સુરેન્દ્રનગર: ચુડાના મોજીદડમાં વંદે ગુજરાત વિકાસ યાત્રાની શરૂઆત

કાર્યક્રમમાં વિકાસ રથને  પ્રસ્થાન કરાવતા ડો.મહેન્દ્રભાઈ  મુંજપરા અને કિરીટસિંંહ રાણા

ગુજરાતમાં છેલ્લા બે દાયકામાં થયેલા વિકાસ અને વિવિધ કલ્યાણકારી યોજનાઓનાં લાભો મહત્તમ લોકો સુધી પહોંચાડવાના પ્રયાસ સ્વરૂપે રાજ્ય સરકાર દ્વારા રાજ્યનાં તમામ જિલ્લામાં આજથી “વંદે ગુજરાત વિકાસ યાત્રા”નું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં કેન્દ્રીય રાજ્ય મંત્રી મહેન્દ્રભાઇ મુંજપરા તેમજ વન અને પર્યાવરણ કેબિનેટમંત્રી કિરીટસિંહ રાણાએ ચૂડા તાલુકાનાં મોજીદડ ગામેથી વંદે ગુજરાત વિકાસયાત્રાનો શુભારંભ કરાવ્યો હતો. આ ઉપરાંત, અન્ય બે રથોને પણ લખતર તાલુકાનાં લખતર અને લીંબડી તાલુકાનાં પાણશીણા ખાતેથી પ્રસ્થાન કરાવવામાં આવ્યા હતા.

આ અવસરે ગુજરાતની 20 વર્ષની વિકાસયાત્રા વિશે વાત કરતા કેન્દ્રીય રાજયમંત્રી  ડો. મહેન્દ્રભાઈ મુંજપરાએ કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી જણાવ્યુ હતું કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ રાજ્ય તરીકે ગુજરાતે ખેતી, આરોગ્ય, આવાસ, વીજળી, સિંચાઈ એમ દરેક ક્ષેત્રે અભૂતપૂર્વ વિકાસ સાધ્યો છે. ચૂડા તાલુકાના ખેડૂતો અને કૃષિ ક્ષેત્રે ગુજરાતે કરેલી પ્રગતિ વિશે વાત કરતા આયુષ મંત્રીએ જણાવ્યું હતું કે ખેડૂતની આવક બમણી કરવા અને ખેતીને આર્થિક રીતે વધુ વળતરદાયી બનાવવા સરકાર સતત પ્રયત્નશીલ છે. ઉજ્જવલા યોજના, પીએમ આવાસ યોજના, પીએમ કિસાન સન્માન નિધિ યોજના સહિતની યોજનાઓથી છેલ્લા 2 દાયકામાં ગ્રામીણ વિસ્તારોમાં આવેલ આમૂલ પરિવર્તન આવ્યું છે.  કોરોના મહામારી દરમિયાન રસી વિકસાવવા સરકારના પ્રયાસો વિશે જણાવતા તેમણે ઉમેર્યું હતું કે 136 કરોડ દેશવાસીઓને કોરોના પ્રતિરોધક રસી વિનામૂલ્યે આપવામાં આવી છે. આરોગ્ય ક્ષેત્રે સરકારની અસરકારક કામગીરી વિશે વાત  કરતા તેમણે જણાવ્યું  કે સારવાર માટે થતા મોટા ખર્ચને ધ્યાને લઈને સરકારે વ્યક્તિ દીઠ 5 લાખની સારવારનું આરોગ્ય કવચ આપતી અને કરોડો લાભાર્થીઓને આવરી લેતી વિશ્વની સૌથી મોટી આરોગ્ય યોજના કહી શકાય તેવી આયુષ્યમાન ભારત યોજના લોન્ચ કરી છે. ગુજરાતમાં રાજકોટ ખાતે એઈમ્સની સ્થાપનારૂપી ભેટ, મેડિકલ સીટો 620થી વધારીને 8,200 કરવી, જામનગર ખાતે ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનની સ્થાપના સહિતના તબીબી સારવારના આંતરમાળખાકીય સુધારા વિશે વાત કરતા તેમણે સુરેન્દ્રનગર ખાતે પણ ટૂંક સમયમાં આયુર્વેદિક કોલેજની સ્થાપના કરવામાં આવશેની જાહેરાત કરી હતી.

