Abtak Media Google News

શહેરમાં કેટલાક વિસ્તારમાં ઝાડા ઉલ્ટીની ઝપેટમાં લોકો આવી રહ્યા છે. કતારગામની બાળકી ઝાડા-ઉલ્ટીમાં મોતને ભેટી હતી, જ્યારે ઉધના વિસ્તારમાંથી ઝાડા-ઉલ્ટીમાં ૨૧ થી વધુને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. નવી સિવિલથી મળેલી વિગત મુજબ, કતારગામ વિસ્તારમાં મગન નગર પાસે સોના એપાર્ટમેન્ટમાં રહેતા રામસ્વરૃપ પ્રજાપતિની ૮ વર્ષીય પુત્રી ગોપીને છેલ્લા બે દિવસથી ઝાડા-ઉલ્ટી થતી હતી. ગત સાંજે તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલ બાદ નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી.

ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. ગોપી કતારગામની લલિતા ચોકડી પાસેની શાળામાં ધો.૩ માં અભ્યાસ કરતી હતી. તે મૂળ રાજસ્થાનના શિખરની વતની હતી. તેના પિતા કડીયા કામ કરે છે. નોંધનીય છે કે, ઉધના વિસ્તારમાં સંજયનગરમાં આજુબાજુ વિસ્તારમાં પાણી ખરાબ હોવાથી તે વિસ્તારના ૨૧ થી વધુ વ્યક્તિઓ ઝાડા ઉલ્ટીની ઝપેટમાં આવ્યા છે, જેમાં એક જ પરિવારનાં અનિલ અશોક વાઘમારે (ઉં.વ. ૨૦), આકાશ વાઘમારે (ઉં.વ. ૧૭), શારદાબેન વાઘમારે (ઉં.વ.૩૦), દિપા વાઘમારે (ઉં.વ.૮) અને ઓમ વાઘમારે (ઉં.વ.૪), જ્યારે તેઓની નજીકમાં રહેતા ગણેશ જોષી (ઉં.વ. ૧૮), શિવનીયા હેગડે (ઉં.વ. ૧૯ માસ), મીલન અખાડે, કાલુ સલાટ (ઉં.વ. ૧૦), નટવર રાયા (ઉં.વ. ૨૦), તેની ૨૦ દિવસની બહેન, નીતેશ ચોગલે (ઉં.વ. ૯), અંજી ખત્રી (ઉં.વ.૩૧), ભારતી (ઉં.વ.૧૪), પિલીયા (ઉં.વ. ૧૯), રાજુ (ઉં.વ. ૧૯), અનિતા શાહ (ઉં.વ. ૪૨) લખન (ઉં.વ. ૨૬), રિન્કેશ યાદવ (ઉં.વ. ૨૦) ને બે-ત્રણ દિવસ દરમિયાન સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં પ્રદિપ મિશ્રા (ઉં.વ. ૧૯) અને ગણેશ નિશાદ (ઉં.વ. ૨૮) બંને રહે. સંજયનગર, ઉધના ને સમાવેશ થાય છે.

આ અંગે પાલિકાના આરોગ્ય અધિકારીને જાણ થતાં મેડિકલની બે ટીમ ઉધના સંજયનગર સહિતના વિસ્તારમાં મોકલી આપી હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત સૈયદપુરા, રૃઘનાથપુરા, રામપુરા, મહિધરપુરા, પુણા, લંબે હનુમાન, કતારગામ સહિતના વિસ્તારોમાં છેલ્લા ૧૫ દિવસથી ૭૦ થી વધુ વ્યક્તિઓ ઝાડા ઉલ્ટીની ઝપેટમાં આવ્યા હતા અને તેઓ નજીકના દવાખાનામાં સારવાર માટે ગયા હતા. નોંધનીય છે કે, ત્રણ દિવસ અગાઉ ધાસ્તીપુરામાં રહેતા મોહંમદ ઈસા શા (ઉં.વ.૫૦) ઝાડા-ઉલ્ટીની ઝપેટમાં આવ્યા બાદ મોતને ભેટયા હતા. ત્યારબાદ ગતરોજ કતારગામની ગોપી પ્રજાપતિ (ઉં.વ. ૮) ઝાડા-ઉલ્ટીની ઝપેટમાં આવતા મોત નીપજ્યું હતું

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.