- ઈન્સ્ટાગ્રામ આઈડી પર યુવક પાસે સરકારી કર્મચારીઓ, મહિલાઓ સહિત પ્રતિષ્ઠિત વ્યક્તિઓના વીડિયો અપલોડ કરાવતા હતા
સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ દ્વારા સોશ્યલ મીડીયા પર એક યુવક પાસે અલગ-અલગ સરકારી કર્મચારીઓ, મહિલાઓ સહિત પ્રતિષ્ઠિત નાગરિકોના ખોટા આક્ષેપો અને બદનક્ષી સાથેના વિડિયો બનાવડાવી તેને અપલોડ કરાવી બ્લેકમેલ કરી રૂપિયા પડાવતા સાત શખ્સોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
આ અંગે પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર એસઓજી, એલસીબી અને પેરોલ ફર્લો સ્કવોડની ટીમ દ્વારા થોડા દિવસો પહેલા સુરેન્દ્રનગર જીલ્લા સહિત અન્ય જીલ્લાના નાગરિકો, સરકારી અધિકારીઓ, મહિલાઓ, એન્જીનીયર, બિલ્ડર સહિત ઉચ્ચ હોદ્દો ધરાવતા પ્રતિષ્ઠિત નાગરિકોના ગુન્હાહિત ધમકી તેમજ બિભત્સ અને બદનક્ષીના આક્ષેપો સાથેના વિડિયો ઈન્સ્ટાગ્રામના અલગ-અલગ બે આઈડી પર અપલોડ કરનાર મુળ સુરેન્દ્રનગરના પોપટપરા વિસ્તારનો અને હાલ કલકત્તા રહેતા યુવક યોગેન્દ્ર ઉર્ફે બકરો અતુલભાઈ સોલંકીને ઝડપી પાડ્યો હતો અને યુવકનો મોબાઈલ કબ્જે કરવામાં આવ્યો હતો જે મોબાઈલની તપાસ કરતા યુવક બકરો સોલંકી દ્વારા સુરેન્દ્રનગરના અલગ-અલગ વ્યક્તિઓએ રૂપિયા આપી વિડિયો બનાવડાવી અપલોડ કરાવ્યા હોવાનું સામે આવ્યું હતું જે મામલે 14 જેટલા શખ્સો સામે એ-ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જે તમામ શખ્સો પૈકી પોલીસે અલગ-અલગ ટીમો બનાવી સાત શખ્સો
(1) ભવાનભાઈ ઉર્ફેકાનો મનસુખભાઈ બાવળીયા રહે.60 ફુટ રોડ
(2) ગોપાલભાઈ લક્ષ્મણભાઈ મકવાણા રહે.દુધરેજ ફાટક બહાર વોરાના ડેલામાં
(3) સંજયભાઈ દેવશીભાઈ ગરીયા રહે.વાદીપરા શેરી નં.7
(4) સુરેશભાઈ ઉર્ફેસુરો બીજલભાઈ સીંધવ રહે.નવા જંક્શન રોડ
(5) અકીલખાન ઉર્ફે સોનુ અસરફખાન પઠાણ રહે.સોની તલાવડી ધ્રાંગધ્રા
(6) અસ્લમ રસુલભાઈ કટીયા રહે.મીયાણાવાડ શેરી નં.3 અને
(7) રાકેશભાઈ વિરજીભાઈ વિરગામી(પ્રજાપતિ) પત્રકાર રહે.ટી.બી. હોસ્પીટલ પાછળ, સુરેન્દ્રનગર વાળા
ઉપરોક્ત તમામને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને તેમની વધુ પુછપરછ કરતા અગાઉ ઝડપાયેલ યુવક બકરો સોલંકી પાસે અલગ-અલગ વ્યક્તિઓના વિડિયો બનાવડાવી તેના આઈડીમાં અપલોડ કરાવી આ વિડિયો ડિલીટ નહિં કરવાની ધમકી આપી રૂપિયા પડાવતા હોવાની પણ કબુલાત કરી છે તેમજ પોલીસની વધુ તપાસ દરમ્યાન યુવકના મોબાઈલમાંથી અંદાજે 1400 થી વધુ વિડિયો મળી આવ્યા હતા. જે પૈકી હાલ 100થી વધુ વિડિયોનું પૃષ્ટીકરણ કરી 14 શખ્સો સામે ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે અને આગામી દિવસોમાં બાકીના વિડિયો બાબતે પણ તપાસની તજવીજ હાથ ધરવામાં આવશે.