- રાજકોટ ગ્રામ્ય પોલીસની
- વારંવાર ગુના આંચરતા શખ્સોંના મકાન-વીજ જોડાણનું ચેકીંગ કરાયું : ચારની હદપારી અને એકની પાસા દરખાસ્ત
રાજ્યના પોલીસવડા વિકાસ સહાય દ્વારા અસામાજિક તત્વોની 100 કલાકમાં યાદી તૈયાર કરી કડક કાર્યવાહી કરવા આદેશ છૂટ્યા બાદ રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા અસામાજિક તત્વો પર સર્જીકલ સ્ટ્રાઈક સર્જવામાં આવી હોય તે પ્રકારના અહેવાલ સામે આવી રહ્યા છે. રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા એક જ દિવસમાં અલગ-અલગ પોલીસ મથક વિસ્તારમાં વારંવાર ગુનો કરવાની ટેવ ધરાવતા ઈસમોના ગેરકાયદે મકાન તેમજ વીજ જોડાણ સહિતનું ચેકિંગ હાથ ધરી એક જ દિવસમાં 32 ગુના દાખલ કરી રૂપિયા 18.15 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંત ચાર શખ્સોંની હદપારી તેમજ એક ઈસમની પાસા દરખાસ્ત પણ તૈયાર કરવામાં આવી છે. ગ્રામ્ય પોલીસની અસામાજિક તત્વો પર તવાઈથી ગુનો કરવાની ટેવ ધરાવતા ઈસમોમાં ફફડાટ મચી જવા પામ્યો છે.
રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ અને જિલ્લા પોલીસ વડા હિમકરસિંહના આદેશ અનુસાર અલગ અલગ પોલીસ સ્ટેશનના પીઆઇ દ્વારા તેમની ટીમને સાથે રાખી તેમજ પીજીવીસીએલના કર્મચારીઓ સાથે સંયુક્ત ઓપરેશન હાથ ધરી ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. આ ચેકિંગ ઝુંબેશમાં અલગ અલગ ગુનો કરવાની ટેવ ધરાવતા ઈસમોના મકાન અને વીજ જોડાણ અંગે તપાસ શરૂ કરવામાં આવતા અનેક ઈસમો ગેરકાયદે મકાન અને ગેરકાયદે વીજ જોડાણનો વપરાશ કરતા હોય તેવું સામે આવતા શિક્ષાત્મક પગલાં સ્વરૂપે ગુના દાખલ કરી દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી નીચે મુજબ છે.
* શાપર વેરાવળ પોલીસ
શાપર વેરાવળ પોલીસ મથકના પી.આઈ.આર.બી રાણા અને પી.એસ.આઇ વી જી જેઠવા તેમજ આર.ડી સોલંકીની ટીમો દ્વારા અસામાજિક પ્રવૃત્તિ આચરતા ઈસમો અને ગુંડા તત્વો વિરુદ્ધ લાલ આંખ કરી ગેરકાયદે વીજ ચોરીના આઠ કેસો, મિલકત ભાડે આપવા અંગેના જાહેરનામા ભંગના ચાર કેસો તેમજ અસામાજિક પ્રવૃત્તિ કરતા બે ઈસમો વિરુદ્ધ હદપારી દરખાસ્ત કરવામાં આવી હતી.
* પડધરી પોલીસ
ગોંડલ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક કે.જી. ઝાલાના માર્ગદર્શન હેઠળ પડધરી પોલીસ સ્ટેશનના પી.આઇ. એસ.એન. પરમારની ટીમો દ્વારા પીજીવીસીએલ અધિકારી હિરેનકુમાર કલોલાને સાથે રાખી અસામાજિક તત્વોના ઘરનું ચેકિંગ કરવામાં આવતા ત્રણ વ્યક્તિઓના ઘરે ગેરકાયદેસર વીજળીનો ઉપયોગ કરતા હોવાનું ધ્યાને આવતા પડધરી પોલીસ દ્વારા અલગ અલગ ત્રણ ગુના દાખલ કરવામાં આવ્યાં હતા. ઉપરાંત લોડ કરતા વધુ વીજ વપરાશ નોંધાતા પીજીવીસીએલ વિભાગ દ્વારા રૂ. 5.50 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
*ધોરાજી સીટી પોલીસ
મદદનીશ પોલીસ અધિક્ષક સિમરન ભારદ્વાજના માર્ગદર્શન હેઠળ ધોરાજી સીટી પોલીસના પીઆઇ આર જે ગોધમ પીએસઆઇ પી કે ગોહિલની રાહબરી હેઠળ ધોરાજી સીટી પોલીસની ટીમ તેમજ પીજીવીસીએલ વિભાગ દ્વારા વારંવાર શરીર સંબંધી તેમજ મિલકત સંબંધી ગુનો આચરતા ઈસમોના ઘરની ખરાઈ કરવામાં આવતા બે શખ્સોનેના ઘરથી ગેરકાયદેસર વીજ જોડાણ મળી આવતા કુલ રૂ. 1.38 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. ઉપરાંત ચાર ઈસમોના ભોગવટામાં રહેલ બાંધકામ કાયદેસર છે કે કેમ? તે બાબતે ધોરાજી નગરપાલિકા દ્વારા નોટિસ આપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત ધોરાજી સીટી પોલીસની ટીમ દ્વારા વધુ ત્રણ ઈસમોના ગેરકાયદેસર વીજ જોડાણ પકડી પાડી કુલ રૂ.35,000 નો દંડ કરવામાં આવ્યો હતો. તેમજ ભાડા કરારના જાહેરનામાના ઉલ્લંઘન બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
*ભાયાવદર
ધોરાજીના મદદનીશ પોલીસ અધિક્ષક સિમરન ભારદ્વાજના સીધા માર્ગદર્શન હેઠળ ભાયાવદર પોલીસ સ્ટેશનના પીઆઇ વી એમ ડોડીયાની ટીમ દ્વારા અલગ અલગ વિસ્તારમાં રહી અસામાજિક પ્રવૃત્તિ આચરતા તત્વો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ગેરકાયદેસર વીજ ચોરીના બે ગુના દાખલ કરવામાં આવ્યા હતા. મેદાનમાં ઉતરેલી પીઆઈ વી એમ ડોડીયા સહિતની ટીમે અસામાજિક પ્રવૃત્તિ કરતા બે તત્વો વિરુદ્ધ હદપારીની દરખાસ્ત પણ તૈયાર કરી છે. પોલીસની આકરી કાર્યવાહીથી લુખ્ખા અને આવારા તત્વોમાં સન્નાટો મચી જવા પામ્યો છે.
