સુરત: ટ્રેન-પ્લેટફોર્મ પર છાશવારે ઘટનાઓ સર્જાતી હોય છે. ત્યારે તાજેતરમાં સુરત ટ્રેન-પ્લેટફોર્મ પર જીવ જતી ઘટના સર્જાઇ હતી. જોકે આ ઘટનામાં વૃદ્ધનો જીવ બચી ગયો હતો. સુરતના રેલવે સ્ટેશન પર વૃદ્ધ ટ્રેન-પ્લેટફોર્મ વચ્ચે ફસાયા હતા. જેમાં ચાલુ ટ્રેનમાં ચડવા જતા વૃદ્ધનો પગ લપસી ગયો હતો. જે બાદ ટ્રેન અને પ્લેટફોર્મની વચ્ચે ફસાઈ જતા આસપાસના લોકો અને જીઆરપી જવાને વૃદ્ધને બચાવ્યા હતા.
મળતી માહિતી પ્રમાણે, સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પર રાત્રે 10:47 વાગ્યે ઇન્દોર એક્સપ્રેસ આવી હતી. તે દરમિયાન એક વૃદ્ધ ચાલતી ટ્રેનમાં ચડવાનો પર્યાસ કરી રહ્યા હતા. ચાલુ ટ્રેનમાં ચડવા જતા વૃદ્ધનો પગ લપસી ગયો હતો. જેથી ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ ગયા હતા. વૃદ્ધે ટ્રેનનું હેન્ડલ પકડી રાખ્યું હોવાથી તેઓ ટ્રેનની સાથે ખેંચાતા જઈ રહ્યા હતા. દરમિયાન સુરત રેલવે સ્ટેશન ખાતે ફરજ બજાવી રહેલા જવાનની નજર વૃદ્ધ પર પડી હતી.
તાત્કાલિક સમયસૂચકતા વાપરીને સુરત રેલવે પોલીસના જવાન ગુલાબસિંહ મનસુખભાઈએ વૃદ્ધને ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચેથી ખેંચી લીધા હતા. આ દરમિયાન અન્ય લોકો પણ દોડી આવ્યા હતા અને વૃદ્ધને સ્વસ્થ કરવામાં મદદરૂપ થયા હતા. વૃદ્ધ સ્વસ્થ થતા તેમને ટ્રેનમાં બેસાડી રવાના કરવામાં આવ્યા હતા. જોકે, સુરત રેલવે પોલીસના જવાન દ્વારા કરવામાં આવેલી કામગીરીની ઘટના CCTVમાં કેદ થઈ જવા પામી છે.