દેશભરમાં કપાસના વાયદાનું મુખ્ય સ્થાન એવા સુરેન્દ્રનગરમાં કપાસના વાયદા માટે ધમધમતો સટ્ટા હોલ વર્ષોથી સુમસામ

એસએમસી દ્વારા નિયમ મુજબ કાર્યવાહી હાથ ધરાતા સટ્ટા બજાર બંધ થયાનો આક્ષેપ

ભાવ બાંધણા માટે વિશ્વની નજર રીંગ પર રહેતી: કર્મચારીઓ, દલાલોની હાલત કફોડી

સુરેન્દ્રનગર જિલ્લો કપાસનો હબ ગણવામાં આવી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો દ્વારા દર વર્ષે કપાસનું મબલખ વાવેતર કરી અને મબલખ ઉત્પાદન મેળવવામાં આવી રહ્યું છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા નો કપાસ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત બન્યો છે. આ પ્રખ્યાત બનવા પાછળનું કારણ એ છે કે સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં ૭ વર્ષ પહેલા ચાલતો સટ્ટાના હોલમાંથી સમગ્ર વિશ્વના કપાસના ભાવો નક્કી કરવામાં આવતા હતા.

સુરેન્દ્રનગરના સટ્ટાહોલમાં ચાલતા કપાસના વાયદા માટે એસ.એમ.સી. ના નિયમો બાબતે અધિકારીઓ દ્વારા કડક કાર્યવાહી અપનાવવામાં આવી હતી.આથી ૨૦૧૪ ની સાલ માં તા. ૨૭ના રોજ સુરેન્દ્રનગરના સટ્ટા હોલમાં દલાલો અને વેપારીઓ કપાસના સટ્ટાથી અલગ રહ્યા હતા.

ત્યારે કપાસના સોદા માટે ધમધમતો સટ્ટા હોલ સૂમસામ બની ગયો હતો. આ અંગે એક વેપારીએ જણાવ્યું કે, સટ્ટા હોલમાં ચાલતા સોદાને કાયદેસર નિયમ મુજબ કરવા માટે એસ.એમ.સી. દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવતા સટ્ટા બજારમાં સોદા બંધ થયા છે. છેલ્લા સાત વર્ષથી આ બાબતનો નિવેડો ન આવતાં  આ સત્તાના હોલમાં કામકાજ કરતા કર્મચારીઓ બ્રોકરો દલાલોની આર્થિક પરિસ્થિતિ હાલમાં ખૂબ કથળી બની જઇ રહી છે.

સુરેન્દ્રનગરના સટ્ટાહોલમાં ચાલતા કપાસના વાયદાને નિયમ મુજબ કરવા માટે એસ.એમ.સી. કડક કાર્યવાહી હાથ ધરે છે. આથી ટેકેદારો, વેપારીઓ અને દલાલો વચ્ચે બેઠક યોજાઇ છત્તા સટ્ટા નો હોલ શરૂ થયો નથી. સાત વર્ષમાં આ બાબતનો નીવેડો નહિ આવતા કપાસના વાયદાના મુખ્ય કેન્દ્ર સમા સુરેન્દ્રનગરના સટ્ટા હોલમાં ગંભીર સમસ્યા સર્જાવા પામી છે.

અને જ્યાં સટ્ટા હોલ માં રીંગ ભરાતી અને સમગ્ર વિશ્વની નજર આ રિંગ ઉપર રહેતી અને આ રિંગમાં જે કપાસના ભાવ નક્કી થતાં તે સમગ્ર વિશ્વ આ રિંગમાં નક્કી થયેલા ભાવે કપાસની ખરીદી કરતું ત્યારે હાલમાં છેલ્લા સાત વર્ષથી સટ્ટા હોલ બંધ હોવાના કારણે અને સરકાર દ્વારા પણ આ બાબતે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવાના કારણે હાલમાં સુરેન્દ્રનગર સટ્ટા હોલ માં કામ કરતા અનેક કર્મચારીઓ બેરોજગાર બન્યા છે સમગ્ર સુરેન્દ્રનગર જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાંથી આ સટ્ટા હોલમાં કપાસની ખરીદી વેચાણની પ્રક્રિયા માટે વેપારીઓ આવતા હતા.