Abtak Media Google News

 

3.40 લાખથી વધુ મતદારો લગ્ન પ્રસંગોના જમણવારો સહિતના પ્રસંગોમાં રોકાયેલા રહેશે

 

જિલ્લામાં 1 ડિસેમ્બરે મતદાન છે. લોકશાહીના પર્વમાં 100 ટકા મતદાન થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર તેમજ રાજકીય પક્ષો દ્વારા મતદાન જાગૃતિ માટે પ્રયાસ કરાઈ રહ્યા છે પરંતુ જિલ્લામાં મતદાન બાદના દિવસે એટલે કે 2 ડિસેમ્બરે અંદાજે 2300 જેટલાં લગ્ન છે જ્યારે મોટા ભાગનાં લગ્નોના જમણવારના કાર્યક્રમો 1 ડિસેમ્બરે હોવાને કારણે મતદાન પર અસર થવાની શક્યતા છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ, લીંબડી, પાટડી, ધ્રાંગધ્રા, ચોટીલા વિધાનસભાની બેઠકોની ચૂંટણી માટે પક્ષોના દિગ્ગજ નેતાઓ સભાઓ ગૂંજાવી જવા છતાં ચૂંટણી માહોલ જામ્યો ન હોવાથી રાજકીય પક્ષોમાં મૂંઝવણ વધી છે. બીજી તરફ રેલી, અવસર રથ અને વિવિધ કાર્યક્રમો થકી તંત્ર મતદાન જાગૃતિની કવાયત કરી રહ્યું છે.

આ સ્થિતિ વચ્ચે જ્યોતિષ ભરત એ. પંડ્યા (ગર્ગ)એ જણાવ્યું કે ચૂંટણી દરમિયાન તા. 25, 26, 29 નવેમ્બર તેમજ તા. 2, 4, 8, 9 અને 14 ડિસેમ્બરે લગ્નનાં મુર્હૂતો છે. 2 ડિસેમ્બરે જ જિલ્લામાં 2300 જેટલાં લગ્ન છે. આથી પ્રસંગમાં રોકાયેલા પરિવારો અને લોકોને મતદાન માટે સમજાવવા સહિતના પ્રયાસોમાં રાજકીય પક્ષના આગેવાનોની કસોટી થશે.

ચૂંટણીના દિવસે 1000થી વધુ જમણવાર

કેટરર્સ પાસેથી મળતી માહિતી મુજબ 1000થી વધુ જમણવારનું અત્યારથી જ બુકિંગ થઈ ગયું છે. આ કારણે મતદાનના દિવસે 1 ડિસેમ્બરે જિલ્લામાં અંદાજે 3.50 લાખથી વધુ લોકો જમણવારમાં રાકાયેલા હશે. એક ડીશના 200થી માંડીને રૂ. 7 કરોડનું ભોજન આરોગશે.

1 લગ્નમાં 60 લોકો રોકાય, 1.38 લાખ મતદાન ન કરી શકે

જિલ્લામાં 2 ડિસેમ્બરે 2300 લગ્નપ્રસંગ છે. પરિણામે મતદાનના દિવસે પરિવારોમાં લગ્ન હોય તેઓ વહેલી સવારથી જ પ્રસંગમાં રોકાયેલા રહેશે. તેમજ માંડવિયા પણ મોટા ભાગે આગલા દિવસે લગ્નપ્રસંગમાં આવતા હોય છે. આથી એક લગ્નમાં અંદાજે 60 લોકો રોકાયેલા રહે તોપણ 2300 પરિવારોના 1,38,000 લોકો મતદાનથી વંચિત રહે તેવી શક્યતા છે. ત્યારે રાજકીય પક્ષોમાં પણ લગ્ન ગાળાની સિઝનને લઈ અને મોટી ચિંતા ઉદભવી છે ત્યારે મતદાનના સમયે મતદાન મથકો ઉપર મોટો ફેરફાર સર્જાય તેવા પણ એંધાણ લગ્નની સિઝનના કારણે વર્તાઈ રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.