અમરોલી ખાતે આવેલ અંજની ઈન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં એકજ રૂમમાં રહેતા બે કાકા અને ભત્રીજો ગત રાત્રે રૂમની અંદરમાં બેસેલા હતા અને રસોઈ બનાવવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે અચાનક બ્લાસ્ટ થતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.જયારે બ્લાસ્ટને કારણે આગ લગતા બે કાકા અને ભત્રીજો ગંભીર રીતે દાઝી ગયા હતા. આ ઘટનાને પગલે સ્થળ ઉપર ભારે અફરાતફરી અને નાશભાગ મચી જવા પામી હતી. જ્યારે દાઝી ગયેલા કાકા અને ભત્રીજાને સારવાર માટે તાત્કાલિક 108 એમ્બ્યુલેન્સ દ્વારા સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા હતા. જયાં હાલ આ ત્રણેની સારવાર ચાલી રહી છે.
મળતી માહિતી મુજબ, અમરોલી ખાતે આવેલ અંજની ઈન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં કારખાનાના છઠ્ઠા માળે એક રૂમમાં જીતેન્દ્ર સીંગ (ઉ.વ.42) તેનો ભાઈ દિલીપ સીંગ (ઉ.વ.32) અને તેમનો ભત્રીજો વિશાલ સીંગ (ઉ.વ.19) રાત્રે રૂમમાં હાજર હતા. ત્યારે અચાનક રૂમની અંદર બ્લાસ્ટ થયો હતો. જેને પગલે રૂમની અંદર આગ લાગી ગઈ હતી. આ ઘટનામાં ત્રણે લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા. જ્યારે ઘટનાને પગલે સ્થળ પર હાજર લોકોમાં નાસભાગ અને ભયનો માહોલ ફેલાઈ ગયો હતો.
સમગ્ર ઘટના અંગે જાણ કરવામાં આવતા સ્થાનિક પોલીસ તેમજ 108 એમ્બ્યુલેન્સ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. દાઝેલી હાલતમાં ત્રણેને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં હાલમાં ત્રણેની બર્ન્સ વોર્ડમાં સારવાર ચાલી રહી છે. આ ઉપરાંત વધુમાં જાણવા મળ્યું હતું કે બને ભાઈઓ જીતેન્દ્ર સીંગ અને તેને ભાઈ દિલીપ સીંગ ગંભીર રીતે દાઝી ગયા છે. જ્યારે તેમનો ભત્રીજો વિશાલ સામાન્ય દાઝયો છે.
બન્ને ભાઈઓ જીતેન્દ્ર અને દિલીપ તથા ભત્રીજો વિશાલ ત્રણે જણા સાથે અંજની ઈન્ડસ્ટ્રીઝ ખાતે વોરપિંગ મશીનના કારખાનામાં કામ કરે છે. અને કારખાના પર છઠ્ઠા માળે એક જ રૂમમાં સાથે રહે છે. ગત રાત્રે કામ પરથી છૂટયા બાદ ત્રણે સાથે જ રૂમ હાજર હતા અને રસોઈ બનાવવાની તૈયારી કરતા હતા. જેમાં જીતેન્દ્ર શાકભાજી કાપી રહ્યો હતો અને વિશાલ તેની પાસે બેસેલો હતો. દિલીપ રસોઈ બનાવવા માટે ગેસનો ચૂલો ચાલુ કરવા ગયો ત્યારે જ બ્લાસ્ટ થયો હતો.
અહેવાલ : ભાવેશ ઉપાધ્યાય