સુરેન્દ્રનગર: ભેચડા ગામે વીજચોરીના ચેકિંગમાં હોબાળો થતા આખા ગામનો વીજ પૂરવઠો કાપી નંખાયો

ગ્રામજનોએ હોબાળો મચાવી કામગીરી અટકાવવા પીજીવીસીએલ દ્વારા પાંચ શખ્સો સામે ફરિયાદ

 

અબતક, સબનમ ચૌહાણ, સુરેન્દ્રનગર

પી.જી.વી.સી.એલ વિભાગીય કચેરી હેઠળ બાવળી પેટા વિભાગીય કચેરીના નારીચાણા જયોતિગ્રામ લાઈનના વીજ લોસમાં વધારો થયેલ હોવાનું જણાતા બે દિ’ પૂર્વે

ધ્રાંગધ્રા વિભાગીય કચેરીના તાબા હેઠળની વિજીલન્સની ટીમો દ્વારા નારીચાણા જયોતિગ્રામ લાઈન ઉપર વિજચેકિંગની કામગીરી વહેલી સવારે જસાપર ગામથી ચાલુ કરવામાં આવેલ હતી.

જસાપર ગામે વિજ ચેકીંગની કાર્યવાહી પૂરી કરી વિજીલન્સની ટીમો ભેચડા ગામે પહોચી હતી. ભેચડા ગામે જયારે વિજ ચેકીંગની કાર્યવાહી ચાલી રહી હતી ત્યારે પાંચ ઈસમોએ વીજ ચેકીંગ કાર્યવાહી ન કરવાનું જણાવતા અને ફરીથી અહી વીજ ચેકીંગ માટે ન આવવાનું જણાવતા મોડી રાત સુધી ભેચડા ગામનો વીજ પુરવઠો કાપી નાંખવામાં આવેલ હતો અને વિજીલન્સની ટીમો ને તેમની વિજચેકીંગ કાર્યવાહી કરતા અટકાવતા પાંચ ઈસમો તથા ટોળા વિરૂદ્ધ ધારા ધોરણસર પોલીસ ફરીયાદ નોંધાવવામાં આવી હતી.

આ બાબતે પી.જી.વી.સી.એલ વિભાગીય કચેરીના કાર્યપાલક ઈજનેર  જે.બી. ઉપાધ્યાય દ્વારા જણાવવામાં આવેલ હતું કે, પીજી.વી.સી.એલ જેટકો કંપની પાસેથી પાવર ખરીદી વીજ ગ્રાહકોને પૂરો પાડે છે, અને તેમાં કેટલાક ઈસમો દ્વારા વીજ ચોરી કરવામાં આવે છે જેથી વીજ લાઈનના વિજલોસમાં વધારો થાય છે અને સારા ગ્રાહકો આ કારણે અસંતોષ અનુભવે છે તેમજ પી.જી.વી.સી.એલ કંપનીને ખૂબ જ નાણાકીય ખોટ ભોગવવી પડે છે. આવા વીજચોરો વિરૂદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.