- પુરપાટ ઝડપે કાર હંકારી વાહનોને અડફેટે લેનાર ઝડપાયો
- રેલ્વે સ્ટેશન પરથી કીર્તન ડાખરા નામના વ્યક્તિની કરાઇ ધરપકડ
- કીર્તનને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું
સુરતમાં 7 ફેબ્રુઆરીના રોજ રાત્રે આઉટર રિંગ રોડના વાલક પાટિયા પાસે તાપી બ્રિજ પર રફતાર અને દારૂના નશામાં પુરપાટ ઝડપે નબીરાએ કાર હંકારી ડિવાઈડર કુદાવી પાંચ વાહનોને અડફેટે લીધા હતા. જેમાં બે સગા ભાઈ ઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા. જે આરોપી કીર્તન ડાખરાની રેલ્વે સ્ટેશન પરથી ધરપકડ કરવામાં આવી છે. પોલીસે કીર્તનને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. જે દરમિયાન કીર્તને ઘટના અંગે સંપૂર્ણ માહિતી આપી હતી.
આ અંગે વિગતે વાત કરવામાં આવે તો, સુરતમાં ગત 7 ફેબ્રુઆરીના રોજ રાત્રે આઉટર રિંગ રોડના વાલક પાટિયા પાસે તાપી બ્રિજ પર રફતાર અને દારૂના નશામાં છાકટા થઈ 130ની ઝડપે નબીરાએ કાર હંકારી ડિવાઈડર કુદાવી પાંચ વાહનોને અડફેટે લઈ બે સગા ભાઈ ઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા. નબીરા કીર્તન ડાખરાની 30 કલાક બાદ ધરપકડ થઈ હતી. પોલીસે તેને સ્ટેશન પાસેથી પકડ્યો હતો. પોલીસે આજે કીર્તનને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, નબીરો અકસ્માત કર્યા બાદ ત્રણથી ચાર કલાક જેટલો સમય ગાર્ડનમાં બેઠો હતો. ત્યારબાદ પિતાને જાણ કરતા પિતાએ ઘરે આવી જવા જણાવ્યું હતું જોકે તે ઘરે ગયો ન હતો. ત્યારબાદ અકસ્માતની રાત્રે નબીરો રેલવે સ્ટેશન પર જ સુઈ ગયો હતો. સવાર થતા જ આસપાસમાં આમતેમ આટાફેરા માર્યા બાદ સાંજ થતાં રેલવે સ્ટેશન પાસે આવેલી હોટલમાં ગયો હતો અને ત્યાં રાત ગુજારી હતી.જ્યાંથી ગતરોજ (9/02/2025) સવારે હોટલમાંથી ચેક આઉટ કરીને રેલ્વે સ્ટેશન પાસે હતો ત્યારે પોલીસની પકડમાં આવી ગયો હતો.
સુરતમાં 130ની સ્પીડે કાર ચલાવીને બે લોકોના મોત નીપજાવનાર આરોપી કીર્તન ડાખરાને જે જગ્યા પર અકસ્માત થયો હતો ત્યાં લઈ જઈને ઘટનાનું રિકન્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન કીર્તને બે હાથ જોડેલા હતા અને તમામ ઘટના અંગે જણાવ્યું હતું. આ સાથે જ કીર્તન લંગડાતો લંગડાતો ચાલતો હોવાથી બે પોલીસ જવાનો દ્વારા તેને પકડીને ચલાવવામાં આવી રહ્યો હતો. બ્રિજ પર કાર ચલાવ્યા બાદ જ્યાંથી ડિવાઇડર ખુદાવી હતી અને કઈ જગ્યા પર બાઈકચાલકોને ઉડાવ્યા હતા તે અંગે કીર્તને તમામ માહિતી આપી હતી.
અહેવાલ: ભાવેશ ઉપાધ્યાય