કોરોના મહામારી દરમિયાન સરકારે લીધેલા પગલાઓની વાત કરતા વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાએ જણાવ્યું હતું કે મહામારી દરમિયાન કોઈ વ્યક્તિ ભૂખ્યો ન સુવે તેની ચિંતા કરતા સરકારે વિનામૂલ્યે અનાજ વિતરણ સહિતનાં પગલાઓ લીધા. અગાઉ વાળુ કરવા બેસતા કે પરીક્ષા માટે વાંચવા બેસતા ત્યારે લાઈટ જતી રહેતી પરંતુ તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીની દૂરંદેશીભરી નીતિનાં કારણે અત્યારે જ્યોતિગ્રામ યોજના દ્વારા રાજ્યના તમામ 18,000 ગામોમાં 24 કલાક થ્રી ફેઝ વીજ પુરવઠો પહોંચાડવામાં આવી રહ્યો છે.વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીનું સ્વપન હતું કે દરેક પરિવારને ઘરનું ઘર મળી રહે તે સ્વપ્ન પુરૂ કરવા માટે વર્ષ 2016માં શરૂ કરાયેલ પીએમ આવાસ યોજના અંતર્ગત સુરેન્દ્રનગરમાં 8635 આવાસો પૂર્ણ કરી દેવામાં આવ્યા છે.

વધુમાં મંત્રી  એ જણાવ્યું હતું કે છેલ્લા 20વર્ષમાં 69 હજાર કિલોમીટર લાંબુ કેનાલનું માળખું બનાવી ઘરે-ઘરે નર્મદાનાં પાણી પહોંચાડવામાં આવી રહ્યુ છે.આઝાદી પછી પહેલીવાર ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમને પૂર્ણ ઊંચાઈ સુધી લઈ જવાની તથા દરવાજા લગાવવાની મંજૂરી વડાપ્રધાન મોદી દ્વારા આપવામાં આવી હતી.ઇતિહાસમાં પ્રથમ વખત મુખ્યમંત્રી સહિત અધિકારીઓએ ગામડે ગામડે જઈ ’શાળા પ્રવેશોત્સવ’ થકી બાળકોને શાળામાં આવતા કર્યા છે. શિક્ષણ માટે રાજયની સ્કૂલોમાં નવા 10 હજાર ઓરડામાં બનાવવામાં આવી રહ્યા છે. આ પ્રસંગે વઢવાણ ધારાસભ્ય ધનજીભાઈ પટેલ અને અગ્રણીજગદીશભાઇ મકવાણાએ પ્રાસંગિક ઉદબોધન કર્યા હતા. આ પ્રસંગે જિલ્લા કલેકટરકે.સી. સંપટ દ્વારા સ્વાગત પ્રવચન અને આભારવિધિ નાયબ જિલ્લા આરોગ્ય અધિકાર  ગોહિલ દ્વારા કરવામાં આવી હતી.

આ અગાઉ કાર્યકમ પૂર્વે ગામમાં પી.એમ.જે.એ.વાય – મા યોજના તેમજ અન્ય યોજનાઓના લાભાર્થીઓની નોંધણી અને લાભોનું વિતરણ  તેમજ નિરામય ગુજરાત અંતર્ગત આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વીસ વર્ષની વિકાસ ગાથા અંગેના ગીતો અને વંદે ગુજરાત વિકાસ યાત્રા અંતર્ગત વિકાસની ટૂંકી ફિલ્મો પણ  રજૂ કરવામાં આવી હતી.

વિકાસ યાત્રાના શુભારંભ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખસુ બબુબેન પાંચાણી,  અગ્રણી સર્વે  જગદીશભાઇ મકવાણા, ટી.ડી.પરમાર, રાજભા જાદવ, ધીરુભાઈ, અલ્પેશભાઈ શેખ, પ્રતાપભાઈ,કનકસિંહ રાણા,જિલ્લા વિકાસ અધિકારી  પી.એન.મકવાણા,લીંબડી પ્રાંત અધિકારી હર્ષવર્ધન સોલંકી,નાયબ જિલ્લા વિકાસ અધિકારી  હર્ષદભાઈ પટેલ,ચુડા મામલતદાર જે. એસ.દેસાઈ સહિત પદાધિકારીઓ-અધિકારીઓ,લાભાર્થી અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.