Abtak Media Google News

ડીઝલની કિંમતમાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે. ત્યારે સરકારની આ નીતિનો લાભ લઇને કેટલાંક ઓઇલ માફિયાઓ હવે સુરતમાં એક્ટિવ બન્યા છે. બાયો ડીઝલના નામે લાઇટ ડીઝલ ઓઇલ(એલડીઓ) વેચવાનું રેકેટ પલસાણા, સરથાણા તથા કામરેજ વિસ્તારમાંધમધમી રહ્યું છે. ક્રૂડ ઓઇલની ચોથા નંબરની પ્રોસેસિંગ પ્રોડક્ટ કહેવાતું આ લાઇટ ડીઝલ ઓઇલ(એલડીઓ)ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઓમાં કાર્યરત બોઇલર્સ તથા અન્ય મશીનરીને ચલાવાની સાથે જનરેટર ચલાવવા વપરાય છે. આ એલડીઓને બાયો ડીઝલનું નામ આપી ડીઝલની કિંમત કરતાં લીટરે રૂ.15 ઓછી કિંમતે એટલે કે રૂ.59 થી 63માં ખુલ્લેઆમ વેચાણ કરવામાં આવે છે.

રીફાઇનરી કંપનીના એક અધિકારીએ  જણાવ્યું હતું કે, આ રેકેટ સૌથી વધુ સૌરાષ્ટ્રમાં કાર્યરત છે. જે છેલ્લાં 8 થી 10 મહિનામાં સુરતમાં શરૂ થયું છે. જે અલંગ,કંડલા અને મુંદ્રા પોર્ટથી સ્મગલ કરીને લવાતું હોય છે. સરથાણા નેચર પાર્ક ખાતેથી રોજ સવારે 7 થી 8 તથા સાંજે 6 થી 7ના સમયગાળા દરમ્યાન એક ટેમ્પોમાં મોટા ડ્રમ ભરીને એલડીઓ કામરેજના ખોડીયાર પાર્કિંગ સર્વિસ તથા કે.કે.સ્ટીલ નજીક આવેલા ડાયમંડ નગર ખાતેના મહાદેવ ઓટોમોબાઇલ્સ ખાતે તેને પહોંચાડાય છે. ખુલ્લા ટેમ્પોમાં ડ્રમ ઉપર જ મીટર લગાડવામાં આવેલું હોઇ છે. જેનું બિલીંગ પણ તાત્કાલિક થતું હોઇ છે.

આ અંગે કલેકટર કક્ષાએથી તપાસ કરાવવામાં આવે તથા ડિસ્ટ્રિક્ટ સપ્લાય ઓફિસર તસ્દી લે તો શહેરમાં આ લાઇટ ડીઝલ ઓઇલ ક્યાંથી આવે છેω તેની પોલ ઉઘાડી પડી શકે તેમ છે.જાણકારો કહે છે આ ડીઝલ લાંબાં ગાળે એન્જીનને નુકશાન કરી પ્રદૂષણના ગંભીર પ્રશ્નો ઉભા કરે છે.આ અંગે પેટ્રોલિયમ સેક્ટર સાથે સંકળાયેલા અધિકારીઓને લેખિત રિપોર્ટ રજુ કરી દેવાયાને 4 કરતાં વધુ મહિના થઇ જવા છતાં હજુ સુધી કોઇ પગલાં લેવામાં આવ્યા નથી. શહેરમાં 6 થી 7 જેટલા આવા અડ્ડાઓ કાર્યરત છે. જેમાં ઉપલી કક્ષાના અધિકારીઓની પણ મિલિભગત હોવાની આશંકા છે.

ગેરેજની આડમાં લાઇસન્સ વિના ગેરકાયદે વેચાણ કરાઇ રહ્યું છે

એક ટ્રાવેલર્સના માલિકે નામ જાહેર નહી કરવાની શરતે જણાવ્યું હતું કે,પલસાણા, કામરેજ, સરથાણા તથા સારોલીમાં ટેમ્પરરી સ્ટ્રક્ચરમાં રીતસરનું પેટ્રોલ પંપનું મીટર લગાડી વેચાણ કરાય છે. સૌરાષ્ટ્ર જતી લક્ઝરી બસો 100 એ 100 ટકા આ એલડીઓનું વપરાશ થઇ રહ્યું છે. ધારો કે સુરતથી અમદાવાદ જતી બસમાં રાઉન્ડ ટ્રીપમાં 30 હજાર જેટલો ખર્ચ થતો હોઇ છે. આ એલડીઓથી રૂપિયા 7 થી 8 હજાર સુધીની બચત થાય છે.

લાઇટ ડીઝલ ઓઇલ ગેરકાયદે કેમ?

1 પેટ્રોલ પંપની જેમ રીફાઇનરી, ફાયરસેફ્ટી અને જમીન નોંધણી તથા પાલિકાની મંજૂરી જરૂરી

2 કાયદા મુજબ આરસી બુકમાં બળતણ તરીકે ડીઝલનો ઉલ્લેખ કર્યો હોય છે તે સિવાયનું બળતણ ગેરકાયદે ગણવામાં આવે છે

3 ખોટા જીએસટી નંબરના બિલ પણ ઇશ્યુ કરાઇ રહ્યા છે.જીએસટી નંબરની અધિકારીક તપાસ કરાવતાં તેવો કોઇ નંબર હયાત જ નહી હોવાનું  સામે ખુલાસો થયો છે

40 ટકા પેટ્રોલપંપોને મોટી અસર

સાઉથ ગુજરાત પેટ્રોલિયમ એસો.ના સેક્રેટરી ભૂપેન્દ્ર તમાકુવાલાએ કહ્યું કે એલડીઓ એન્જીનને લાંબાંગાળે નુકસાન કરી શકે છે. પ્રદૂષણની સમસ્યા પણ સર્જાય છે. સૌથી મોટી અસર પેટ્રોલિયમ ઇન્ડસ્ટ્રીને થઇ છે. શહેરના 40 ટકા પેટ્રોલ પંપોને મોટી અસર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.