* ગોંડલ સીટી પોલીસ
ગોંડલ ડિવિઝનના ડીવાયએસપી કે જી ઝાલાના સીધા માર્ગદર્શન હેઠળ ગોંડલ સીટી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એ સી ડામોર, પીએસઆઇ વી જે જાડેજા અને એસ આર પંડિયાની ટીમો દ્વારા ગોંડલ સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહી ગુનાને અંજામ આપવાની ટેવ ધરાવતા ઈસમોના મકાન અને વીજ જોડાણ અંગે તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ગેર કાયદેસર વીજ ચોરીના ચાર કેસ, મિલકત ભાડે આપવા અંગેના જાહેરનામાના ઉલ્લંઘન બદલ એક કેસ તેમજ એક અસામાજિક તત્વ વિરુદ્ધ પાસાની દરખાસ્ત કરવામાં આવી હતી.
* ભાડલા પોલીસ
ભાડલા પોલીસના ઇન્ચાર્જ પીઆઈ જે એચ સિસોદિયાના માર્ગદર્શન હેઠળ પોલીસ અને પીજીવીસીએલના અધિકારી ધર્મેશ ગેહલોત દ્વારા સંકલનમાં રહી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બે કે તેનાથી વધુ ગુના આચરનાર ઈસમોની યાદી તૈયાર કરી ચેકિંગ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. જેમાંથી નવ ઈસમોના ઘરે રેડ કરતા સાતના ઘરે ગેરકાયદેસર વીજળીનો ઉપયોગ થતો હોય તેવું ધ્યાને આવતા પોલીસ દ્વારા ઇલેક્ટ્રિસિટી એક્ટ હેઠળ સાત કેસો કરવામાં આવેલ હતા અને પીજીવીસીએલ વિભાગ દ્વારા રૂ. 4,85,500 નો દંડ ફટકારવામાં આવ્યો હતો.
* મેટોડા જીઆઈડીસી પોલીસ
મેટોડા જીઆઇડીસી પોલીસના પીઆઇ એસ એચ શર્માના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ એન બી ઝાલાની ટીમ દ્વારા ભાડુઆત નોટિફિકેશનનું પાલન નહીં કરનારા ચાર લોકો વિરુદ્ધ દાખલ કરવામાં આવ્યા હતા. મેટોડા પોલીસ દ્વારા ઉમેશભાઈ હરિભાઈ સોની, રાહુલ રાજેશભાઈ યાદવ, ભાગ્યપાલસિંહ મહેન્દ્રસિંહ જાડેજા અને નીતિન રમેશભાઈ સાગઠીયા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
* ગોંડલ તાલુકા પોલીસ
પ્રોબેશનલ એએસપી અને ગોંડલ તાલુકા પોલીસના થાણા અધિકારી ડો. નવીન ચક્રવર્તીની સૂચના હેઠળ પીએસઆઇ આર જે જાડેજા અને પીજીવીસીએલના અધિકારીઓ દ્વારા સંકલનમાં રહી બેથી વધુ વાર ગુનો આચરનાર ઈસમોની યાદી તૈયાર કરી ચેકિંગ ઝુંબેશ શરૂ કરતાં બે વ્યક્તિઓના ધંધાના સ્થળ ઉપર ગેરકાયદેસર વીજળીનો ઉપયોગ થતો હોય તેવું ધ્યાને આવતા પીજીવીસીએલ દ્વારા રૂ.1,07,000 નો દંડ ફટકારવામાં આવ્યો હતો.
ગેરકાયદે વીજ જોડાણના ચેકીંગ દરમિયાન
- ગોંડલના વોરા કોટડા રોડના રહેણાંક મકાનમાંથી રૂ. 5.42 લાખનો દારૂ બિયર મળી આવ્યો
ગોંડલ સીટી બી ડિવિઝન પોલીસ અને પીજીવીસીએલ સ્ટાફ દ્વારા ગોંડલના વોરાકોટડા રોડ પર ગેરકાયદેસર વીજ કનેક્શન અંગે ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ચીસ્તીયા મસ્જિદ સામે આવેલ રહેણાંક મકાનમાં વીજ કનેક્શન ગેરકાયદેસર હોય તે ચેકિંગ હાથ ધરતા મકાનમાંથી વિદેશી દારૂની અલગ અલગ 336 બોટલ તેમજ 240 બિયરના ટીમ જેની કિંમત રૂ. 5.42 લાખનો દારૂ-બિયરનો જથ્થો મળી આવતા ગોંડલ સીટી ડિવિઝનની ટીમે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી.